Abtak Media Google News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમ્યાન મોરબી જિલ્લામાં મતદાન મથકોમાં પરંપરાગત રૂઢી રિવાજ અને સ્થાનીય સંસ્કૃતિના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં કોઈક જગ્યાએ લગ્નમાં જતા પહેલા વર-વધુઓએ કે, જાનૈયાઓએ મતદાન કરી પોતાની લોકશાહી પ્રત્યેની નિષ્ઠાવાન ફરજ પુરી કરી હોવાના દ્રષ્ટાંતો સામે આવ્યા હતા.માળીયા (મિ.) તાલુકાના મોટીબરાર ગામે ક્ષત્રિય સમાજના મહિલાઓ મોટેભાગે ઓઝલમાં જ રહેતા હોય છે. પરંતુ આજે જ્યારે લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની રળિયામણી ઘડી આવી હતી ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ સાથે મહિલાઓ પોતાના માથા પર કાપડનો પડદો ઓઢીને ઘેરથી નીકળી મતદાન મથક સુધી એકસાથે પહોંચી હતી. રૂઢી અને પરંપરાની સાથે ચૂંટણીના મહાઉત્સવનો જાણે ત્રિવેણી સંગમ સર્જાયો હોય તેવા દ્રશ્યો આ પ્રસંગે જોવા મળ્યા હતા. મોટી બરાર ગામના સરપંચે કાનજીભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આ પરંપરા ભારતની આઝાદી મળી તે સમયથી ચાલી આવે છે. જ્યારે આઝાદી બાદ પ્રથમ વખત ભારતીય નાગરિકોને મતદાનનો અધિકાર મળ્યો હતો ત્યારથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ઓઝલમાં રહીને પણ પોતાની મતદાનની ફરજ નિભાવતી આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય તે દરેક ચૂંટણીમાં ક્ષત્રિય પરંપરાની જાળવણી કરીને ક્ષત્રાણી અવશ્ય મતદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.