Abtak Media Google News

રાજદિપ-અવિની ૧૫૯ રનની અણનમ ભાગીદારી: સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ ઓપનીંગ પાર્ટનરશીપ નોંધાવતી કચ્છ વોરિયર્સ : આજે લીગનો ૯મો મેચ ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ પહેલી સિઝન રોમાંચક તબકકામાં પહોંચી ગઈ છે. રવિવારે રમાયેલા લીગ મેચમાં કચ્છ વોરિયર્સે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ સામે વિના વિકેટે જવલંત વિજય મેળવ્યો હતો. કચ્છ વોરિયર્સનાં રાજદિપ દરબાર અને અવિ બારોટની ૧૫૯ રનની અણનમ ભાગીદારીથી ગોહિલવાડ ગ્લેડિયેટર્સને પરાજીત કર્યું હતું અને સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ ઓપનીંગ પાર્ટનરશીપ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગોહિલવાડ ગ્લેડિયેટર્સે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૫૮ રન નોંધાવ્યા હતા. જેમાં ક્રિષ્નકાંત પાઠકે ૪૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૩ રન, ચિરાગ સીસોદીયાએ ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૨ રન કર્યા હતા. કચ્છનાં જયદેવ ઉનડકટ અને સુરેશ પડયાચીએ ૨-૨ વિકેટ મેળવી હતી. જયારે કચ્છનાં ઓપનીંગ બેટસમેનોએ ૧૫.૧ ઓવરમાં જ ૧૬૧ રન કરી ૧૦ વિકેટે જીત મેળવી હતી. કચ્છનાં રાજદિપ દરબાર ૫૦ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અણનમ ૯૪ રન જયારે અવિએ ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી અણનમ ૬૫ રન ફટકાર્યા હતા. આજે લીગનો ૯મો મેચ ૭:૩૦ કલાકે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાશે.

લીગનાં ૮માં મેચમાં સોરઠ લાયન્સનો ૨ વિકેટે વિજય

સોરઠ પ્રિમીયર લીગમાં રવિવારે પ્રથમ મેચ કચ્છ વોરિયર્સ અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વચ્ચે રમાયો હતો જેમાં કચ્છ વોરિયર્સ શાનદાર જીત મેળવી હતી ત્યારબાદ ગઈકાલે રાત્રે લીગનો આઠમો મેચ સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાયો હતો. જેમાં પ્રથમ બેટીંગ હાલાર હિરોઝે કરી હતી. હાલારે ૬ વિકેટ ગુમાવી ૧૬૧ રન કર્યા હતા. અર્પિત વસાવાએ ૫૮ રન કર્યા હતા તો બીજી તરફ સોરઠની ટીમે છેલ્લે સુધી લડત આપી હોય તેમ ૧૯.૪ ઓવરમાં જીત મેળવી હતી. હિમાલય અને દિવ્યરાજે ૩૪-૩૪ રન કર્યા હતા. જયારે ધર્મેન્દ્ર જાડેજાએ ૩૦ રન ફટકાર્યા હતા આમ છેલ્લી ઓવરનાં ચોથા દડે સોરઠ લાયન્સનો ૨ વિકેટે વિજય થયો હતો અને પોઈન્ટ ટેબલ પર ૪ પોઈન્ટ મેળવી લીધા હતા. આજે ટુર્નામેન્ટનો ૯મો લીગ મેચ સતત પરાજયનો સામનો કરી રહેલી ગોહિલવાડ ગ્લેડિયટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.