Abtak Media Google News

પોલીસની જુદી જુદી ટીમ દ્વારા ગાંધીધામ, ભૂજ અને અબડાસામાં ઠોસ પુરાવા એકઠાં કરવા તપાસનો ધમધમાટ: સયાજીનગરી ટ્રેનના ટીસી સાથે સેટીંગ કરી હત્યારા ટ્રેનમાં ચડયાની આશંકા: પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવી ફુટેજ અને મોબાઇલની કોલ ડીટેઇલ મેળવી

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેને થયેલી હત્યાનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગાંધીધામ, ભૂજ અને અબડાસા ખાતે જીણવટભરી તપાસ કરી છ જેટલા શકમંદની અટકાયત કરી તપાસ અર્થે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.

સયાજીનગરી એક્સપ્રેસના એચ-૧ કોચમાં સિટ નંબર ૧૯માં મુસફરી કરી રહેલા જયંતીભાઇ ભાનુશાળી પર પોઇન્ટ બ્લેક ફાયરિંગ કરી કરાયેલી હત્યા અંગે તેમના ભત્રીજા સુનિલ વસંતભાઇ ભાનુસાળીએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, વિવાદાસ્પદ મહિલા મનિષા ગૌસ્વામી, જયંતી જેઠાલાલ ઠક્કર, ઉમેશ પરમાર, સિધ્ધાર્થ છબીલ પટેલ અને વાપીના સુર્જત નામના શખ્સો સામે પૂર્વ યોજીત કાવત‚ રચી ગોળીબાર કરી હત્યા કર્યા અંગેની ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જયંતીભાઇ ભાનુશાળીને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે રાજકીય દુશ્મનાવટ ઉપરાંત બેન્ટોનાઇટની ખીણનું પ્રકરણ માનવામાં આવી રહ્યું છે. જયંતીભાઇ ભાનુશાળીએ તાજેતરમાં જ બેન્ટોનાઇટની લગતી છ ફાઇલ પાસ કરાવવાના રૂ.૩૫ કરોડના વહીવટ પૈકી રૂ.૧૦ કરોડ સામેની પાર્ટીને ચુકવવાના બદલે અમુક રકમ ચુકવી હોવાથી વિવાદ થયાનું માનવામાં આવી રહ્યું છે. વાપીની કરોડોની જમીન પ્રકરણ પણ હત્યા પાછળ કારણભૂત હોવાની શંકા સાથે પોલીસની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જયંતી ભાનુશાળી પર ફાયરિંગ કરનાર હત્યારો સયાજીનગરથી ટ્રેનના ટીસી સાથે સેટીંગ કરી ટ્રેનમાં ચડયો હોવાની શંકા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ મેળવી ટીસીની પૂછપરછ હાથધરી છે. તેમજ મોબાઇલ ડીટેઇલ કઢાવી છે.

કચ્છના કટારિયા- સૂરજબારી વચ્ચે સયાજીનગરથી એક્સપ્રેસ ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની ચાલુ ટ્રેને હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી.આ કેસમાં ડીજીપીએ નિષ્પક્ષ પણે તપાસ થવા સીટની રચના કરી હતી. જયારે રેલવે પોલીસ સાથે રાજ્યના વિવિધ શાખાઓએ તપાસમાં જોડાવા આદેશ કર્યો હતો, જે અંતર્ગત એટીએસ અને સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓનો કાફલાએ ગાંધીધામ રેલવે મથકે તપાસ કરી હતી.

તો એસઆઈટીની ટીમેં પણ ગાંધીધામ- ભુજની મુલાકાત લીધી હતી પ્રાપ્ત વિગતો મુજબ ચકચારી હત્યા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ હત્યાનો ભેદ ઉકેલવા તથા હત્યારાઓને ઝડપી પાડવા સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી, જેમાં ભાવનાબેન પટેલ (પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ), પી.પી. પરોજિયા (નાયબ પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલવે રાજકોટ) (આઈઓ), જે.પી. રાઓલ (નાયબ પોલીસ અધિક્ષક, અમદાવાદ રેલવે), આર.એમ. પટેલ (નાયબ પોલીસ અધિક્ષક, સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોન), આર.એમ. ચૂડાસમા (પોલીસ ઈન્સ્પેકટર, રેલવે પોલીસ સ્ટેશન કાલુપુર), આર.એમ. દવે (પોલીસ ઈન્સ્પેકટર, એલસીબી અમદાવાદ), ડી.જે. પટેલ (પીએસઆઈ, સુરત રેલવે પોલીસ)ની રચના કરવામાં આવી છે અને આ ઉપરાંત સ્થાનિક પોલીસ સાથે વિવિધ શાખાઓના કર્મચારીઓએ તપાસમાં જોડાવા આદેશ કરતાં ગુજરાત એટીએસ અને સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારી, કર્મચારીઓ ગાંધીધામ પહોંચી આવ્યા હતા અને તપાસમાં જોડાયા હતા.

સીટના અધિકારીઓ  કર્મચારીઓએ કેસને લગતા પુરાવા એક્ત્ર કરવા તથા આરોપીઓને ઝડપી પાડવા માટે જે સ્થળે ઘટના ઘટી હતી તે સ્થળ તથા ગાંધીધામ અને જયાં સયાજીનગરી ટ્રેનમાં મરનાર જયંતિભાઈ ચડેલ એ ભુજ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન કચ્છમાંથી છ શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે તો જ્યંતી ભાનુશાળીના મૂળ વતન અબડાસામાં પણ ટીમ ગઈ હતી અને તપાસ કરાઈ હતી અલબત્ત ટીમને કોઈ નક્કર કડી હાથ લાગી નથી પણ તપાસનો ધમધમાટ તેજ બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.