ઘેર બેઠાં તજજ્ઞ ડોકટરની વિનામૂલ્યે સેવા મેળવવા ‘ઈ-સંજીવની એપ’નો પ્રારંભ

આ મોબાઈલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની સુવિધાથી દર્દી અને તબીબ વચ્ચે સીધા સંવાદથી ઈલાજમાં વધુ અસરકારકતા આવશે

દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી લોકો ઘરે બેઠાં સારવાર મેળવી શકે તેવા શુભઆશયથી ભારત સરકાર દ્વારા દેશના અનેક રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ આ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ ઈ-સંજીવની ઓપીડી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટે મહત્તમ લાભદાયી નિવડશે. આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.

ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરે બેઠાં જ સારવાર  થઇ શકશે. સારવાર માટે પીએચસી, સીએચસી સરકારી હોસ્પિટલ કે દવાખાને જવું જ પડે એવી સ્થિતીમાંથી હવે લોકોને મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજજ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ફોન પર પ્રાથમિક નિદાન  સારવાર અને જાણકારી આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે. આ તમામ સેવા ગુજરાત સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.

આમ આ એપના માધ્યમથી ઘેર બેઠા તજજ્ઞ ડોકટર દ્વારા સારવારનો લાભ મેળવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રજાજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.

ડોક્ટરને કન્સલ્ટ કરવા નીચે મુજબના પગલાંને અનુસરો

  • રજીસ્ટ્રેશન માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરો, તમારો મોબાઈલ નંબર વેરિફાય કરો
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ટોકન જનરેટ થાય છે
  • ત્યારબાદ લોગીન થાવ
  • ડોક્ટરને કન્સલ્ટ કરવા તમારો વારો આવશે.
  • ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી દવાનું પ્રિસ્ક્રીપ્સન જનરેટ થાય છે. તે ડાઉનલોડ કરો.