Abtak Media Google News

ભાજપની મૂડી સમાન કાર્યકરોનું અપમાન  ચલાવી નહી લેવાય, હું સક્ષમ છું એટલે ટિકિટ મને જ મળવી જોઈએ તેવો પણ આગ્રહ ન રાખવો: સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.  પાટીલે વધુ એક વાર જોરદાર પંચ માર્યો છે.  પોતાની જાતને નેતા માનતા ભાજપના કેટલાક આગેવાનોને તેઓએ નામ લીધા વિના એવી ટકોર કરી છેકે નેતાઓે પણ કાર્યકર્તા બની ને જ  રહેવું  ડાયસ કે  સ્ટેજ પર બેસવાનો  મોહ ન રાખવો હું  સક્ષમ છું એટલે મનેજ ટિકિટ  મળવી જોઈએ તેવો આગ્રહ પણ  કોઈ કાર્યકરે ન રાખવા તેઓએ તાકીદ કરી છે.

વાપીનાં પારડી વિધાનસભાના મતવિસ્તારમાં પેજ કમિટી, પેજ પ્રમુખના કાર્ડ વિતરણ  કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે  પેજ કમિટીની વાતો આખા ગુજરાતમાં થઇ પરંતુ હવે આખા દેશમાં થાય છે. ઘણા રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો હવે ગુજરાત આવીને પેજ કમિટીના પાઠ ભણવા લાગ્યા છે અને આપણી પણ જવાબદારી છે કે પાઠ બરાબર ભણાવવા અને આપણે પણ એકડો બરાબર ઘૂંટી લેવો જોઈએ. પેજ કમિટી કોઈ તાકાત નથી આ એક સિસ્ટમ છે, તાકાત તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જ છે.

કાર્યકર્તાનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે તે ભારતીય જનતા પાર્ટીની મૂડી છે. મને દેશમાં સૌથી વધારે લીડથી વિજય મળ્યો છે, પરંતુ તેનું કારણ માત્ર અને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનતા પ્રત્યેની ભાવના અને લાગણી છે. આપણી બીજી મુડી કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે સંપર્ક કર્યો છે પ્રજાની ગેરસમજ અને મુશ્કેલીઓ કાર્યકર્તા દૂર કરી છે અને જો કોઈ ભૂલ થઈ હોય તો ઉમેદવાર વતી ઉમેદવારોને ખબર પણ ન હોય તે રીતે મતદાર પાસે માફી પણ માગી લે છે

મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા અને ઉમેદવારોને મત આપવા માટે પ્રેરે અને સમજાવે અને વ્યવસ્થા કરે આ માત્ર સંગઠનથી જ થઈ શકે છે અને કાર્યકર્તાઓની મહેનતનું આ કારણ છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, ફોટો કેવો છે એના આધારે મતદાન નથી થતું મતદાન તમે કામ કેવું કર્યું છે એના આધારે થાય છે. મે મહેનત કરી જ નથી મહેનત કાર્યકર્તાઓએ કરી છે, મે માત્ર સિસ્ટમ આપી છે અને કાર્યકર્તાઓએ તેનું અનુકરણ કર્યું છે અને એના કારણે આ પરિણામ આજે જોવા મળી રહ્યું છે. 231 માંથી 205 તાલુકા પંચાયત, 31 માંથી 31 જીલ્લા પંચાયત, જેમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ સિંગલ ડીજીટમાં રહ્યું છે, 6 માંથી 6 મહાનગરપાલિકા પણ આપણે જીત્યા છીએ, 81 માંથી 75 નગરપાલિકામાં ભાજપા એ ભગવો લહેરાવ્યો છે.

આ બધી જીત માંથી સી.આર.પાટીલ નો એક પણ મત નથી સી.આર.પાટીલની કોઈ મહેનત નથી, મારું કોઈ યોગદાન નથી આ માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  પ્રત્યેની લાગણી અને વિશ્વાસ અને કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે અને તેનો જશ કાર્યકર્તાઓને જ મળવો જોઈએ. પેજ કમિટીનો કાર્યકર્તા એક મતદાતા છે અને તેને કાર્યકર્તામાં રૂપાંતર કરી અને એક જવાબદારી આપણે આપી છે અને તે ચોક્કસ નિભાવે પણ છે.તેઓએ ઉમેર્યું હતુ કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ પેજ કમિટીની તાકાત કેટલી છે તેનું જ્ઞાન ધારાસભ્યોને પણ થયું છે.

ધારાસભ્યો અને સંસદ સભ્યો પોતાના મત વિસ્તારોમાં સંગઠનના કામકાજ અર્થે જાય ત્યારે સંગઠનના હોદેદારોએ ગ્રુપમાં જાણ કરવી જેથી મત વિસ્તારોમાં નેતાઓ આવતા જ નથી તેવું ફરિયાદો દૂર થાય. કાર્યકરોએ કોંગ્રેસને હરાવવા કરતા તેની ડિપોઝીટ ડુલ થાય તેવી મહેનત કરવાની છે. હવે આખા દેશના ઘણા રાજયોમાં મંત્રી અને ધારાસભ્યો હવે ગુજરાતમાં પેજ કમીટીના પાઠ ભણવા આવી રહ્યા છે. તેઓએ નેતાઓને ટકોર કરી હતીકે હું સક્ષમ છું એટલે મને ટિકિટ મળવી જોઈએ તેવો આગ્રહ રાખવો જોઈએ નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.