Abtak Media Google News
  • કોઇપણ રાજકીય પાર્ટી દિશાહિન બને ત્યારે કાર્યકરો નિરાશ થઇ જાય છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ

ભાજપમાં હાલ ચાલતા ભરતી મેળાથી પક્ષના પાયાના કાર્યકરો નારાજ હોવાની વાતો વહેતી થઇ છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યુ છે કે નવા કાર્યકરો ભાજપમાં દુધમાં સાકર ભળે તેમ ભળી જશે.

દેશ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. વિદેશના નેતાઓમાં પણ ભારત દેશ પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ છે અને આજે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. દેશની જનતાને પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે દ્રઢ વિશ્ર્વાસ છે ત્યારે આવા વિકાસલક્ષી કાર્યોથી વિવિધ રાજકીય પક્ષોના અને સામાજીક આગેવાનો મોદીના નેતૃત્વમા ભારતના સાથે ગુજરાતના વિકાસમા સહભાગીદારી થવા ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના બનાસકાંઠા ઘાનેરાના પુર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ, ડિસા વિધાનસભાના પુર્વ અપક્ષ ઉમેદવાર લેબજીભાઇ ઠાકોર, ધાનેરા ખરીદ વેચાણસંઘના ચેરમેન હરદાસભાઇ પટેલ સહિત મોટી સંખ્યામા તેમના સમર્થકો તેમજ ફિલ્મ જગતના કલાકારોમાં હકાભાઇ ગઢવી, ગુજરાતી ગીતના લેખક દેવપગલી, ગુજરાતના જાણિતા કલાકાર વિશાલભાઇ હાપોર, ભુવાજી સનીભાઇ, જીતેન્દ્રભાઇ શર્મા, સચિનભાઇ પંડયા, અનિલભાઇ પી.શર્મા (જ્યોતિષ) તેમજ માજી સૈનિકઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સંર્વાગી વિકાસની વ્યાખ્યા કેવી હોય તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના જનતાના હિતમા બને અને છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેનો પ્રયત્ન પણ મોદીએ કર્યો છે. દરેક સેક્ટરના લોકો માટે સરકારે યોજના જાહેર કરી છે અને તેનો લાભ મળે તેનો પ્રયત્ન કર્યો છે. આજે દેશમા રોડથી લઇ ટ્રેન અને એરપોર્ટની પણ ઉત્તમ સુવિધા મળી રહી છે. દેશના લોકોનું આરોગ્ય સારૂં રહે તે માટે આયુષ્યમાન યોજના જાહેર કરી તે ઉપરાંત દેશમા નવી 22 એઇમ્સ હોસ્પિટલ પણ બનાવી જેમા ગુજરાતમા રાજકોટમા એક એઇમ્સ બની રહી છે.

વડાપ્રધાને રાજકારણ કરવાને બદલે રોજ એક વિકાસના કાર્યોનો ઇતિહાસ બનાવે છે. આજે વંદે ભારત ટ્રેનનો લાભ મળે છે ટ્રેનમા પહેલા દુ:ખદ પ્રવાસનો અનુભવ થતો હવે ટ્રેનમા મુસાફરીનો સુખદ અનુભવ જનતાને થાય છે. કોંગ્રેસના સમયમા જ્ઞાતિઓના ભાગલા પડતા હતા તેના બદલે હવે સેકટર પ્રમાણે તેમને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જેમા મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, શિક્ષિતો, ગરીબો માટે કામ કર્યુ છે.

પાટીલે વધુમા જણાવ્યું કે, કોઇ પાર્ટીમા નેતૃત્વ દિશાહિન થઇ જાય ત્યારે તેમ લાગે કે નિર્ણયો ખોટા થઇ રહ્યા છે ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ નિરાશ થઇ જાય છે, કાર્યકર્તાઓ લોકો માટે સેવાકીય કાર્યકરી શકતા નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા ભાજપની વિચારઘારા સાથે જોડાઇ જનતાના સેવાકીય કામ કરવા રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમા જોડાઇ રહ્યા છે. જ્યારે આપણા દેશનો કોઇ નાગરીક વિદેશમા કોઇ મુશીબતમા પડે ત્યારે તેને સલામત ભારત લાવવામા સફળ કામ કર્યુ છે. સૌ સાથે મળી લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો પર જીતની હેટ્રીક સાથે દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું અને નવા કાર્યકર્તાઓ દૂધમા સાકર ભળે તેમ ભળી જશે. તેવો વિશ્ર્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.