Abtak Media Google News

એડવોકેટ જોશીએ આર.ટી.આઈ. તળે રેલવે સંબંધીત 10 પેચીદા મુદાઓની માહિતી માંગી: તંત્રની ઉંઘ  હરામ થવાની સંભાવના: ચકચાર

 

 

અબતક,ગીજુભાઈ વિકમા

વિસાવદર

 

વિસાવદર થી તાલાલા વચ્ચેની બ્રોડગેજ લાઇન પડતી મુકવાની અને વિસાવદર તરફથી જૂનાગઢ જતી ટ્રેનોને જૂનાગઢ શહેરની બારોબાર  રોકી ત્યાં સબ સ્ટેશન ઉભી કરવાની છાનેખુણે પેરવી કરાઇ રહી છે ત્યારે વિસાવદરના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી  નયનભાઇ જોષીએ રેલ્વે વિભાગ પાસે 10 પેચીદા મુદ્દાઓની ’રાઇટ  ટુ ઇન્ફોર્મેશન એકટ-2005’ તળે સવિસ્તાર માહિતી માંગી આવનાર સમયમાં કાનૂની જંગ ખેલવાની તૈયારી આરંભી દીધી છે.જેથી રેલ્વે તંત્રની ઉંઘ હરામ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધારાશાસ્ત્રી જોષીએ આરટીઆઇ  તળે  સવિસ્તાર મૂદાઓની   માહિતી માંગી છે. તેમાં રેલ્વે વિભાગ દ્વારા વિસાવદર – વેરાવળ વચ્ચેની મીટરગેજ ટ્રેન કયારે શરૂ કરવામાં આવી..? વિસાવદર-વેરાવળ વચ્ચેની મીટરગેજ ટ્રેન ચાલુ થઇ ત્યારે રેલ રસ્તામાં સમાવેશ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની હદમાં સિંહો-વન્યપ્રાણીઓની સંખ્યા કેટલી હતી..?હાલ કેટલી છે..?વિસાવદર-વેરાવળ વચ્ચેની મીટરગેજ ટ્રેન સૌપ્રથમ વખત ચાલુ કરાયેલ ત્યારે ક્યાં ક્યાં વિભાગોની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ..? તેના મંજૂરીના હુકમની નકલો તથા આ ટ્રેન ચાલુ કરવા ક્યાં ક્યાં વિભાગોની સંમતિ લેવામાં આવેલ આવી તમામ સંમતિઓના પેપર્સની નકલો.વન-વન્યપ્રાણી-અભ્યારણ્ય ધરાવતા જંગલખાતાની હદમાંથી નવી ટ્રેન ચાલુ કરવા તથા રેલવેની લાઈન પસાર કરવા બાબતે ક્યાં ક્યાં વિભાગોની કઇ કઇ બાબતોની અને શું શું સંમતિ મેળવવાની રહે છે..?

વિસાવદર-વેરાવળ વચ્ચેના મીટરગેજ ટ્રેન વ્યવહારને કારણે પ્રારંભિકકાળથી અત્યાર સુધીમાં  કેટલા સિંહો-વન્યપ્રાણીઓના મૃત્યુ થયેલ છે..? આ સંદર્ભે કુલ કેટલી ફરિયાદો દાખલ થયેલી..?  કેટલા કેસોમાં કોણે ફરિયાદ દાખલ કરી તથા તેનો કઈ કોર્ટે શુ શુ ચુકાદા  આપ્યા..? વિસાવદરથી પસાર થતી તમામ મીટરગેજ ટ્રેનો હાલ સ્પેશિયલ કેટેગરીની ટ્રેનો સ્વરૂપે ચાલું કરાઇ છે.જે પહેલાની જેમ જ રેગ્યુલર લોકલ મીટરગેજ ટ્રેનોનાં સ્વરૂપે કયારે રૂપાંતરિત કરાશે..? વિસાવદર તરફથી જૂનાગઢ  જતી ટ્રેનોનું હાલ જૂનાગઢ ખાતેનુ જે સ્થળે સ્ટેશન છે ત્યાંથી બીજે સ્થળે સ્ટેશન ઉભુ કરવાની રેલ્વે કોઇ કાર્યવાહી કરી રહેલ છે..? જેનાં કારણો સહિત સબંધિત પ્રકરણના સાધનિક કાગળોની નકલો સહિતની માહિતી.

એકંદરે વિસાવદર થઇને દોડતી તમામ મીટરગેજ ટ્રેનો જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાકીય સુવિધા છે,પરંતુ પ્રજાને રેલ્વે વિભાગ હજુ યે ઉપેક્ષા-અન્યાય કરી રહ્યાનો સતત સંદેહ થઇ રહ્યો છે.દરમિયાન ધારાશાસ્ત્રી નયનભાઇ જોષીએ આરટીઆઇ તળે માહિતી માંગી કાનૂની લડતના નિર્દેશ આપી દેતા સમગ્ર સોરઠ-ગીર સોમનાથ-અમરેલી જિલ્લામાં ભારે ચકચાર વ્યાપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.