Abtak Media Google News

સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ સામે કડક કાર્યવાહી હાથ ધરતા પુરવઠા અધિકારી પૂજા બાવડા

રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની રાવ મળતા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો છે. આ દુકાનમાંથી ઘઉં અને ચોખાનો 4500 કિલો જેટલો જથ્થો ઓછો મળતા તેનો પરવાનો 90 દિવસ માટે રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટના મવડી મેઇન રોડ ઉપર નવલનગર-4માં આવેલ વ્યાજબી ભાવના પરવાનેદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી દ્વારા પોતાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબર મોકલવામાં આવતો હોવાની કલેકટર તંત્રને બાતમી મળી હતી. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક પરસાણીયા અને ઝાલાએ દુકાન ઉપર દરોડો પડયો હતો.

આ દૂકાનમાં તપાસ દરમિયાન ઓનલાઇન સ્ટોક પત્રક અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો જથ્થો 3331 કિલો, ચોખાનો જથ્થો 1150 કિલો અને ખાંડનો જથ્થો 478 કિલો ઓછો જોવા મળ્યો હતો. આમ અંદાજે કુલ 45 હજાર જેટલી કિંમતનો જથ્થો દુકાનદારે બારોબાર વેચી માર્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે તપાસણી દરમિયાન પરવાનેદારે ભાવ તથા સ્ટોકનું બોર્ડ, એનએફએસએ બોર્ડ તેમજ અન્ન આયોગ ગાંધીનગરને ફરિયાદ કરવાનું બોર્ડ લગાવ્યું ન હતું.

પરવાનેદારે ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી હોવાનું ધ્યાને આવતા તેનો પરવાનો 90 દિવસ માટે રદ કરવામાં આવ્યો છે. આમ જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ સામે દાખલરૂપ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.