Abtak Media Google News

મોદીની ભગવા બ્રિગેડ દેશમાં ધમાલ મચાવવા સજ્જ

રામકૃષ્ણ મિશનનો વારસો સંભાળવાની સાથે મોદી સરકારનો મજબૂત હાથ બની જશે

સ્વામી ક્રિપાકરનંદ ધાર્મિક જ્ઞાન મેળવવા સાથે નોલેજ-ટેકનોલોજીમાં પણ સમૃદ્ધ: અમેરિકાથી હૃદય રોગોનું તબીબી જ્ઞાન મેળવ્યું તેમજ એઈમ્સ ખાતે એમડી બન્યા

પશ્ર્ચિમ બંગાળ સંસ્કૃતિને લઈ ખુબ સમૃધ્ધ છે. રામકૃષ્ણ મિશને પશ્ર્ચિમ બંગાળમાં સંસ્કૃતિનો વારસો સાચવવા માટે અનેક પ્રયત્ન કર્યા છે. બંગાળની પ્રજા પણ સંસ્કૃતિના વારસાને લઈ ગંભીર છે. રવિન્દ્રનાથ ટાગોર સહિતના સાહિત્યકારો પણ પશ્ર્ચિમ બંગાળે આપ્યા છે. આવા જ પશ્ર્ચિમ બંગાળમાંથી ભારતને વધુ એક રત્ન મળશે. મોદીની ભગવા બ્રિગેડના વધુ એક ધાર્મિક આગેવાન સામેલ થાય તેવી શકયતા છે. રામકૃષ્ણ મઢના સ્વામી ક્રિપાકરનંદને પશ્ર્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીના પદના ઉમેદવાર બનાવવા માટે ભાજપ પ્રયત્નશીલ રહ્યું છે.

પશ્ર્ચિમ બંગાળમાં દશકાઓથી ડાબેરીઓનું શાસન હતું. ડાબેરીઓની વિચારધારાનો અસ્ત થયા બાદ પશ્ર્ચિમ બંગાળમાં મમતાની શાસન આવ્યું. દરમિયાન પશ્ર્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘુસણખોરોનો પ્રશ્ર્ન પણ બહુ ગાજ્યો હતો. પશ્ર્ચિમ બંગાળ અને બહાર દીદી તરીકે ઉપનામ ધરાવતા મમતા બેનર્જીની જીદથી લગભગ તમામ લોકો વાકેફ છે. ભારતીય જનતા પક્ષે પશ્ર્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા તડામાર તૈયારી કરી છે. પશ્ર્ચિમ બંગાળમાંં સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેને લઈને પણ પગલા લેવાઈ રહ્યાં છે.

યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર વહીવટમાં અત્યાર સુધીની ટોચની રાજ્ય સરકાર સાબીત થઈ છે. યોગી હોય તો પણ રાજકીય વહીવટ સરળતાથી કરી શકે તેવું યોગી આદિત્યનાથે સાબીત કરી દીધું છે. આવી જ રીતે બંગાળના મઢના સ્વામી ક્રિપાકરનંદ માટે પણ પશ્ર્ચિમ બંગાળમાં ગાદીનો તખ્તો તૈયાર થઈ ચૂકયો છે. સ્વામી ક્રિપાકરનંદ અત્યાર સુધી રામકૃષ્ણ મિશનનો વારસો સંભાળતા આવ્યા છે. તેઓ યોગી આદિત્યનાથની જેમ સત્તાની કમાન સંભાળે તેવી શકયતાઓ નિષ્ણાંતો દ્વારા સેવાઈ રહી છે.

સ્વામી ક્રિપાકરનંદ ધાર્મિક જ્ઞાન મેળવવાની સાથે સાથ નોલેજ અને ટેકનોલોજીમાં પણ અવ્વલ રહ્યાં છે. તેમણે તબીબી શાસ્ત્રનો અભ્યાસ અમેરિકાથી કર્યો છે. તેઓ હૃદયરોગના નિષ્ણાંત છે. આ ઉપરાંત તેમણે એઈમ્સ ખાતેથી એમડીની ડિગ્રી પણ મેળવી હોવાનું જાણકારોનું કહેવું છે. સ્વામી ક્રિપાકરનંદ રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ કલાસીકલ સીંગર પણ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્વામી ક્રિપાકરનંદે એનઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ દિલ્હીની એઈમ્સ ખાતેથી એમડી થયા હતા. અમેરિકા ખાતેથી તબીબી રોગોનું જ્ઞાન મેળવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં અભ્યાસ દરમિયાન તેઓએ એકાએક ગુમ થયાહતા ત્યારબાદ બેલુરમઢ ખાતે તેઓ સ્વામી ક્રિપાકરનંદના ‚પમાં સામે આવ્યા હતા. યોગી બન્યા બાદ તેઓ સમાજ સેવામાં લીન થયા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા સ્વામી ક્રિપાકરનંદને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવવામાં આવે તેવી વકી સેવાઈ રહી છે. જો આ વાત હકીકતમાં પરિણમશે તો દેશમાં ઉત્તરપ્રદેશ બાદ વધુ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે યોગી-સ્વામી પદભાર સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.