Abtak Media Google News

૨૦૧૫ની સરખામણીએ આ વખતે ભાજપ તરફી વાતાવરણ ખૂબ જ સારૂ હોય કમળના પ્રતીક પર  ચૂંટણી લડી ‘નેતા’ બનવા  દાવેદારોની લાઈનો

પેજ સમિતિ હુકમનો એક્કો સાબિત થશે: કોંગ્રેસને આ વખતે સિંગલ ડિજિટ પૂરતી સીમિત રાખવાની ભાજપની જબરી વ્યૂહરચના

રાજકોટ મહાનગરપાલિકાની નવમી સામાન્ય ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. ચૂંટણી જંગ માટે લડવૈયાઓ નક્કી કરવા માટે ભાજપ દ્વારા ગત સોમવારે સેન્સ પણ લેવાય ચૂકી છે. ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપ તરફી વાતાવરણ ખુબ જ સારૂ અને એક તરફી છે. આવામાં કમળના પ્રતીક પરથી ચૂંટણી લડી નેતા બનવા દાવેદારોની રીતસર લાઇનો લાગી છે.”અબતક” દ્વારા વોર્ડ વાઈઝ સંભવિતો કે જેના નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાઈ તેવી પ્રબળ સંભાવના રહેલી છે .તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી નામો અત્રે રજુ કરવામાં આવ્યા છે.આ સંભવીતો આવતીકાલે ભાજપના ઉમેદવાર બની ચૂંટણીજંગમાં ઉતરશે અને ૨૩મી ફેબ્રુઆરીથી નગરસેવક બની જનતાની સેવામાં લાગી જાય તેવું હાલ દેખાય રહ્યું છે.

Advertisement

Symbol

રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ઉમેદવાર ફાઈનલ કરવા આગામી મંગળવારે સવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે પ્રક્રિયા દરમિયાન ૧૮ વોર્ડ માટે નિરીક્ષકો સમક્ષ ૭૦૦ જેટલા કાર્યકરોએ ભાજપના પ્રતીક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.દરમિયાન આગામી સોમવારે પ્રદેશ નિરીક્ષકો અને શહેર ભાજપ સંકલન સમિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે જેમાં વોર્ડ વાઈઝ ચાર-ચાર નામોની ચાર પેનલ બનવવામાં આવશે અને મંગળવારે આ પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.ત્યારબાદ ગુરૂવારે અને શુક્રવારે અલગ અલગ બે તબક્કામાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવું હાલ દેખાય રહ્યું છે.શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં જે સંભવિતના નામની પેનલ બને તેવી સંભાવના જણાઈ રહી છે તે તમામ નામો “અબતક” દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

ભાજપ આ વખતે વધુ ગંભીરતાથી કોર્પોરેશનની ચૂંટણી જંગમાં  ઝંપલાવે તે ફાઈનલ છે. કારણ કે ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકોની પાતળી બહુમતી મળી હતી. ૧૮ પૈકી ૧૭ વોર્ડની મતગણતરી પૂર્ણ થઇ ત્યારે ભાજપ અને કોંગ્રેસ લગોલગ ચાલી રહ્યા હતા. જો વોર્ડ નં.૬ની ચારેય બેઠકો પર કમળ ન ખીલ્યું  હોત તો ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવેત. આ વખતે આવું ન થાય તે માટે છેલ્લા છ માસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશ અનુસાર બનાવવામાં આવેલી સમિતિ હુકમનો એક્કો સાબિત થશે.કોંગ્રેસને આ વખતે સિંગલ ડિજિટમાં રાખવાની વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવી છે. રોટેશન જાહેર થતાની સાથે જ ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેશે.આજે જે સંભવિતો છે તે આવતીકાલે ભાજપના ઉમેદવારો હશે અને ૨૩મી ફેબ્રુઆરીએ નગરસેવક બને તેવા સંજોગો હાલ વર્તાય રહ્યા છે.

અનામતની આંટીઘૂંટી: અમુકની ટિકિટ કપાશે, અનેકે વોર્ડ બદલવા પડશે

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં  ચાર નવા ગામો ભળ્યા છે  છતાં એક પણ વોર્ડ કે બેઠક ન વધતા આ ચાર ગામોના રાજકીય માંધાતાઓને સાચવવા રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર તો છે. તો બીજી તરફ અનામતની આંટીઘૂટીના કારણે કેટલાક કદાવર નેતાઓની ટિકિટ પર જોખમ ઉભુ થયું છે.તો અમુકે વોર્ડ બદલવા પડે તેવી સ્થિતિ સર્જાય છે વોર્ડ નંબર ૧ના પૂર્વ કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષભાઇ વાગડીયાએ અનામત ફરતા આ વખતે ચૂંટણી લડવાનું જ માંડી વાળ્યું છે.તો વોર્ડ નંબર ૭ માં પણ મહિલા ઓબીસી અનામત આવતા શાસક પક્ષના પૂર્વ દંડક અજયભાઈ પરમાર ટીકીટ કપાઇ શકે તેમ છે. વોર્ડ નંબર ૮માં નીતિનભાઈ ભારદ્વાજના સાથી એવા રાજુભાઈ અઘેરાએ પણ અનામતના પાપે  વધુ એકવાર વોર્ડ બદલાવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેવો વોર્ડ નંબર ૧૧ માંથી દાવેદારી નોંધાવી છે. જોકે વોર્ડ નંબર ૫ માં પણ તેઓનું નામ ચર્ચામાં છે.વોર્ડ નંબર ૫ માં છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા અનિલ  રાઠોડની ટિકિટ સામે પણ જોખમ ઉભુ થયું છે.તેઓએ જ્યાંથી જીતની હેટ્રીક ફટકારી હતી તે વોર્ડ નંબર ૫ માં પુરુષોની એક બેઠક અનામતમાં જતા હવે તેઓએ વોર્ડ નંબર ૬ માંથી દાવેદારી નોંધાવી છે. જો તેઓને પક્ષ વોર્ડ નંબર છ માંથી ટિકિટ આપે તો શાસક પક્ષના પૂર્વ નેતા દલસુખભાઈ જાણીને કાપવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયાના  બંને હાથમાં લાડવા છે તેઓ વોર્ડ નંબર ૪ અને વોર્ડ નંબર ૫ બંનેમાં ટિકિટ માટેના હકદાર બન્યા છે. તેઓએ ટિકિટની પણ માંગણી કરી છે.

Screenshot 1 38

વોર્ડ નંબર ૯માં પુરુષોની બે પૈકી એક બેઠક ઓબીસી અનામત જાહેર થતાં પુષ્કરભાઈ પટેલ પણ વોર્ડ બદલાવાની ઈચ્છા વ્યક્ત કરતા વોર્ડ નંબર ૮માંથી પોતાની દાવેદારી નોંધારી છે.વોર્ડ નંબર ૧૭માં ગત વખતે ભાજપના એકમાત્ર ઉમેદવાર અનિતાબેન ગૌસ્વામી વિજેતા બન્યા હતા.

Screenshot 2 23

આ વખતે આ વોર્ડમાં ઓબીસી અનામત પુરુષ જાહેર થવા પામી છે.જેથી અનિતાબેન ની ટિકિટ પર પણ જોખમ ઉભુ થયું છે જોકે ભાજપના સૂત્ર ના જણાવ્યા અનુસાર અનિતાબેન ગોસ્વામીનું પક્ષ ફરી રીપીટ કરે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે અનામતની આંટીઘૂંટી ના કારણે કેટલાંક માંધાતાઓ ની ટિકિટ કપાવાનું ભય રહેલો છે તો કેટલાકે વોર્ડ બદલી નવેસરથી નેતા તરીકે પ્રસ્થાપિત થવું પડશે. અમુક કાર્યકરો ચૂંટણી લડવા માટે તમામ લાયકાત ધરાવતા હોવા છતાં અનામતની આંટીઘૂંટીમાં અને જ્ઞાતિ-જાતિના સમિકરણોમાં બંધબેસતા ન હોવાના કારણે તેઓને ટિકિટ થી વંચિત  રહેવું પડે છે.

બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ ઘટશે: માત્ર ચાર ટિકિટ મળે તેવી સંભાવના

કશ્યપભાઈ શુક્લ,જયમિનભાઈ ઠાકર અને રૂપાબેન શીલુને રિપિટ કરાય તેવા ઉજળા સંજોગો

3 7

રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપે ઉમેદવાર ફાઇનલ કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે.આગામી મંગળવારે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ સામે મંજૂરીની મોહર પણ લાગી જશે. મહાપાલિકામાં આ વખતે ભાજપમાં બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ ઘટે તેવું લાગી રહ્યું છે.પક્ષ બ્રહ્મ સમાજથી નારાજ હોય તેવું પરિબળ કામ નથી કરતું પરંતુ અનામતમાં થયેલા ફેરફારોના કારણે બ્રાહ્મણોની ટીકીટ કપાય તેવું હાલ વર્તાય રહ્યું છે ૨૦૧૫માં યોજાયેલી પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે શહેરના ૧૮ વોર્ડ પૈકી સાત વોર્ડમાં બ્રાહ્મણ સમાજના ઉમેદવારને ટિકીટ આપી હતી. જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુક્લ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,જયમીન ઠાકર, બીનાબેન આચાર્ય અને રૂપાબેન શીલુના વિજેતા બન્યા હતા.જ્યારે લીનાબેન રાવલે પરાજયનો સામનો કરવો પડયો હતો.બ્રહ્મસમાજે  સતત પાંચ વર્ષ સુધી મેયરપદ ભોગવ્યું હતું.આ વખતે બ્રહ્મ સમાજને માત્ર ચાર ટિકીટ મળે તેવી સંભાવના જણાય રહી છે.જેમાં કશ્યપભાઈ શુક્લ,જયમીનભાઈ ઠાકર અને રૂપાબેન શીલુને રિપીટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. નીતિનભાઈ ભારદ્વાજ અને ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીનાબેન આચાર્યએ વોર્ડ નંબર ૧૦ માંથી ચોક્કસ દાવેદારી નોંધાવી છે. પરંતુ દાવેદારી નોંધાવ્યાના કલાકોમાં જ તેઓની નિમણૂક પ્રદેશ ભાજપ મંત્રી તરીકે કરવામાં આવતા હવે તેમને ટિકિટ આપવામાં આવશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થયા છે. ટૂંકમાં એક વાત સ્પષ્ટ છે કે આ વખતે કોર્પોરેશનમાં અને ખાસ કરીને ભાજપમાં બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ ઘટશે. ગત ટર્મમાં ભાજપે  સાત ટિકિટ બ્રહ્મ સમાજને આપી હતી.જેમાં આ વખતે પચાસ ટકાનો કાપ આવે તેવું લાગી રહ્યું છે.

એક જ અટકથી કંટાળ્યા હવે નવાને તક આપો: વોર્ડ નં.૧૦ના કાર્યકરોની ઈચ્છા

વોર્ડ નં.૧૦માં ભાજપ છેલ્લા ઘણા સમયથી ભોરણીયા પરિવારના વ્યક્તિને ટિકિટ આપે છે હવે સ્થાનિક કાર્યકરો આ અટકથી કંટાળી ગયા હોય તેવુ લાગી રહ્યું છે.

Screenshot 3 12

કડવા પટેલ સમાજના અન્ય ઉમેદવારને ટિકીટ આપવાની માગણી પ્રબળ બની રહી છે.છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ વોર્ડ નં.૧૦ માં ભોરણીયા પરિવારના સભ્યોને જ ટિકિટ આપી રહ્યું છે.જેમાં અમિતભાઈના અવસાન બાદ તેમના પિતા છગનભાઈ ભોરણીયાને ટિકિટ આપવામાં આવી હતી અને ગત ટર્મમાં અશ્વિનભાઈ ભોરણીયાને ટિકિટ અપાઈ હતી જો કે આ અટકના કોર્પોરેટર અને  તેમનક કામ સામે કાર્યકરો કે વોર્ડવાસીઓને કોઈ જ અસંતોષ નથી પરંતુ એક જ અટક તરફ પક્ષ જે પ્રેમ દર્શાવી રહ્યો છે તેની સામે થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.આ વખતે પણ વોર્ડ નંબર ૧૦માંથી અશ્વિનભાઈ ભોરણીયાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.વોર્ડના અમુક કાર્યકર્તાઓએ પક્ષના મોટા માથાઓ સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે હવે અમારા વોર્ડમાંથી કડવા પટેલ સમાજને ભલે સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ આપો પરંતુ ભોરણીયા અટકના બદલે અન્ય આટક ધારી ઉમેદવારને મેદાનમાં ઉતારો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.