Abtak Media Google News

૧૪ એપ્રિલ બાદ ભારતીય અર્થતંત્રને કમરતોડ ફટકો લાગે તે પહેલા લોકડાઉન દરમિયાન બજારો ધીમી ગતિએ ધમધમે તે જરૂરી

કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન અમલમાં છે. અલબત ૨૧ દિવસના લોકડાઉન એટલે કે, ૧૪ એપ્રીલ બાદ અર્થતંત્રને કમરતોડ ફટકો ન લાગે તે માટે અત્યારથી જ લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ આપવામાં આવે તે બાબત આવશ્યક છે. વર્તમાન સમયે સરકાર આ વાત સમજી ચૂકી છે અને બજારને શ્ર્વાસ લેતુ રાખવા કેટલીક જીવન જરૂરી વસ્તુઓની હેરાફેરીને મંજૂરી પણ આપી છે.

કોરોના વાયરસના કારણે વિશ્ર્વમાં લાખો લોકોની રોજગારી છીનવાઈ જશે. ભારતમાં પણ અનેક લોકો બેકાર બને તેવી વકી છે. લોકડાઉનની મજબૂરી વચ્ચે બજારમાં તરલતા જળવાઈ રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા થાય છે. લોન સ્વરૂપે અથવા તો બોન્ડની ખરીદી કરીને યેનકેન પ્રકારે બજારમાં નાણાનો ફલો જાળવવામાં આવી રહ્યો છે. જીડીપીને આગળ ધપાવવા માટે બુસ્ટર ડોઝ અપાય છે. તાજેતરમાં મળેલા આકડા મુજબ ડ્યુરેબલ અને સેમી ડ્યુરેબલ માલ-સામાનની માંગને ફટકો પડ્યો છે.

વર્તમાન સમયે ફૂડ એન્ડ બેવરેજીસ સેકટર પણ લોકડાઉનના કારણે મંદ પડી ગયું છે. અલબત લોકડાઉન દરમિયાન ધીમી ઝડપે પણ વિકાસ સાધતા સેકટર પૈકીનું ફૂડ એન્ડ બેવરેજીસનું સેકટર છે. અલબત બીજી તરફ ફૂટવેર, ફર્નીસીંગ, વાહનોના ખરીદ-વેંચાણમાં પણ લોકોની ખરીદ શક્તિ ઘટી જશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. માંગ અને જથ્થા વચ્ચે સંતુલન નહીં જળવાય તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે ધ્યાનમાં રાખીને દેશમાં કેટલીક વસ્તુઓની હેરફેર માટેની મંજૂરી સરકાર દ્વારા અપાઈ ચૂકી છે. બજેટ સમયે સરકારે માંડેલો હિસાબ કોરોના કારણે ડામાડોળ થઈ ચૂકયો છે. યોજનાઓને અનુસંગીક કામ થતું નથી. દેશનું અર્થતંત્ર મંદ પડ્યું છે. આવા સંજોગોમાં આર્થિક વ્યવહારો જળવાઈ રહે તે માટે કેટલાક સુચકો બેંકોને કરવામાં આવ્યા છે. બેન્કિંગ સેકટર ધમધમતુ રહે તે આવશ્યક છે. કોરોના વાયરસના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કોરોના વાયરસના કારણે આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને ૨૪૦ બીલીયન ડોલર જેટલુ તોતીંગ નુકશાન થશે તેવો અંદાજ અર્થતંત્રના નિષ્ણાંતોએ વ્યકત કર્યો છે. અલબત સરકાર કોરોના કારણે થનારા નુકશાનને જેમ બને તેમ ઓછુ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારે ફિશ્કલ ડિફીસીટ મુદ્દે લીધેલા પગલા વર્તમાન સમયે વધુ અસરકારક ન હોય તેવો ઘાટ ઘડાયો છે. આયાત-નિકાસ સદંતર બંધ છે. આવા સંજોગોમાં મેન્યુફેકચરીંગ સેકટરને પણ નકારાત્મક અસર પહોંચી છે. લોકડાઉનના થોડા સમય માટે ઓઈલ મીલ સહિતના કેટલાક ઉત્પાદન સેકટરને ચાલુ રાખવામાં આવ્યા ન હતા. પરંતુ હવે ધીમે ધીમે ઉત્પાદનને લગતા એકમો શરૂ થઈ રહ્યાં છે. તેની સાથે બજારમાં માલ ઠાલવવા માટે પણ ભારે વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. એકંદરે કોરોનાના કારણે ભારતીય અર્થતંત્રને થનાર નુકશાન ઘટાડવા સરકાર ઉંધામાથે થઈ હોવાનું ફલીત થાય છે.

લાઇટ ઓફ…મીણબત્તી ઓન…કોરોનાને મ્હાત…

Candle

કોરોનાને મહાત આપવા માટે વડાપ્રધાન મોદીએ તમસો મા જ્યોર્તિગમયનું સુત્ર આપ્યું છે. વડાપ્રધાન મોદીએ આગામી રવિવારે લાઈટ બંધ કરી ઘરના દરવાજે અથવા બાલકનીમાં મીણબતી કે દીવો પ્રગટાવી પ્રકાશની શક્તિથી કોરોનાને ભગાડવાનું આહવાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે ૧૧ મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, ૫ એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસો મા જ્યોર્તિગમય.

આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા બેસીને મા ભારતીનું સ્મરણ કરો. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે. પીએમ મોદીએ આ મેસેજ દ્વારા છેલ્લા ૧૨ દિવસથી ઘરમાં રહેલા લોકોને મોટિવેટ અને તેમને કોરોના સામેની આગળની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું. હજુ અમુક દિવસો પસાર કરવાના છે. આપણે આપણા

ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. ૧૩૦ કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.

મોદી આ મહામારીના જોખમ વચ્ચે ૨ વખત રાષ્ટ્રના નામે સંબોધન આપી ચુક્યા છે. પહેલી વખતે તેમણે ૨૨ માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવા અને કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાની વાત કહી હતી. ત્યારબાદ ૨૪ માર્ચના બીજા સંબોધનમાં ૨૧ દિવસ માટે લોકડાઉનની વાત કહી હતી. આ લોકડાઉન ૧૪ એપ્રિલે ખતમ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.