Abtak Media Google News

દર વર્ષ કરતા આ વર્ષે સ્ટોલ-પ્લોટના ફોર્મ ઉપડવામાં ધીમો પ્રતિસાદ : 355 પ્લોટ સામે આજે બપોર સુધીમાં અંદાજે 360 જેટલા ફોર્મ ઉપડ્યા, ફોર્મ ઉપાડવાના હવે છેલ્લા 2 દિવસ બાકી

રંગીલા રાજકોટનો લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતો છે. હાલ આ મેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં સિક્યુરિટી, સ્ટેજ અને જાહેરાતના ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. આ સહિત અન્ય કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

રાજકોટના રેસકોર્ષમાં 5થી 9 સપ્ટેમ્બર સુધી રસરંગ મેળો યોજાનાર છે. જેની તૈયારીઓનો ધમધમાટ હાલ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સિટી -1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ઉપડવામાં ઉત્સાહ દેખાઈ રહ્યો નથી. 355 જેટલા સ્ટોલ- પ્લોટ માટે આજે બપોર સુધીમાં અંદાજે 360 જેટલા ફોર્મ ઉપડ્યા છે.

તા.3ના રોજ 27 ફોર્મ, તા.4ના રોજ 55 ફોર્મ, તા.5ના રોજ 27 ફોર્મ, તા.6ના રોજ 36 ફોર્મ, તા.7ના રોજ 56 ફોર્મ, તા.10ના રોજ 68 ફોર્મ અને તા.11ના રોજ 81 ફોર્મ ઉપડ્યા છે. આ ફોર્મ ઉપાડવાની સાથે સમિતિને રૂ. 70 હજારની રકમ મળી છે. હવે તા.14 સુધી એટલે કે આગામી 2 દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે.

બીજી તરફ લોકમેળામાં મુખ્ય સ્ટેજ માટેનું કામ સંભાળવા માંગતા લોકોને પ્રાંત કચેરી ખાતેથી ટેન્ડર તારીખ 11 થી 24 સુધી કચેરી સમય દરમિયાન નિયર ટેન્ડર ફી રૂ.1,000 ફરી મેળવી શકશે. ભાવ શીલ બંધ કવરમાં તારીખ 26 ના રોજ સાંજે છ કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે.  તારીખ 28 ના રોજ 12:00 કલાકે ટેન્ડર ખોલવામાં આવશે જાહેરાત માટે પણ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ચાર પ્રવેશ દ્વાર તથા મેળાની અંદર 35 લાઈટ અને સાઉન્ડના ટાવર 12 વોચ ટાવર તેમજ એલઈડી સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા બાબતે ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું છે. ટેન્ડર ફી રૂ. 2000 છે.  ઇએમડીની રકમ રૂપિયા 50,000 છે આ ટેન્ડર તા. 27 ના રોજ ખોલવામાં આવશે જ્યારે સિક્યુરિટી ગાર્ડ માટે પણ ઓનલાઈન ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું છે આ ટેન્ડરની ફી રૂપિયા 1000 છે અને ઇએમડી રૂપિયા 20,000 છે. જે ટેન્ડર 27મીએ ખોલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.