Abtak Media Google News

કોરોના તારા વળતા પાણી!!

જાન્યુઆરી 2020થી શરૂ થયેલા કોરોનાના કહેરે વૈશ્વિક અર્થતંત્રને મરણતોલ ફટકો માર્યો

વિશ્વભરને હચમચાવી નાખનાર કોરોના હવે વૈશ્વિક મહામારી રહી નથી. વિશ્વ આરોગ્ય સંગઠને આ જાહેરાત કરી છે. લાખો લોકોને ભરખી જનાર કોરોના હવે જીવલેણ રહ્યો નથી જેના લીધે મહામારીનો અંત આવ્યો છે. જો કે, કોરોના ખતમ થયો નથી પરંતુ કોરોના જીવલેણ નહીં રહેતા મહામારી તરીકે તેનો અંત આવતા હાશકારો થયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારી હવે વૈશ્વિક ઈમર્જન્સી રહી નથી. આ સાથે વૈશ્વિક કટોકટી તરીકે કોરોના મહામારીનો પ્રતિકાત્મક અંત આવી ગયો છે. જોકે, તેનો અર્થ એવો નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય  સામે એક બીમારી તરીકે કોરોનાના જોખમો ખતમ થઈ ગયા છે. એક સમયે સમગ્ર દુનિયામાં કલ્પના ના કરી હોય તેવા લોકડાઉન, વૈશ્વિક અર્થતંત્રોને મરણતોલ ફટકો મારનાર આ વૈશ્વિક બીમારીએ દુનિયામાં 70 લાખ લોકોનો ભોગ લીધો છે. ત્રણ વર્ષ કરતાં વધુ સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 76.4 કરોડ કેસ નોંધાયા છે અને પાંચ અબજ લોકોએ કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય-પૂર્વમાં તાજેતરમાં જ કોરોનાના કેસમાં વધારો થયો હતો અને હજુ પણ પ્રત્યેક સપ્તાહે કોરોનાથી હજારો લોકોનાં મોત થઈ રહ્યા છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વૈશ્વિક બીમારી તરીકે અસરકારક રહી નથી. જાપાન, અમેરિકા, યુરોપ સહિત દુનિયાના અનેક દેશોએ આ બીમારી માટે કરવામાં આવતા ઈમર્જન્સી ખર્ચ અને નિયંત્રણો હવે બંધ કરી દીધા છે.

ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, કોરોના મહામારી હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમર્જન્સી રહી નથી તે જાહેર કરવા છતાં તેનો અર્થ એ નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમ તરીકે કોરોના બીમારી ખતમ થઈ ગઈ છે. નિષ્ણાતોના એક જૂથે ગુરુવારે બઠકમાં વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા પછી ડબલ્યુએચઓએ શુક્રવારે આ જાહેરાત કરી હતી અને કોરોના અંગેની તેની સર્વોચ્ચ સ્તરની એલર્ટ હળવી કરવાનો નિર્ણય કર્યો હતો.

યુએનની સ્વાસ્થ્ય સંસ્થાએ 30 જાન્યુઆરી 2020ના રોજ પહેલી વખત કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. આ પહેલાં કોરોના બીમારીને કોવિડ-19 નામ અપાયું નહોતું કે તેણે ચીનની બહાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નહોતું. જાન્યુઆરી 2020માં ટેડ્રોસે કોરોનાને વૈશ્વિક ઈમર્જન્સી જાહેર કરી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને સૌથી મોટો ભય એ છે કે ભારત, આફ્રિકા જેવા નબળી સ્વાસ્થ્ય વ્યવસ્થા ધરાવતા દેશો કોરોનાનો સામનો કરવા તૈયાર નથી ત્યારે આવા દેશોમાં ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે.

પરંતુ કોરોના મહામારી કાળના આ સમયમાં વાસ્તવિક્તા એ છે કે કોરોના મહામારીની સૌથી વધુ ખરાબ સ્થિતિ એવા દેશોમાં જોવા મળી જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ સૌથી સારી માનવામાં આવતી હતી. અમેરિકા, બ્રિટન સહિતના દેશો કોઈપણ મહામારીનો સામનો કરવા માટે સક્ષમ છે તેવું મનાતું હતું ત્યા કોરોનાના કારણે સૌથી વધુ લોકોનાં મોત થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા મુજબ સૌથી ખરાબ સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતા આફ્રિકન દેશોમાં કોરોનાથી મોતનું પ્રમાણ વૈશ્વિક કુલ મૃત્યુઆંકમાં માત્ર ત્રણ ટકા હતું.

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાએ કોરોનાને હવે વૈશ્વિક ઈમર્જન્સી નથી રહી તેવી જાહેરાત કરી છે ત્યારે અમેરિકામાં 11મી મેથી કોવિડ-19 અંગે જાહેર સ્વાસ્થ્ય ઈમર્જન્સી જાહેરનામાનો અંત આવશે તેમ બાઈડેન સરકારે જણાવ્યું છે. અમેરિકામાં 11 મેથી સરકાર કોરોના મહામારીને અટકાવવા માટે વ્યાપક સ્તર પર લેવામાં આવતા પગલાં બંધ કરી દેશે, જેમાં ફરજિયાત રસી સહિતની બાબતનો સમાવેશ થાય છે. આ દિવસથી સરકાર કોરોના સંબંધિત જાહેર ખર્ચ પણ બંધ કરી દેશે. જર્મની, ફ્રાન્સ અને બ્રિટન સહિત યુરોપના અનેક દેશોએ ગયા વર્ષથી જ કોરોના મહામારી સંબંધિત તેમની જોગવાઈઓ પડતી મુકી દીધી છે.

દુનિયાભરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) એકમાત્ર સંસ્થા છે, જે વિશ્વના સ્વાસ્થ્ય જોખમો અંગે સંકલન સંકલન કરવાનો અધિકાર ધરાવે છે, પરંતુ કોરોના મહામારીએ એક વૈશ્વિક સંસ્થા તરીકે ડબલ્યુએચઓની ખામીઓ વારંવાર ઊજાગર કરી હતી.

કોરોનાનું ઉદ્ગમ પ્રાણીઓ કે લેબ? પ્રશ્ર્ન હજુ પણ ‘વણઉકેલ્યો કોયડો’

જાન્યુઆરી 2020માં કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરતી વખતે ડબલ્યુએચઓએ કોરોના સામે ત્વરિત પ્રતિભાવ આપવા અને પારદર્શી રીતે પગલાં લેવા બદલ ચીનની પ્રશંસા કરી હતી. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાની ખાનગી બેઠકોના રેકોર્ડિંગ્સમાં દર્શાવાયું હતું કે ડબલ્યુએચઓના ટોચના અધિકારીઓ ચીન તરફથી કોઈ સહકાર નહીં મળવા અંગે હતાશ થઈ ગયા હતા. ડબલ્યુએચઓની સૌથી વધુ ટીકા કોરોના વાયરસના ઉદ્ભવ અને તેના પ્રસાર અંગે બદલાતા વલણ અંગે થઈ હતી. વૈશ્વિક સંસ્થાએ ચીનની સપ્તાહો લાંબી મુલાકાતો પછી 2021માં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાયો હોવાની શક્યતા વધુ છે અને તે લેબમાં બન્યો હોવાની સંભાવના નહીવત છે. પરંતુ પછીના જ વર્ષે તેણે આ નિવેદનથી પીછેહઠ કરતાં કહ્યું કે, ’અનેક મહત્વના ડેટા’ હજુ પણ ઉપલબ્ધ નથી. તેથી કોરોના લેબમાં બન્યો હતો કે નહીં તે નકારી કાઢવું અપરિપક્વ છે.

વિશ્વભરમાં કુલ 76 કરોડથી વધુ લોકો થયાં સંક્રમિત: 70 લાખના મોત

વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારી હવે વૈશ્વિક ઈમર્જન્સી રહી નથી. આ સાથે વૈશ્વિક કટોકટી તરીકે કોરોના મહામારીનો પ્રતિકાત્મક અંત આવી ગયો છે. જોકે, તેનો અર્થ એવો નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય  સામે એક બીમારી તરીકે કોરોનાના જોખમો ખતમ થઈ ગયા છે. એક સમયે સમગ્ર દુનિયામાં કલ્પના ના કરી હોય તેવા લોકડાઉન, વૈશ્વિક અર્થતંત્રોને મરણતોલ ફટકો મારનાર આ વૈશ્વિક બીમારીએ દુનિયામાં 70 લાખ લોકોનો ભોગ લીધો છે. ત્રણ વર્ષ કરતાં વધુ સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 76.4 કરોડ કેસ નોંધાયા છે અને પાંચ અબજ લોકોએ કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.