Abtak Media Google News

ભુજ તાલુકાના બળદિયા ગામનો બનાવ

અમારી વાડીની બાજુમાં આવેલા ડુંગરમાં ખજાનો છુપાયેલો છે ખજાનો મેળવવા ધાર્મિક વિધિ કરવી પડશે તેવું કહી ભુજના ૩ શખ્સોએ તાલુકાના પટેલ ચોવીસીના બળદિયા ગામની ૬૦ વર્ષીય વૃદ્ધા સાથે ૨૧.૫૨ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ માનકુવા પોલીસ મથકે નોંધાતા પટેલ ચોવીસીના ગામોમાં ચકચાર ફેલાઈ છે.

ભુજના રહીમનગરમાં રહેતાં જુસબ મૌલાના અને સિકંદર જુસબ મૌલાના વિરુધ્ધ બળદિયાના ૬૦ વર્ષીય રાધાબેને નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું કે , આરોપીઓએ તેમની વાડીની પાસે આવેલા ડુંગરમાં ખજાનો ધરબાયેલો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પરંતુ, આ ખજાનો મેળવવા માટે ધાર્મિક વિધિઓ કરાવવી પડશે તેમ કહી તેમને દહિંસરાથી એકાદ કિલોમીટર દૂર આવેલી દરગાહ પર અવારનવાર બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ સંધ્યા સમયે અલગ અલગ દેવતા, ભૂત-પ્રેતના આભાસ સર્જી તેમને રાજી રાખવા તેમના હુકમ મુજબ ટૂકડે ટૂકડે ૨૭.૫૨ લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. નાણાં ગયા અને ખજાનો પણ હાથ ના લાગતાં રાધાબેનને વાસ્તવિક્તાનું ભાન થયું હતું.

તેમણે આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી આપતાં આરોપીઓએ તેમનું મકાન રાધાબેનના નામે કરી આપવાનું વચન આપી છ લાખ રૂપિયા પરત આપ્યા હતા. જો કે, ત્યારબાદ આરોપીઓ ફરી જતાં રાધાબેને માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈએ જણાવ્યું કે, ફરિયાદી મહિલા ગ્રામ રક્ષક દળના સદસ્ય છે. તેમની પાસે આટલી મોટી રકમ કેવી રીતે આવી, ખરેખર ખજાનાના નામે વશીકરણ કરાઈ ચીટીંગ કરાયું છે કે તેની સાથે અન્ય કોઈ બાબત પણ સામેલ છે વગેરે મુદ્દે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.