Abtak Media Google News

ભગવાન પરશુરામના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમના કલ્પના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ૠષિ  અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષ્ાય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠૃા અવતાર એવા ભગવાન પરશુરામજીની આગામી રપ એપ્રીલ ના અખા ત્રીજના પાવન પર્વે જન્મજયંતિ  છે.

પરશુરામની માતૃભક્તિ અને ભાતૃપ્રેમનું દ્રષ્ટાંતનું ઉદાહરણ જોતા એક વખત પરશુરામની જન્મદાત્રી દેવી રેણુકા નિત્યક્રમ અનુસાર સ્નાનાદીથી પરવારી પુષ્પો વગેરે લઈને આશ્રમ તરફ આવતા હતા ત્યારે જંગલમાં એક યુગલની પ્રણયક્રિડા જોઈને રેણુકાના મનમાં મોહમાયા ઉત્પન્ન થઈ, પિરણામે તેમની અસામાન્ય સિધ્ધિઓ ઉપર પાણી ફરી વળ્યું,આ આખીયે ઘટના જાણી જમદગ્નિ ૠષિ ભારે ક્રોધિત થયા અને પોતાના પુત્રોને રેણુકાના શિરચ્છેદની આજ્ઞા કરી. ચારમાંથી એકેય દિકરો માતાની હત્યા માટે તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયા અને તેમના ક્રોધની આગથી ચારેય દિકરા ભસ્મીભુત થયા.

માતા પ્રત્યે પરમ લાગણી હોવા છતાં પિતૃઆજ્ઞાને માન આપી પરશુરામે દેવી રેણુકાનો વધ ર્ક્યો, અને પોતાની જન્મદાત્રીનો વધ માત્ર પિતૃઆજ્ઞાને કારણે કરવો પડયો હોવાથી પરશુરામ અત્યંત દુ:ખમાં સરી પડયા, ત્યારે પિતા જમદગ્નિ તેમને કોઈ વરદાન માંગવા કહે છે ત્યારે પરશુરામ માતા સહિત પોતાના ચારેય ભાતૃઓને નવજીવન આપવા પિતાને પ્રાર્થના કરે છે.અને પિતા જમદગ્નિ પ્રસન્ન થઈને માતા રેણુકા અને ચારેય ભાઈઓને સજીવન કરે છે. આમ ભગવાન પરશુરામની માતૃભક્તિ અને ભાતૃપ્રેમ બેજોડ હતો.

હૈહવકુળના ક્ષ્ાત્રિયોમાં અર્જુન નામે રાજા હતો. તેણે ગુરૂ દતાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિધ્ધિઓ મેળવી એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમે જઈ ચડયા, ત્યાં તેણે ૠષિની કામધેનુ ગાયને હરી લેવા પોતાના સૈનિકોને આજ્ઞા કરી એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી મહિષ્પતી નગરી તરફ લઈ ચાલ્યો.

એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દૃષ્ટતા  સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ, તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલ બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.આમ સહસ્ત્રાર્જુનના વધ થયો અને તેના દશ હજાર પુત્રો  પણ ભયથી નાસી ગયા.   જોકે ૠષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા.પરશુરામને તેણે ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. આમ પરશુરામ એક વર્ષ સુધી તીર્થસેવનમાં નીકળી પડયા. આ દરમ્યાન સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાનું વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા. અને જમદગ્નિ ૠષિનું મસ્તક કાપીને લઈ ગયા.પરશુરામ તીર્થયાત્રાએ થી પરત ફર્યા અને

પોતાની માતાને કલ્પાંત કરતાં જોયા.માતાને કલ્પાંત કરતા જોઈને પરશુરામે ફરી થી ફરશી ઉઠાવી ક્ષ્ાત્રિયોનો સંહાર કરીને સહસ્ત્રાર્જુનના દસ હજાર પુત્રોના મસ્તક કાપી નાંખ્યા.આમ પિતાના વધને નિમિત બનાવી પરશુરામે એક્વીસ વખત પૃથ્વીને નિ: ક્ષ્ાત્રિય બનાવી હતી અને પિતૃભક્તિનો પચિચય આપ્યો હતો.

પરશુરામ ભગવાને શિવજીનું તપ ર્ક્યું હતું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી)  આપી હતી, ત્યારથી તેનું નામ પરશુ પડયું હતું.શિવપુરાણ,રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો તેમજ વિવિધ ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન પરશુરામનો ઉલ્લેખ જોવા મળે છે.રામાયણમાં સીતા સ્વયંવર વખતે ભગવાન પાશુપતનું ધનુષ્ય ભંગ કરવાનો પ્રસંગ હોય કે મહાભારતમાં કાશી નરેશની પુત્રીઓના સ્વયંવરમાં થી ભીષ્મ ધ્વારા રાજકુમારીઓના હરણની ઘટના હોય ત્યારે પરશુરામે એક વીર પુરૂષ તરીકેની ભુમિકા ભજવી છે.મહાભારત કાળમાં પણ ભગવાન પરશુરામ એ ભીષ્મ, અને કર્ણ જેવા મહારથીઓના વંદનીય ગુરૂ હતા. આમ ભગવાન પરશુરામ એ ચીરંજીવ, શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે અને અજર-અમર છે.

અગ્નિપુરાણમાં દર્શાવ્યા અનુસાર પરશુરામે મહેન્દ્ર પર્વત ઉપર વસવાટ ર્ક્યો હતો. પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઉભો ર્ક્યો હતો જે કોંકણ તરીકે આજેય પ્રખ્યાત છે. આમ પરશુરામનો જન્મ અનેક રહસ્યોથી ભરપૂર છે અને દેવતાઓ માટે પડકારરૂપ છે. ભારતીય સમાજ ભગવાન પરશુરામને શોર્યના પ્રતીક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.