Abtak Media Google News

9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન તમામ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણુંક માટે બોલાવાશે બોર્ડ બેઠક

રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મેયરપદ મહિલા માટે અનામત: ભાવનગરમાં ઓબીસી, જામનગરમાં એસસી અને સુરતમાં જનરલ કેટેગરી માટે અનામત: જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકાની આવતા વર્ષ સામાન્ય ચૂંટણી

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાના મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની મૂદત આવતા મહિને પૂર્ણ થઇ રહી છે. નવા હોદ્ેદારોની વરણી માટે સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થતાની સાથે જ બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. પદાધિકારીઓની નિયુક્તી માટે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક બોલાવવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે.

રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં માર્ચ-2021માં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તથા શાસક પક્ષના દંડકની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે નિમણુંક કરવામાં આવી હતી. આવતા મહિને 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન તમામ છ મહાપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે. સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા બાદ પદાધિકારીઓની નિયુક્ત કરવા માટે બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. આવતા વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની હોય જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નવી નિમણુંક કરવામાં આવશે.

ભાવનગર, અમદાવાદ અને વડોદરા મહાપાલિકામાં પદાધિકારીઓની મૂદ્ત આગામી 9મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. જ્યારે રાજકોટ અને જામનગર મહાપાલિકાના પદાધિકારીઓની મૂદ્ત 12મી સપ્ટેમ્બર અને સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓની મુદ્ત 12મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં મેયર પદ મહિલા નગરસેવિકા માટે અનામત છે. જ્યારે સુરતમાં મેયર પદ જનરલ કેટેગરી માટે, ભાવનગરમાં મેયર પદ ઓબીસી કેટેગરી માટે અને જામનગરમાં મેયર પદ એસટી કેટેગરી માટે અનામત છે. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ છ મહાનગરોના સંગઠનના હોદ્ેદારો પાસેથી સંભવિતોના નામો મેળવી લેવામાં આવશે. સાથોસાથ સંગઠનના હોદ્ેદારોને પેનલ બનાવવાની પણ તાકીદ કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્ત 21 એપ્રિલ, 2024ના રોજ જ્યારે જુનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્ત 31 જુલાઇ, 2024ના રોજ પૂર્ણ થઇ રહી છે. આ બંને મહાપાલિકાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષ યોજાશે. દરમિયાન એપ્રીલ-મે માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય રાજ્યની તમામ છ મહાપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની નવી નિમણુંક લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. જ્યાં મેયર પદ મહિલા નગરસેવિકા માટે અનામત છે. ત્યાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે મજબૂત નગરસેવકને મૂકવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.