Abtak Media Google News

એક સમયની જાજરમાન ફિલ્મ અભિનેત્રી તનુજાની તબિયત લથડી હતી. તનુજાને મુંબઈના જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તનુજા હાલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. તનુજાને ઉંમર સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ તનુજા નિરીક્ષણ હેઠળ છે અને હવે તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 80 વર્ષની અભિનેત્રી તનુજા હાલમાં ડોક્ટરોની દેખરેખમાં છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. અભિનેત્રી કાજોલની માતાને વય સંબંધિત સમસ્યાઓના કારણે રવિવારે જુહુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જુહુની હોસ્પિટલમાં દાખલ કરાઈ : તબીબી દેખરેખ હેઠળ રખાઈ

અભિનેત્રી તનુજાને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તનુજા ભૂતકાળની સ્ટાર શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થની પુત્રી છે. તનુજા નૂતનની બહેન છે.

ઉલ્લેખનીય છે કે તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1943ના રોજ થયો હતો. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં તનુજાની પહેલી ફિલ્મ ‘છબિલી’ (1960) રીલિઝ થઈ હતી અને આ પછી તે 1962માં આવેલી ફિલ્મ ‘મેમ દીદી’માં જોવા મળી હતી.

આ સિવાય તનુજા ‘બહારે ફિર ભી આયેંગી’, ‘જ્વેલ થીફ’, ‘હાથી મેરે સાથી’ અને ‘મેરે જીવન સાથી’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તનુજાએ ઘણી બંગાળી ફિલ્મો પણ કરી છે. આ સાથે તનુજા શોમુ મુખર્જીને ફિલ્મ ‘એક બાર મુસ્કુરા દો’ના સેટ પર મળી હતી. બંનેએ વર્ષ 1973માં લગ્ન કર્યા હતા. તનુજાને બે દીકરીઓ કાજોલ અને તનિષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.