Abtak Media Google News

દેશને આત્મનિર્ભર બનાવવો જરૂરી: લોકલ માટે વોકલ બનવાનો સમય આવ્યો છે

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ૯૫માં વાર્ષિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

દેશ પર આવેલી કોરોનાની આપતિમાં સ્વદેશીને અવસર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતને અનુરોધ કર્યો છે. ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ૯૫માં વાર્ષિક કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોનાના રોગચાળાએ આપણને સંગઠીત બનવાની અને વિકાસની તક આપી છે. કોલકતા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાનને શરૂઆત બંગાળી ભાષાથી કરી જણાવ્યું કે, આઈસીસી છેલ્લા ૯૫ વર્ષથી દેશની સેવા કરી રહી છે. આભારનો સમય આપણે દેશને આત્મનિર્ભર બનાવવા માટેનો છે. આપણે બીજા દેશો પરથી નિર્ભરતા ઓછી કરવાની છે.

આજે જે ચીજવસ્તુઓ આપણે વિદેશથી મંગાવવી પડે છે તે દેશમાં જ બને અને આપણી જરૂરિયાત પુરી થયા બાદ તેનો નિકાસ કેવી રીતે કરી શકાય તે વિચારવાનું છે એવું કામ કરવાનું છે.

આત્મનિર્ભર ભારત માટે સરકારે કેટલાય સુધારા કર્યા છે. તેને આપણે અમલમાં લાવવાના છે. આજે કોઈપણ કંપની કે વ્યવસાયી સંસ્થા પીએમઓ સુધી પોતાની દરખાસ્ત અને રજૂઆત કરી શકે છે. લોકોને જીઈએમ સાથે જોડવા પડશે જેથી સ્વદેશી કંપનીઓનો સામાન સરકાર પણ ખરીદી શકે.

ઉત્તર પૂર્વ બની શકે છે ઓર્ગેનિક ખેતીનું હબ

વડાપ્રધાને જણાવ્યું કે, સ્થાનિક ઉત્પાદનોને કલસ્ટરના આધારે મજબૂતી આપી શકાય છે. ઉત્તર પૂર્વને ઓર્ગેનિક ખેતીનું હબ બનાવવાની કોશિષ ચાલુ છે. આઈસીસી એનો હાથ જાલે તો તેને વૈશ્વિક ઓળખ મળી શકે તેમ છે.  તેમણે જણાવ્યું કે, આઈસીસીની સ્થાપના બાદ કેટલુંય જોયું છે અને ભારતની વિકાસ યાત્રાનો ભાગ બન્યું છે. આ બેઠક પણ એવા સમયે થઈ રહી છે કે દેશ કેટલીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ કોરોના વાયરસ છે, તીડનો હુમલો થયો છે તો ક્યાંક ક્યાંક ભૂકંપ પણ આવી રહ્યાં છે. એ દરમિયાન એકાદ માસના ટૂંકાગાળામાં જે બે મોટા વાવાઝોડાનો માર પણ દેશે સહન કર્યો છે.

મુસીબતની દવા છે મજબૂતી

વડાપ્રધાને જણાવ્યું કે, મનથી હારો તો હાર થાય અને મનથી જીતો તો તમારી જીત જ છે. આપણી સંકલ્પ શક્તિ જ આપણો આગળનો માર્ગ નક્કી કરે છે જે પહેલેથી જ હાર માની લે છે તેને અવસર દેખાતા નથી. એટલે જીતવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. અને નવા અવસરો પણ દેખાય છે.  આવા સમયે મુસીબતની દવા મજબૂતી હોય છે. મુશ્કેલ સમયમાં ભારત હંમેશા આગળ વધતો ગયો છે. આજે આખી દુનિયા કોરોના સંકટ સામે લડી રહી છે, કોરોના વોરિયર્સ સાથે દેશ પણ આ લડાઈમાં પાછળ નથી. લોકોએ હવે સંકલ્પ કર્યો છે કે, આફતને પણ અવસરમાં બદલવાની છે. આ સંકટને દેશનો ટર્નીંગ પોઈન્ટ બનાવવાનું છે. આત્મનિર્ભર ભારત જ ટર્નીંગ પોઈન્ટ છે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

આત્મનિર્ભર અભિયાનને પૂર્ણ કરવા લોકો સંકલ્પ કરે: મોદી

આ તકે વડાપ્રધાને જણાવ્યું કે, આત્મનિર્ભર અભિયાનને પૂર્ણ કરવા લોકોએ કંઈક આપવા નિર્ધાર કરવો જોઈએ.  પાંચ વર્ષ બાદ આ સંસ્થા સો વર્ષ પુરા કરશે અને ૨૦૨૨માં દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. એટલે દરેક વ્યક્તિએ એક સંકલ્પ કરવો જોઈએ કે આત્મનિર્ભર ભારત માટે મારે કંઈક આપવું છે.

એલઈડીથી લોકોને-દેશને કરોડોના ફાયદો થયો

વડાપ્રધાને જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા એક એલઈડી બલ્બ રૂા.૩૫૦માં મળતો હતો અત્યારે ૫૦માં મળે છે. દેશમાં કરોડો લોકોએ એલઈડી અપનાવતા લોકોને તથા દેશને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. મોટા પ્રમાણમાં ઉદ્યોગ થતા ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે. વીજળીની બચત થતાં પર્યાવરણને પણ ઘણો ફાયદો થયો છે.

પાણીમાં ય રસ્તા કાઢીએ છીએ

વડાપ્રધાને જણાવ્યું કે અમે પાણીમાં ય રસ્તા કાઢી રહ્યાં છીએ. હાલમાં કોલકતા રૂટથી શરૂઆત કરી છે અને હવે ઉત્તર પૂર્વ પર તેને આગળ વધારવાની નેમ છે. આ માર્ગથી નાણાની બચત થશે. સામાન પણ ઝડપથી મળી શકશે અને સાથષ સાથે પર્યાવરણમાં પણ સુધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક  અભિયાન પણ એક આંદોલન બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.