Abtak Media Google News

કોરોનાના ઓછા કેસ ધરાવતા વિસ્તારોમાં બહારથી આવતા લોકો ચેપ લગાવી રહ્યા હોવાથી આંતર જિલ્લા પરિવહન ઉપર ફરી રોક લાગે તેવી શકયતા

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને હવે સરકાર આકરા નિયમો લાગુ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જે વિસ્તારો કોરોનાના ઓછા કેસો ધરાવે છે. તે વિસ્તારોમાં બહારથી આવતા લોકો ચેપ લગાવતા હોવાથી હવે આંતર જિલ્લા પરિવહન ઉપર ફરી રોક લાગે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ અનલોક-૧ શરૂ થયું છે. જેમાં ઘણી છૂટછાટ મળી છે. હાલ લોકો પરવાનગી વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઇ શકે છે. બીજા જિલ્લામાં ગયા બાદ તેઓને ક્વોરન્ટાઇન થવામાંથી પણ મુક્તિ મળી છે. જો કે આ મુક્તિએ જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું હતું તે જિલ્લાઓ ઉપર પણ જોખમ ઉભું કરી દીધું છે. અનેક જિલ્લા એવા હતા જ્યા કોરોનાનું સંક્રમણ નહિવત પ્રમાણમાં હતું. પરંતુ કોરોનાનો વિસ્ફોટ થયો છે તેવા અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાંથી લોકોએ આવીને સુરક્ષિત જિલ્લાઓ સામે અસુરક્ષા ઉભી કરી નાખી છે.  બહારના જિલ્લાઓમાંથી આવતા લોકો બીજા જિલ્લાઓનું જોખમ વધારી રહ્યા હોય અને કોરોનાનું ઓછું સંક્રમણ ધરાવતા જિલ્લાઓમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા હોય સરકાર હવે આકરા નિયમો લાગુ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકાર દ્વારા હવે ફરી આંતરજિલ્લા પરિવહન ઉપર રોક લગાવવામાં આવે તો નવાઈ નહિ.

આ ઉપરાંત કોરોનાના કેસોમાં વધુ ઉછાળો આવશે તો આંતરજિલ્લા પરિવહન ઉપર રોક લગાવવા ઉપરાંતના અનેક આકરા પગલાં લેવાઈ શકે તેમ છે. હાલ મોટા ભાગના શહેરોમાં છૂટછાટનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનું ધ્યાને આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના ઠેર ઠેર ધજાગરા ઉડી રહ્યા છે. જાહેર સ્થળોએ લોકો બેખૌફ બનીને હરવા ફરવા નીકળી રહ્યા છે. ત્યારે હવે જો કોરોના બેકાબુ બનશે તો સરકાર ખૂબ આકરા પગલાં લેશે અને ફરી લોકોએ લોકડાઉનનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.