Abtak Media Google News
  • 2010માં થયેલા સર્વેમાં મંચ્છાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં 750 ઝુંપડા હતા જે આજે 1004એ પહોંચ્યા: નગરસેવિકાના પતિ સામે આકરી કાર્યવાહીના એંધાણ

શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવણીમાં ભ્રષ્ટાચાર આચરનાર વોર્ડ નં.5ના ભાજપના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિદેવ કવા ગોલતરે લાલપરી અને રાંદરડા તળાવની કાંઠે આવેલા મંચ્છાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદે ઓરડીઓ બનાવી ભાડે ચડાવી દીધી હોવાની ઘટનાના પર્દાફાશ થયા બાદ મ્યુનિ.કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ આજે બપોરે આવી ગયો છે. 35 જેટલી ઓરડી બનાવી ભાડે ચડાવી દેનાર 8 શખ્સો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા કોર્પોરેશન દ્વારા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.

વોર્ડ નં.5ના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવાએ કરામત આચરી મંચ્છાનગર વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં કેટલીક ઓરડીઓ ગેરકાયદે બનાવી ભાડે ચડાવી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના બાદ તપાસ સમિતિ રચવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે. આ ઝુંપડપટ્ટી વિસ્તાર રાજ્ય સરકાર દ્વારા 2010 સર્વે કર્યા બાદ માન્ય સ્લમમાં સમાવી લેવામાં આવ્યો હતો. જે-તે સમયે સર્વે દરમિયાન અહીં 750 જેટલા ઝુંપડાઓ હતા. જેનો આંક આજે 1004એ પહોંચી ગયો છે. જેમાં આઠ જેટલા આસામીઓ દ્વારા 35 જેટલા ઝુંપડા ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. સામાન્ય રીતે ઝુંપડામાં ઘરવિહોણ વ્યક્તિ જ વસવાટ કરી શકે છે. ઝુંપડા ભાડે આપી દેવામાં આવે તે ઘટના અપરાધીક છે. આ સંદર્ભે જે આઠ વ્યક્તિઓના નામ ખૂલ્યા છે તેની સામે કોર્પોરેશન દ્વારા કલેક્ટરને દરખાસ્ત કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવશે.

કોર્પોરેશન પાસે હાલ બે વિકલ્પ છે. જેમાં સરકારી જગ્યા પર ઉભા થયેલા ઝુંપડાઓ તોડી પાડવામાં આવે અથવા દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાઇ પરંતુ હાલ ચૂંટણીને ધ્યાનમાં રાખી માત્ર દબાણકર્તાઓને કાયદાના સકંજામાં લેવામાં આવશે. ચૂંટણી બાદ 1004 પૈકી 35 જેટલા ઓરડીઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.