Abtak Media Google News

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજવાની છે. આ રામકથાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજાનાર રામકથા માટેની કબીરધામના શિવરામદાસ બાપુ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા માજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બન્યા બાદ પૂજ્ય મોરારીબાપુ દ્વારા શોક શ્રદ્ધાંજલિ માટે મોરબી ખાતે પધાર્યા હતા ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોના મોક્ષાર્થે રામકથા કરવાનું મોરારીબાપુના અંત:કરણથી કહેવામાં આવ્યું હતું અને આ રામકથા પૂજ્ય મોરારીબાપુની કરુણામાંથી પ્રગટેલી કથા છે.

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના મોક્ષાર્થે

સાંસદ મોહનભાઈ કુંડારિયાના નિવાસસ્થાનેથી બગી, ઘોડા સાથે ભવ્ય પોથી યાત્રા નિકળી

સાંસદ મોહનભાઈ કુંડારિયા સહીત 20 યજમાનો દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બપોરે 2:00વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં ઘરેથી બગી, ઘોડા સાથે ભવ્ય પોથી યાત્રા શરૂ થશે. જે નવા બસ સ્ટેન્ડ,ઉમિયા સર્કલ,દલવાડી સર્કલ થઈને વાવડી ચોકડી થી કથા સ્થળ એવા કબીર ધામ આશ્રમ વાવડી ગામ ખાતે સમાપન થશે.જ્યાં કથાકાર મોરારીબાપુ દ્વારા પોથીજીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

છેલ્લા બે મહિનાથી રામકથાના આ આયોજનમાં આયોજકો દ્વારા સતત મહેનત કરી રહ્યા છે ત્યારે આ રામકથામાં દરરોજના 50,000 શ્રવકો કથાનું શ્રવણ કરી પ્રસાદનો લાભ લઈ શકશે તેવી રીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  આ રામકથામાં દરરોજ બહોળી સંખ્યામાં સર્વજ્ઞાતિના ભક્તો કથાનું રસપાન કરશે તેમજ અલગ અલગ સંસ્થા દ્વારા કથામાં મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમજ રામકથામાં મૃતકો માટે ખાસ પાંચ અખંડ હવન ચાલુ રહેશે.આ રામકથામાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો તથા સર્વજ્ઞાતિના અલગ અલગ આગેવાનો હાજરી આપશે જેમાં આવતીકાલે રામકથાના દીપ પ્રાગટ્યમાં પરષોત્તમભાઇ રૂપાલા તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ ઉપસ્થિત રહેશે. તથા તા.1 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રામકથામાં પોતાની વિશિષ્ટ હાજરી આપી રામકથા શ્રવણનો લાભ લેશે. ત્યારબાદ તા.2 ઓક્ટોબરે મંત્રી મુળુભાઈ બેરા તથા ભાનુબેન  બાબરીયા ઉપસ્થિત રહેશે. તેમજ જેમ જેમ રામકથાના દિવસો પસાર થતા જશે તેમ તમામ આમંત્રિત સામાજિક આગેવાનો તથા રાજકીય આગેવાનો રામકથામાં પોતાની વિશેષ હાજરી આપી કથાશ્રવણનો લાભ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.