મણીપુરમાં કોંગ્રેસ અને ભાજપે સત્તાના દાવા રજૂ કર્યા.

bhajap | congress | government
bhajap | congress | government

ભાજપને ૩૨ ધારાસભ્યોનું સમર્થન: કોંગ્રેસ કહે છે સૌથી મોટી સિંગલ પાર્ટી જ સરકાર રચશે.

મણીપુરમાં કોંગ્રેસ એ ભાજપે સત્તાના દાવા રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ફૂટબોલર અને જર્નાલિસ્ટ નોગથોમબામ બિરેન સિંઘ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તેમની પાસે ૩૨ ધારાસભ્યોનું પીઠબળ છે. બિરેને ગવર્નર નજમા હેપતુલ્લાને ૩૨ ધારાસભ્યોનું લિસ્ટ સુપરત કરીને સરકાર રચવાનો દાવો કર્યો છે. મણીપૂર એસેમ્બ્લીમાં કુલ ૬૦ સભ્યો છે ભાજપને પી.એ. સંગમાની પાર્ટી એનપીપીનાં ૪ ધારાસભ્યો, એનપીએફના ૪ ધારાસભ્યો, એલજેપીનાં ૧ ધારાસભ્ય, અપક્ષ અસાબ ઉદદીન અને તૃણમુલના ટી રોબિન્દ્રો સિંઘનો પણ ટેકો છે. આમ, મણિપુરમાં ભાજપનો વિન વિન સિચ્યુએશનમાં છે.

કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઓકરામ લ્બોબી સિંઘે પણ ગવર્નર નજમા હેપતુલ્લાને સરકાર રચવા દેવા અંગેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. કોંગ્રેસને એનપીપીનાં કેટલાક ધારાસભ્યોનું સમર્થન છે. એનપીપીનાં જ અમુક ધારાસભ્યોનો ભાજપને પણ ટેકો છે. કોંગ્રેસે કહ્યું કે મણીપુરમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી (કોંગ્રેસ)ને સરકાર રચવાનો ચાન્સ મળવો જોઈએ. ભાજપે તો ઘણી બધી પાર્ટીનો શંભુમેળો કરીને૩૨ ધારાસભ્યોની સંખ્યા બનાવી છે.

દિલ્હી હાઈકમાન્ડ વતી કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને પ્રકાશ જાવડેકર અત્યારે મણીપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ મણીપુરની રાજધાની ઈમ્ફાલ ખાતે ભાજપના ચૂંટાયેલા સભ્યોને ‚બ‚ મળ્યા હતા. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જો કે, અંતિમ નિર્ણય તો પાર્ટી પ્રેસીડેન્ટ અમિત શાહ જ લેશે.

ઉલ્લેખનીય છે કે બિરેન સિંઘ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. તેમણે કહ્યું કે મિસ ગવર્નન્સના કારણે મેં કોંગ્રેસ છોડી હતી. ભાજપની તો વાત જ કઈક અલગ છે. મણીપુરમાં કોંગ્રેસને ૩૫% અને ભાજપને ૩૬.૩% મતો મળ્યા છે. ભાજપને ૨૧ સીટો પર જીત મેળવી છે. અને ૧૧ ધારાસભ્યોનો ટેકો છે. લાગે છે કે મણીપુરમાં ભાજપને સરકાર રચવા ગવર્નર નજમા હેપતુલ્લા આમંત્રણ આપી શકે.