Abtak Media Google News

શહેરમાંથી જોખમી લાગતા તમામ હોર્ડિંગ્સ ઊતારવામાં આવ્યા: ફાયર સ્ટેશનો 24 કલાક એલર્ટ મોડ પર

સાવચેતીના ભાગરૂપે બુધ અને ગુરૂવારે રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને રામવન બંધ રહેશે

બિપરજોય વાવાઝોડા અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું સ્થળાંતર, ફૂડ પેકેટ, તમામ વોર્ડમાં જર્જરિત કે ભયગ્રસ્ત બાંધકામમાં રહેતા લોકોનું સ્થળાંતર, કંટ્રોલ રૂમ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત રાખવી વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી સંબંધિત અધિકારીઓને મેયર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મીટિંગ અંગે મેયર ડો. પ્રદિપ ડવે અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમ્યાન રાહત બચાવની કામગીરી માટે આવશ્યકતા મુજબની ટીમો તૈયાર કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. સાથોસાથ કંટ્રોલ રૂમ અને ફાયર સ્ટેશનો 24 કલાક એલર્ટ મોડ પર રહેશે. ભારે પવનને કારણે ઝુપડપટ્ટીઓના પતરા ઉડવાની ભીતી રહેતી હોય છે તેવી જ રીતે હોર્ડીંગ્સ અને વૃક્ષ પણ જોખમી બનતા હોય છે, અસુરક્ષિત કે જોખમી જણાય તેવા હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાલ ચાલી રહી છે તેમજ આ બાબતે સંબંધિત એજન્સીઓ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના પગલાંરૂપે તા.14 અને તા.15 જુન દરમ્યાન રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન બંધ રહેશે તેમજ જળાશયો પર લોકોની અવરજવર ટાળવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અલબત, લોકો ખુદ જ સમજદારીપૂર્વક વર્તમાન સંજોગોમાં આવા જાહેર સ્થળોએ આવવા-જવાનું ટાળે એ પણ જરૂરી છે.

વધુમાં મેયર અને ઈ.ચા. કમિશનરે જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવાઓ અને આવશ્યક મેડીકલ સેવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફૂડ પેકેટ સહિતની કામગીરી માટે એનજીઓ (સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ)ના હોદ્દેદારો સાથે સંકલન પણ થઇ રહ્યું છે.

મેયરે એમ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં ચાલી રહેલ બાંધકામની સાઈટ્સ પર વિશેષ સાવચેતી રહે તે પણ જરૂરી છે ખાસ કરીને ઉંચાઈ ઉપર ચાલી રહેલા કામ બે દિવસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો / કાર્યકરો રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી તંત્રની સાથે રહી જરૂરિયાત મુજબની કામગીરીમાં મદદરૂપ થશે.

મેયર અને ઈ.ચા. મ્યુનિ. કમિશનરે નાગરિકોને જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડુ આવવાની શક્યતા રહેલી હોઈ જે દરમ્યાન નાગરિકોએ પોતે કે પોતાના બાળકો, વાહનો વિગેરેને વૃક્ષો નીચે રાખવા નહી તથા રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અને પોતાની જાત તથા જાનમાલને નુકશાની ન થાય એ માટે સચેત રહેવા અને તંત્રને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.

જાહેર જનતાના હિતાર્થે ચોમાસાની ઋતુ તથા વાવાઝોડા વખતે પડતી મુશ્કેલીના સમયે ઉપયોગી નીચે મુજબના ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક માટે શરૂ કરવામા આવેલ છે. જેમા ચોમાસાની ઋતુને લગત કોઇ પણ ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ

Screenshot 2 25

કુદરતી આફતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએસએસ અને એનસીસીના કેડેટ્સ કાર્યરત

હાલની પરિસ્થિતિમાં “બીપોરજોય” વાવાઝોડાની આગાહીના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગર અને અમરેલી જીલ્લાની દરીયાકાંઠા વિસ્તારની કોલેજોને સાવચેતીના પગલાં લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સૂચન કરેલ છે.

દરીયાકાંઠાની કોલેજોએ ખાસ કાળજી લેવા કુલપતિએ જણાવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાની વિષમ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કાર્યમાં કાર્યરત એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ સાથે કોલેજના એન.એસ.એસ. તથા એન.સી.સી.ના કેડેટસને જોડવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.