Abtak Media Google News

સાયક્લોનિક સરક્યુલેશનની અસરતળે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ પડશે: ઘઉં, કેરી, રાયડો, ચણા સહિતના પાકને નુકશાની થવાની ભીતી

ગુજરાતમાં 10 દિવસમાં બીજીવાર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. અનેક સ્થળોએ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળર્છાંયુ વાતાવરણ છવાયું છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. ફરી એકવાર માવઠાની મોંકાણ ઉભી થતા જગતાતના જીવ તાળવે ચોંટી ગયા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગત સપ્તાહે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

સતત ચાર દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હોળીના દિવસે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડતા ભારે હાલાકી સર્જાઇ હતી. અનેક ગામોમાં હોળી પ્રગટી શકી ન હતી. 10 દિવસ બાદ ફરી રાજ્યમાં માવઠાની મૂસિબત ઉભી થવા પામી છે. સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે આજથી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજકોટમાં સવારે આકાશમાં વાદળોનો જમાવડા જોવા મળ્યો હતો. ગરમીનું જોર થોડું ઘટ્યું હતું.

આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા અને પોરબંદર ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ અને છોટા ઉદેપુર આવતીકાલે મંગળવારે ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા અને તાપી જિલ્લામાં, બુધવારે રાજકોટ, અમરેલી, કચ્છ, તાપી અને નર્મદા જિલ્લામાં, 16મી માર્ચે ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવાસરી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં જ્યારે 17મી માર્ચના રોજ અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

10 દિવસમાં બીજી વખત વાતાવરણમાં પલટો આવતા અને કમોસમી વરસાદની આગાહી આપવામાં આવતા જગતાત ચિંતીત બની ગયા છે. ઘઉ, કેરી, રાયડો, ચણા સહિતના પાકને નુકશાની થવાની દહેશત ઉભી થવા પામી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને તમામ પ્રકારની જણસી ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓને પણ માલ ખૂલ્લામાં ન ઉતારવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માર્ચ માસના અંતિમ સપ્તાહમાં પણ માવઠાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.