Abtak Media Google News

અમદાવાદના અનેક વિસ્તારોમાં જોરદાર ઝાપટા: આજે પણ અમૂક સ્થળોએ 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યભરમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જો કે પરસેવે રેબઝેબ કરતો બફારો યથાવત છે. ગઇકાલે અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ગઇકાલે આઇપીએલનો ક્વોલીફાયર-2ની મેચ હતી. દરમિયાન શહેરમાં વરસાદના જોરદાર ઝાપટા પડી જવાના કારણે મેચ નિર્ધારિત સમય કરતા અર્ધો કલાક મોડી શરૂ થવા પામી હતી. શુક્રવારે રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ગરમીનું જોર ઘટ્યું હતું.

વલ્લભ વિદ્યાનગરનું તાપમાન સૌથી વધુ 42.3 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 41.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 39.7 ડિગ્રી, રાજકોટનું તાપમાન 38 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.6 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.1 ડિગ્રી, મહુવાનું તાપમાન 34.8 ડિગ્રી, વડોદરાનું તાપમાન 38.4 ડિગ્રી, ભૂજનું તાપમાન 36.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 37.2 ડિગ્રી નોંધાયુ હતું.

ગઇકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે આઇપીએલનો મેચ અર્ધો કલાક મોડો શરૂ કરવાની ફરજ પડી હતી. જો કે મેચ શરૂ થયા બાદ વરસાદનું વિઘ્ન નડ્યું ન હતું. ખેડામાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. માતર અને મહેમદાવાદમાં ઝાપટા પડ્યા હતા. આગામી સોમવાર અને મંગળવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આજે પણ અનેક વિસ્તારોમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.