Abtak Media Google News
  • ટી-20 ફોર્મેટમાં સફેદ બોલમાં સટાસટી બોલાવ્યા બાદ ગિલને લાલ બોલ પર ‘કરામત’ બતાવવી પડશે 
ભારતીય ક્રિકેટ ટીમનો ઉભરતો સિતારો એટલે શુભમન ગિલ. થોડો સમય પહેલા સુધી ગિલ ટીમનો એક સારો ખિલાડી હતો પણ આઈપીએલ બાદ શુભમન ગિલે સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકેની નામના મેળવી લીધી છે.  આઈપીએલના બે મહિનામાં તે અચાનક એક અલગ સ્તર પર પહોંચી ગયો છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાને રાખી વિશ્વ આખાની મીટ  ગિલ પર મંડાઈ છે અને ક્રિકેટ જગત તેને વિરાટ કોહલીના વારસદાર તરીકે રજૂ કરવા તૈયાર છે.
એક દાયકા પહેલા કોહલીએ સચિન તેંડુલકર પાસેથી કમાન સંભાળી હતી.  2010ના દાયકાની શરૂઆતમાં કોહલીના વન ડે પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા હતી, જ્યારે દિલ્હીના છોકરાની સૌથી મોટી કસોટી રેડ-બોલ ક્રિકેટમાં થઇ હતી. કોહલી નંબર 4 સ્લોટ પર કબજો કરવા માટે આતુર હતો અને એકવાર તેંડુલકરે નિવૃત્તિ લીધા બાદ કોહલીએ તેના પ્રથમ ટેસ્ટમાં જ જોહાનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા સામે  119 અને 96 રન ફટકારીને ચર્ચાનો અંત આણ્યો હતો.
કોહલી હજુ નિવૃત્ત થવાથી દૂર છે પરંતુ હવે સંક્રમણની ક્ષણ છે. જો ગિલને ખરેખર ‘ભારતીય ક્રિકેટના રાજા’ ખિતાબના દાવેદાર બનવું હોય તો તેણે ટેસ્ટ મેચોમાં પોતાનો ટી-20 જેવો જ જાદુ ફરી બતાવવો પડશે. એવું નથી કે તેણે પહેલાથી જ તેની ઝલક દેખાડી નથી, પરંતુ 7 જૂનથી ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગિલને આ પુરવાર કરવું પડશે.
ગિલનું કામ કોહલી કરતાં થોડું વધારે મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે પંજાબનો છોકરો ઓપનર છે. કોહલી નંબર 4 કે 5 પર ગ્રાઉન્ડમાં બેટિંગ કરવા ઉતરે છે. ખાસ કરીને જ્યારે ઇંગ્લીશ ભૂમિ પર ટેસ્ટ રમાઈ રહી હોય ત્યારે રેડ-બોલ ક્રિકેટમાં બેટિંગની શરૂઆત કરતી વખતે નિષ્ફળતાની સંભાવના વધારે હોય છે. નવા બોલનો સામનો કરવો થોડું વધુ મુશ્કેલ કાર્ય છે.
ઈંગ્લેન્ડમાં ઓવલની પિચ સૌથી કપટી ન હોવા છતાં આપણે એ ન ભૂલવું જોઈએ કે આ ઉનાળાની શરૂઆત છે.
બેટિંગ સુપરસ્ટાર બે મહિનાની સતત ટી-20 ક્રિકેટ પીચ પર રમ્યા બાદ ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે ત્યારે ગિલને હવે ટેસ્ટ મોડમાં આવવું પડશે. મહત્વનું છે કે, 23 વર્ષીય ખેલાડીએ તેની બેટિંગ પર પણ કામ કર્યું છે અને તેનાથી ટેસ્ટ ક્રિકેટમાં તેની ટેકનિક વધુ ચુસ્ત બની છે. અગાઉ તેને તેના શરીરથી દૂર રમવાની આદત હતી જેના લીધે નુકસાનીનો સામનો કરવો પડતો હતો.
શું ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી દાયકાના દુષ્કાળનો અંત લાવશે?
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.  ડબ્લ્યુટીસીની ફાઈનલ મેચ 7 જૂને ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ ભારતીય દૃષ્ટિકોણથી ઘણી મહત્વની રહેશે. કારણ કે ભારતની ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ વખતે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા માંગશે.  કારણ કે ભારતીય ટીમે 2013 બાદથી એકપણ આઈસીસી ટ્રોફી જીતી નથી. છેલ્લી વખત 2013માં ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને હરાવીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કબજો કર્યો હતો.
પીચ-હવામાનની પરિસ્થિતિને ધ્યાને લઇ ટીમ સિલેક્ટ કરવા પ્રસાદની કેપ્ટનને સલાહ 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને લઈને પૂર્વ ભારતીય પસંદગીકાર એમએસએક પ્રસાદે ટીમ ઈન્ડિયાને જૂની ભૂલ ન દોહરાવવાની સલાહ આપી છે અને પ્રસાદે કહ્યું કે ભારતીય ટીમે પહેલા પ્લેઈંગ ઈલેવનની પસંદગી ન કરવી જોઈએ. પ્રસાદે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં સ્પિન બોલરો સારી ભૂમિકા ભજવી શકે છે. પરંતુ નિર્ણય સમય અનુસાર લેવાનો રહેશે. છેલ્લી એટલે કે 2021 ડબ્લ્યુટીસી ફાઇનલમાં ભારતીય ટીમ દ્વારા બે સ્પિનરોની પસંદગી પર પડછાયો પડ્યો હતો. પ્રસાદે સલાહ આપી છે કે અગાઉઠી ટીમ નક્કી કરવા કરતા પીચ- હવામાન સહીતની બાબતોને ધ્યાનમાં લઈને ટીમ સિલેકટ કરવી જોઈએ. ઘણીવાર હવામાનને લીધે સ્પિન બોલ એટેક કરવો કે પેસ બોલરોને ધુરા આપી દેવી તે નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે પૂર્વગ્રાહ સાથે ટીમ નક્કી નહીં કરવા પ્રસાદે સલાહ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.