Abtak Media Google News

જૂનાગઢના મેંદરડામાં પાંચ ઇંચ, ભૂજમાં સવા ત્રણ ઇંચ, લાલપુર, ડુમીયાણામાં ત્રણ ઇંચ, લખતર, બગસરામાં અઢી ઇંચ, સાયલા, ભાણવડ, રાજકોટ, મુંદ્રામાં બે ઇંચ વરસાદ

ચોમાસુ ફરી સક્રિય થતા સૌરાષ્ટ્રમાં શુક્રવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી: કાંઠાળા વિસ્તારમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે: સવારથી સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે અષાઢી બીજનું શુકન સાચવતા મેઘરાજા

નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લઈ લેતા જગતાત પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. મુરઝાતી મોલાતને બચાવવા માટે મેઘાને મહેર કરવા માટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આજીજી જાણે વરૂણદેવે સ્વીકારી લીધી હોય તેમ અષાઢ મહિનાના આરંભે જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘમલ્હાર જામ્યો છે. આજે અષાઢી બીજના શુકનવંતા દિવસે સવારથી મેઘાવી માહોલ વચ્ચે અમી છાંટણા થઈ રહ્યાં છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ 5 ઈંચ સુધી વરસાદ વરસી જતા મોલાતને જીવનદાન મળી ગયું છે. આજે સવારથી અનેક જગ્યાએ હળવો વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 184 તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 5 ઈંચ વરસી ગયો છે. ચોમાસાના વહેલા આગમન બાદ ગત 19મી જુનથી રાજ્યમાં બ્રેક મોન્સુન પીરીયડ ચાલી રહ્યો હતો. ફરી ચોમાસુ સક્રિય થવા પામ્યું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. જેની અસરતળે આગામી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે.

Screenshot 1 28

ગઈકાલ સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે બપોરબાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ મંડાણ ર્ક્યા હતા. સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોર વધ્યું હતું. ગઈકાલે રાજ્યના 184 તાલુકાઓમાં મેઘકૃપા વરસી હતી. સૌરાષ્ટ્ર પર મેઘાએ સવિશેષ હેત દાખવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 2॥ ઈંચ, સાયલામાં 2 ઈંચ, ચોટીલા અને ચુડામાં 1॥ ઈંચ, થાનમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. તો વઢવાણ અને ધ્રાંગધ્રામાં ॥ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકી વરસી પડ્યા હતા. શહેરમાં 1 કલાકમાં સાંબેલાધારે 2 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી.

ધોરાજીમાં 1। ઈંચ અને વિછીયામાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગરના લાલપુરમાં 3। ઈંચ, જામજોધપુરમાં 1। ઈંચ અને જોડીયા તેમજ ધ્રોલમાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 2 ઈંચ, દ્વારકા અને કલ્યાણપુરમાં 1। ઈંચ જ્યારે ખંભાળીયામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધારે 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘમહેર જામી હતી.

મેંદરડામાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તો માણાવદરમાં 1 ઈંચ જ્યારે ભેંસાણ અને કેશોદમાં ॥ ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં 2॥ ઈંચ જ્યારે બાબરા-ધારીમાં ॥ ઈંચ વરસાદ પડ્યો હતો. બોટાદના જિલ્લાના રાણપુર અને બોટાદ શહેરમાં 1 ઈંચ જ્યારે બરવાળામાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર, ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં મેઘાનું હેત થોડુ ઓછુ જોવા મળ્યું હતું. અહીં મોટાભાગના તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. કચ્છમાં પણ ગઈકાલે મેઘકૃપા વરસી હતી. ભુજમાં 3। ઈંચ, મુંદ્રામાં 2 ઈંચ, ભચાઉ અને માંડવીમાં 1॥ ઈંચ, ગાંધીધામમાં 1 ઈંચ, રાપર અને અંજારમાં ॥ ઈંચ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લામાં હળવા ઝાપટાથી લઈને 2॥ ઈંચ સુધી વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ મેઘો ગઈકાલે મન મુકી વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં અનરાધાર 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી ઝાપટાથી લઈ 3 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘાનું જોર ઓછુ જોવા મળ્યું હતું. અહીં હળવા ઝાપટાથી લઈ 1। ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજ સુધીમાં રાજ્યમાં કુલ 17.70 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

કચ્છમાં 18.71 ટકા, ઉત્તર ગુજરાતમાં 16.69 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 17.71 ટકા, સૌરાષ્ટ્રમાં 15.91 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.37 ટકા જેટલો વરસાદ પડ્યો હતો. આજે સવારથી રાજ્યભરમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. 18 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ 1 ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

રાજકોટમાં ગઈકાલે દિવસ દરમિયાન મેઘાવી માહોલ રહ્યો હતો. સાંજે વરૂણદેવ મન મુકીને વરસી પડ્યા હતા. 1 કલાકમાં શહેરમાં સાંબેલાધારે 2 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયું છે. સાથો સાથ ચોમાસુ પણ સક્રિય થયું છે જેની અસરતળે આગામી શુક્રવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રમાં ગિર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે અષાઢી બીજના શુકનવંતા દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ અમી છાંટણા કરતા ભાવિકો ભાવવિભોર થઈ ગયા હતા. ચોમાસાના વહેલા આગમન બાદ વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ ઉભી થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાં જગતાત મેઘરાજાને મહેર કરવા માટે વિનવી રહ્યાં હતા. તેઓની વિનવણી જાણે મેઘરાજાએ સાંભળી લીધી હોય તેમ અષાઢ માસના આરંભની સાથે જ વરૂણદેવનું પણ રંગેચંગે આગમન થઈ જતાં મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. સાથે સાથે જગતાતના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે.

માછીમારોને 14મી સુધી દરિયો ન ખેડવા તાકીદ

ચોમાસુ ફરી સક્રિય થવા પામ્યું છે. ગુજરાતના દરિયામાં 45 થી 55 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ઉંચા મોજા ઉછળવાની પણ સંભાવના રહેલી હોય માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને આગામી 14મી જુલાઈ સુધી માછીમારી કરવા માટે દરિયામાં ન જવા સુચના આપવામાં આવી છે.

આટલું જ નહીં દરિયામાં હોય તેવા માછીમારોને પણ પાછા બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે. દરિયા કિનારા નજીક વિસ્તારમાં પોતાના સાધન સામગ્રીને સલામત સ્થળે ખસેડી લેવા પણ માછીમારોને તાકીદ કરવામાં આવી છે. હવે ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય જૂન માસમાં રહેલી વરસાદની ઘટ હવે સરભર થઈ જાય તેવું લાગી રહ્યું છે.

કોર્પોરેશનના ફલ્ડ ક્ધટ્રોલ રૂમના ફોન બંધ

તત્કાલ ફોન ચાલુ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે અધિકારીઓને આદેશ આપ્યા

ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાવા, વૃક્ષો પડવા સહિતની ફરિયાદો નોંધવા માટે કોર્પોરેશન દ્વારા જ્યુબીલી ખાતે ફલ્ડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે. શહેરમાં ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. જેની ફરિયાદ નોંધાવવા માટે જ્યારે લોકો ફલ્ડ કંટ્રોલરૂમ પર ફોન કરતા હતા ત્યારે અહીં કોઈ ફોન ઉપાડતું ન હોવાની વ્યાપક ફરિયાદો સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સુધી પહોંચી હતી. તેઓએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ફલ્ડ કંટ્રોલરૂમના કુલ 2 નંબર છે જે પૈકી મહાપાલિકા દ્વારા સત્તાવાર રીતે જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે લેન્ડલાઈન ફોન જ બંધ હોવાના કારણે સમસ્યા સર્જાઈ છે. બીએસએનએલની કોઈ ખામીના કારણે આ ફોન બંધ છે દરમિયાન તાત્કાલીક અસરથી ફલ્ડ કંટ્રોલરૂમના ફોન ચાલુ કરવા અધિકારીઓને સુચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.