Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પિહિન્દ વિધી કરાવી: ભાવીકો વિનાની 144મી રથયાત્રા પાંચ કલાકમાં 19 કિ.મી. સુધી ફરી

લાખો ભાવીકોએ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી કર્યા જગન્નાથજી, સુભદ્રા અને બલભદ્રજીના દર્શન: કોરોનાના કારણે પ્રસાદ વિતરણ પણ નહીં

અમદાવાદમાં કોરોનાકાળ દરમિયાન આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના હાજર રહ્યાં હતા. રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે હતા. રથની પાછળ પણ પોલીસ હતી. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા હતા.

ગૃહમંત્રી તકેદારીના ભાગરૂપે સતત રથયાત્રા સાથે રહ્યા

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તકેદારીના ભાગરૂપે સતત રથયાત્રામાં સાથે રહ્યા હતા. તેઓ પગપાળા પણ ચાલ્યા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના નિરીક્ષણ માટે તેઓએ જાતે જહેમત ઉઠાવી હતી.

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 2 વાગ્યા રહ્યો કર્ફ્યુ

રથયાત્રા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ, માધવપુરા, દાણીલીમડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ એમ આ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવાની હોય આ તમામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં રવિવારે રાતે 10 વાગ્યાથી સોમવારે બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લદાયો હતો.

Rathyatra 2

આ ચાર બ્રિજ રહ્યા બંધ

  • જમાલપુર બ્રિજ
  • એલિસબ્રિજ
  • નહેરુબ્રિજ
  • ગાંધીબ્રિજ

15 ડ્રોનથી રથયાત્રા પર રખાઈ ચાંપતી નજર
રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધિઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈ પણ જગ્યાએ પ્રસાદ વિતરણ કે સ્વાગત વિધિ માટે હોલ્ટ કરવામાં આવશે નહીં.

રથયાત્રાનો બંદોબસ્ત

  • DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
  • ACP-74
  • PI-230
  • PSI-607
  • પોલીસકર્મી -11800
  • SRP કંપની-34
  • CAPF કંપની-9
  • ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
  • BDDS ટીમ-13
  • QRT ટીમ-15

વિજયભાઈ રૂપાણીને સતત પાંચમી વાર પહિન્દવિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં  ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી  વિજય ભાઈએ દર વર્ષે  અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.