Abtak Media Google News

પેઇનકિલરના ઇન્જેક્સનની આડ અસરો થઇ 

શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરી એડીઆર કમિટીને સોંપાયો 

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે એવું લાગી રહ્યું છે કે જાણે સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી
રહ્યું છે.

ગઈ કાલે ઓપીડી બિલ્ડીંવમાં છઠ્ઠા માળે સર્જીકલ વૉર્ડમાં ૩૦ જેટલા દર્દીઓને પેનકીલરના એન્ટિબાયોટિકના ઇન્જેક્શન આપતા તેની આડઅસર થતા ભારે હોબાળો મચ્યો હતો. જેમાં એક માસૂમ ત્રણ વર્ષના બાળકને આંચકી ઉપડવા લાગી હતી. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા ઇન્જેક્શન અને બાટલાના જથ્થાને સિઝ કરી તેને એડીઆર કમિટીને સોંપવામાં આવ્યો છે. એક તરફ સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર ખાડે જતું દેખાઈ રહ્યું છે.

રવિવારે સવારે 30 દર્દીઓને ઇન્જેક્શન આપ્યાની થોડીજ મિનિટો બાદ 30 દર્દીને ઠંડી સાથે તાવ શરૂ થયો હતો, સાથે તેમનું ત્રણ વર્ષનું ધ્રુવ નામના બાળકને આંચકી ઉપડ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો.અંગેની જાણ થતાં તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સર્જરી વોર્ડમાં દર્દીઓની હાલત વધુ બગડે નહીં તે માટે સાઇડ ઇફેક્ટની દવારૂપ એન્ટિડોટ આપવામાં આવતા તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર આવી ગઇ હતી.

મળતી માહિતી મુજબ ધ્રુવ ટીંબડિયા નામના 3 વર્ષના બાળકને વધરાવળની તકલીફ હોય તેને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે ઇન્જેક્શન આપ્યા બાદ ધ્રુવને આંચકી શરૂ થઇ ગઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. બાળકની કથળતી હાલત જોઇ તેના પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા અને તબીબોની લાપરવાહી અંગે આક્ષેપ કર્યા હતા.

આ અંગે તબીબ અધિક્ષક ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સીરીંજ, ઇન્જેક્શન કે આઇ.વી.સેટને કારણે રિએક્શન આવ્યાની શંકા છે,દવાઓ વગેરે આપ્યા બાદ વોર્ડમાં રહેલા અંદાજે 30 જેટલા દર્દીઓને સામાન્ય રાયગર એટલે કે ઠંડી આવવાની ફરિયાદ ઉપસ્થિત થતા ફરજ પરના ઉપસ્થિત નર્સિંગ કર્મચારી અને તબીબોએ તુરંત જ એન્ટીડોટ આપતા તબિયત સુધરી છે

.સાથે હાલમાં એ તમામ શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરાયો છે,અને મેડિકલ કોલેજની એડીઆર કમિટીને તપાસ સોંપવામાં આવી છે, કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

આ ઘટના વિષે દર્દીના સંબંધીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, સાઇડ ઇફેક્ટ અંગે અનેક વખત આ અંગે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને રજૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં કોઇએ ધ્યાન આપ્યું નહોતું અને લાંબો સમય વિત્યા બાદ ગંભીરતાનું ભાન થતાં તમામ સ્ટાફ દર્દીઓ પાસે પહોંચ્યો હતો અને રિએક્શન કાબૂમાં લેવાની દવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.