Abtak Media Google News

ગઢડા, માંગરોળમાં ૭ ઈંચ, માળિયા હાટીના, સુત્રાપાડામાં ૫ ઈંચ, વેરાવળ, વઢવાણ, હળવદ અને ગીરગઢડામાં ૪ ઈંચ, મુળી, તાલાલામાં ૩॥ઈંચ, વિસાવદર, કેશોદ અને ઉનામાં ૩ ઈંચ વરસાદ

એક પખવાડિયાના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાએ ફરી મહેર ઉતારી છે. મોલાતને ખરી જરૂરીયાતના સમયે જ વરસાદ પડતા જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. લો-પ્રેસર અને અપર-એર સાયકલોનીક સરકયુલેશનની સીસ્ટમો પાકિસ્તાન તરફ ફંટાઈ જતા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના ખુબજ નહીંવત છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાંટુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા અને જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં ૭ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

સ્ટેટ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૯૮ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૧૬૯ મીમી પડયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧૬૪ મીમી, માળિયામાં ૧૩૪ મીમી, માણાવદરમાં ૬૨ મીમી, વંથલીમાં ૬૨ મીમી, જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૪૪ મીમી, મેંદરડામાં ૪૧ મીમી, ભેંસાણમાં ૨૮ મીમી વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં ૧૨૩ મીમી, વેરાવળમાં ૧૦૧ મીમી, ગીરગઢડામાં ૯૦ મીમી, તાલાલામાં ૮૩ મીમી, ઉનામાં ૬૫ મીમી, કોડીનારમાં ૬૪ મીમી વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ૯૫ મીમી, મુળીમાં ૮૭ મીમી, લખતરમાં ૫૩ મીમી, ચોટીલામાં ૪૮ મીમી, દસાડામાં ૩૯ મીમી, ધ્રાંગધ્રામાં ૧૭ મીમી, સાયલામાં ૧૫ મીમી, મોરબી જિલ્લાના હળવદમાં ૯૦ મીમી, ટંકારામાં ૩૬ મીમી, ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ૪૮ મીમી, ઉમરાળામાં ૪૭ મીમી, રાજકોટ જિલ્લાના જસદણમાં ૪૧ મીમી, ગોંડલમાં ૨૯ મીમી, જેતપુરમાં ૨૨ મીમી, જામકંડોરણમાં ૧૮ મીમી, કોટડા સાંગાણીમાં ૧૮ મીમી, ધોરાજીમાં ૧૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૫ મીમી, લોધીકામાં અને ઉપલેટામાં ૧૨ મીમી, વિંછીયામાં ૧૧ મીમી અને પડધરીમાં ૧૦ મીમી વરસાદ પડયો છે.

અમરેલી જિલ્લાના બાબરામાં ૩૬ મીમી, લાઠીમાં ૩૫ મીમી, લીલીયામાં ૩૫ મીમી, ધારીમાં ૨૮ મીમી, બગસરામાં ૨૨ મીમી, જાફરાબાદમાં ૨૧ મીમી, સાવરકુંડલામાં ૨૧ મીમી, અમરેલી શહેરમાં ૨૦ મીમી, રાજુલામાં ૧૫ મીમી, વડિયામાં ૧૪ મીમી વરસાદ પડયો છે. જયારે પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં ૪૨ મીમી, પોરબંદર શહેરમાં ૨૦ મીમી અને રાણાવાવમાં ૧૮ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં એક પખવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાએ મેઘમહેર ઉતારતા ફરી જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. જો કે ભારે વરસાદ આપે તેવી તમામ સીસ્ટમો પાકિસ્તાન તરફ ફંટાઈ જતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની સંભાવના ખુબજ નહીંવત છે. આજે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત રાજયભરમાં સોમવારે શ્રાવણના અંતિમ દિવસે મેઘરાજાએ જલાભિષેક કર્યો હતો. આજે સવારથી સર્વત્ર વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં સવારે ઝરમર વરસાદ વરસતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.