Abtak Media Google News

લીલા દુકાળના ઓછાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 તાલુકાઓમાં મેઘમહેર: સુરતના મહુવામાં 12 તો નવસારીમાં 11 ઈંચ વરસાદ: બંગાળની ખાડીમાં બનેલુ લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધતા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 75.63 ટકા વરસાદ વરસી ગયો છે. હજુ તો ચોમાસાને બે મહિનાનો સમય બાકી હોય ત્યાં તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જરૂર કરતા વધુ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર-સોમનાથમાં લીલા દુકાળના ઓછાયા તળે આજથી ફરી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો જળબંબાકારની સ્થિત જોવા મળી છે. જૂનાગઢમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરશ્યો છે અને હવે ફરી જો સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તો હવે લીલો દુકાળ સર્જાવાની ભીતિ છે.

અત્યાર સુધીમાં કચ્છમાં 134 ટકા, નોર્થ ગુજરાતમાં 62.29 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.35 ટકા, સૌરાષ્ટ્રમાં 108 ટકા જયારે દક્ષિણ ગુજરાતમાં 6 ટકા વરસાદ વરસ્યો છે.જુનાગઢ અને નવસારી સહિત રાજ્યમાં ત્રીજા રાઉન્ડ બાદ ફરી એકવાર મેઘરાજા ગુજરાતના કેટલાક વિસ્તારોને ઘમરોળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં બનેવું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જ જલદી વરસાદ ધબધબાટી બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારીમાં ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાત્રે 4 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે નવસારીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

સુરતના મહુવામાં પણ 12 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકારની પરિસ્થતિ સર્જાઈ છે.નવસારીમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. મોડી રાતથી બે વાગ્યા સુધીના ચાર કલાકમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના શાંતાદેવી રોડ પર કેડ સમા પાણી થતા લોકોના દુકાનોમાં વરસાદીપુરના પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટા નુકસાનની સંભાવના જોવાઈ રહી છે. બીજી તરફ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરવા માંડ્યું હતુ. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે જિલ્લા તંત્ર સાબદુ થયું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલા મુશળાધાર વરસાદે ફરી નવસારીને જળબંબાકાર કર્યું છે. નવસારીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનું કારણ ડ્રેનેજ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરના મધ્ય એવા સેન્ટ્રલ બેન્ક વિસ્તારના દુકાનદારોની રાત વરસાદે બગાડી છે. કારણ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં કેડ સમા પાણી થઈ જતા દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, તેના કારણે દુકાનદારોને નુકસાની વેઠવા પડી છે. ગત શનિવારે સવારે 10 થી 12 માં 9.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ દુકાનદારોને નુકસાન થયું હતુ. ત્યારબાદ પાલિકામાં ડ્રેનેજની સ્થિતિ સુધારવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતા આજે ફરી વરસાદી આફતમાં દુકાનદારોની મુશ્કેલી વધી છે.

ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

28 જુલાઈ: વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

29 જુલાઈ : સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

મહુવા12 ઈંચ
નવસારી11 ઈંચ
ડાંગ8 ઈંચ
બારડોલી8 ઈંચ
જલાલપોર8 ઈંચ
કપરાડા7 ઈંચ
સોનગઢ7 ઈંચ
ઉમરગામ7 ઈંચ
આહવા6 ઈંચ
વધાઈ6 ઈંચ
વાલોડ5 ઈંચ
ભાવનગર4 ઈંચ
વ્યારા4 ઈંચ
વાપી4 ઈંચ
માંડવી4 ઈંચ
ગણદેવી4 ઈંચ
વલસાડ3 ઈંચ
ચિખલી3 ઈંચ
ઉંમરપાડા3 ઈંચ
પારડી3 ઈંચ
સુરત2 ઈંચ

જુલાઈ મહીનાએ ક્યાંક ગરમીના તો ક્યાંક વરસાદના રેકોર્ડ તોડ્યા

Screenshot 3 49

ભૂસ્ખલન અને પુર સહિતની અનેક દુર્ઘટનાઓ પણ સૌથી વધુ નોંધાઈ

જુલાઈ મહિનો વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કરવામાં આવ્યો છે.  અત્યાર સુધી 2019નો જુલાઈ સૌથી ગરમ મહિનો હતો, પરંતુ આ વર્ષે જુલાઈનું સરેરાશ તાપમાન 2019ની સરખામણીમાં 0.2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. હવામાનશાસ્ત્રીઓના મતે આવા હીટ વેવ માટે માનવીય પ્રવૃત્તિઓ સીધી રીતે જવાબદાર હોય છે.  આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.

ગુરુવારે આની જાહેરાત કરતા વિશ્વ હવામાન સંસ્થાએ કહ્યું કે આ જુલાઈના છેલ્લા ત્રણ સપ્તાહ અત્યાર સુધીના સૌથી ગરમ રહ્યા છે.  તેથી જ જાહેરાત કરવા માટે મહિનો પૂરો થવાની જરૂર નથી.  બીજી તરફ, જર્મનીની લેઈપઝિગ યુનિવર્સિટીના વિશ્લેષણમાં જુલાઈ મહિનાને આ વર્ષનો સૌથી ગરમ મહિનો ગણાવ્યો છે.  આનું કારણ એ છે કે વર્તમાન સરેરાશ તાપમાન કોલસા, તેલ અને ગેસને બાળવાથી અને અન્ય પ્રદૂષિત માનવ પ્રવૃત્તિઓને કારણે સર્જાયેલી પરિસ્થિતિ કરતાં લગભગ દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

વરસાદની તીવ્રતા અને હીટવેવની આવર્તનમાં વધારો એ સમુદ્ર અને સપાટીના તાપમાનમાં વધારાની સીધી અસર છે.  આબોહવા પરિવર્તનના કારણે ગરમી વધવાને કારણે ભારતમાં ચોમાસું ઘાતક આપત્તિ બની ગયું છે અને વરસાદની પેટર્નમાં ફેરફારને કારણે અચાનક પૂરનું જોખમ પણ વધી ગયું છે. પરિણામે અનેક સ્થળોએ ભૂસ્ખલન અને પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.વધુ ગરમીને કારણે વાતાવરણમાં વધુ ભેજ ભરાય છે.  આ અણધારી હવામાન ઘટનાઓ તરફ દોરી જાય છે, જેમ કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં બન્યું છે.  વધતી જતી ગરમીને કારણે ચોમાસાની પરિવર્તનશીલતા તો વધી જ છે પરંતુ વરસાદ અંગે સચોટ આગાહી કરવી પણ પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.