Abtak Media Google News

લાભની વાત આવતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો ભાઈ-ભાઈ: વેતન અને વિવિધ ભથ્થા વધારાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર

પ્રજાના પ્રશ્ને જાણે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તે રીતે બાખડતા ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો પોતાના લાભની વાત આવતા ભાઈ-ભાઈ બની ગયા હોય તેવો માહોલ આજે મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં જોવા મળ્યો હતો. વેતન અને વિવિધ ભથ્થામાં વધારા કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

જનરલ બોર્ડમાં આજે મેયર બીનાબેન આચાર્યએ સભાસ્થાનેથી ૪ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરી હતી જેમાં કોર્પોરેટરોના માનદ વેતન અને વિવિધ ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત રજુ કરાઈ હતી. કોર્પોરેટરોને માસિક ૫ થી ૬ હજાર રૂ. પગાર આપવામાં આવે છે જે જેમાં માસિક માનદ વેતન રૂ.૧૨, મીટીંગ દીઠ ભથ્થુ રૂ.૫૦૦, માસિક ટેલિફોન ભથ્થુ રૂ.૧ હજાર અને માસિક સ્ટેશનરી ભથ્થુ રૂ.૧૫૦૦ એમ કુલ ૧૫,૦૦૦ રૂપીયા કરવાની દરખાસ્તને ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ સાથે મળીને મંજુર કરી દીધી હતી.

માત્ર નગરસેવકો જ નહીં પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૫ સભ્યોને પણ આ પગાર વધારાનો લાભ મળશે. આગામી માસથી પગાર વધારો તો મળશે જ સાથો સાથ છ માસનું એરીયર્સ પણ મળશે જેનાથી મહાપાલિકાની તિજોરી પર વાર્ષિક ૭૦ થી ૭૫ લાખ રૂપીયાનો બોજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.