Abtak Media Google News

સ્વમાન ખાતર કવાર્ટર ખાલી કરવાનું ટાળી જયદેવે સર્વિસ રિવોલ્વર લોડ રાખવા સહિતની સાવચેતી સાથે રહેવાનો મકકમ નિર્ણય કર્યો

ઓર્ડરલી મામદને એ વાતની ચિંતા અને બહુજ દુ:ખ લાગ્યું કે ના પાડવા છતા જમાદાર પાટીલે ફોજદાર જયદેવને ફોજદારી કવાર્ટરની અગાઉની વાતો કરી દીધી, કેમકે તેને ચિંતા હતી કે ચૌધરી જેવા અનુભવી અને પીઢ ફોજદાર પણ ડરી ગયેલા તો આ જયદેવ તો નવા અને સાવ નાની ઉંમરનાં ફોજદાર છે. જો કવાર્ટરમાં કાંઈક થશે અથવા ડરી જશે તો તે પણ લોધીકાથી ચાલી જશે તેથી હવે મામદ જયદેવને સા‚ લગાડવા સતત પ્રયત્ન કરતો સારી સારી વાતો કરતો સતત સેવામાં હાજર રહેતો અને હવે તો તે પોલીસ સ્ટેશને પણ જયદેવ સાથે જ હાજર રહેવા લાગ્યો. એક દિવસ રાયટર મહેન્દ્રસિંહે જયદેવને કહ્યું કે મામદ કહેતો હતો જમાદાર પાટીલે ફોજદારી કવાર્ટર વાળી રાવ સાહેબ અને ચૌધરી સાહેબ વાળી વાતો તમને કરી દીધી એ વાત સાચી? જયદેવે હા પાડી એટલે મહેન્દ્રસિંહ જયદેવ સામે તાકી રહ્યો અને જયદેવના હાવભાવનું નિરીક્ષણ કરતો હોય તેવું લાગ્યું. ફરીથી પૂછયું કેટલા દિવસ પહેલા વાત કરી? જયદેવે કહ્યું કે દસ પંદર દિવસ પહેલા કરેલી પરંતુ પાટીલે સામેથી વાત નથી કરી મેં તેની પાસેથી પરાણે વાત કઢાવેલ છે. મહેન્દ્રસિંહે કહ્યું આવું તમે માનો છો? જયદેવે કહ્યું હજુ સુધી કયારેય આવું જોયું નથી પરંતુ આ રાવ સાહેબ અને ચૌધરી સાહેબની વાતો અતિ ગંભીર લાગે છે. અને વલીચાચા જેવા પીઢ અને નિવૃત અધિકારીએ જે મને અરધી પરધી વાતો કરેલી તે પણ હવે પ્રાસ મળતો હોય તેમ શંકા અને ડર ઉત્પન્ન કરતી જણાય છે. પરંતુ જુઓ તો ખરા પાટીલે વાત કર્યાને દસ પંદર દિવસ થઈ ગયા આપણને કાંઈ થયું? અને મહેન્દ્રસિંહને રાહત થઈ.

અગાઉ મામદે જયદેવને કવાર્ટરનાં બંને રૂમ વચ્ચેનો દરવાજો રાત્રે સુતી વખતે બંધ કરવાનું કહેલ જેથી જયદેવ તે દરવાજા બંધ જ રાખતો પરંતુ અરધી રાત્રે તરસ લાગે ત્યારે પાણી પીવા માટે તે દરવાજો ખોલીને રૂમમાં જતો અને બાથરૂમ જવું હોય તો આ વચલો દરવાજો ખોલી રૂમમાં થઈ પાછળ ફળીયાનો દરવાજો ખોલીને બાથરૂમમા જતો.

આમને આમ ફરી દસ પંદર દિવસ પસાર થઈ ગયા એક રાત્રીનાં જયદેવને તરસ લાગી એટલે ઉઠીને વચલા રૂમનો દરવાજો ખોલી તેમાં જઈને પાણી પીવા લાગ્યો પરંતુ સાથે એ પણ અનુભવ કર્યો કે રૂમમાં અદભૂત અલૌકીક ધુપની મીઠી આહલાદક અને નશો ચડે તેવી ધી..મી…ધીમી સુગંધ આવતી હતી. જયદેવે પાણી પી લીધું અને પાછળ બારીમાંથી જોયું તો બહાર તો ઉજજડ વેરાન ખેતર પડેલુ હતુ અને દૂર જમણી બાજુ ગામના પાદરમાં ઈલેકટ્રીક થાંભલાનો લેમ્પ ટમટમતો હતો. જયદેવને થયું કે દિવસના સમયે મામદે કાંઈક ‘બાદ’ નિવારણ માટે ધૂપ કયો હશે કેમકે તે બહુ ચિંતા કરતો હતો જયદેવ વચલો રૂમ બંધ કરી ફરી પથારીમાં સુઈ ગયો.

સવારે રાબેતા મુજબ મામદ આવી ગયો હોટલમાંથી ચા લઈ આવ્યો ચા પીને જયદેવે મામદને પૂછયું તમે મકાનમાં કાંઈ વિધિ ધૂપ બુપ ટુચકા કરતા નથીને? મામદ કહે ના સાહેબ અલ્લા તાલા ખ્યાલ રાખે મને તેવી કોઈ ખબર જ પડતી નથી અને જયદેવ આ વાત ભૂલી ગયો.

બે ચાર દિવસ પછી અરધી રાત્રે ફરીથી જયદેવ પાણી પીવા વચલા રૂમમાં દરવાજો ખોલી ને ગયો અને સીધી જ પેલી અલૌકિક સુગંધ આખા રૂમને સુગંધથી તરબોળ કરતી અને ખૂબજ પ્રમાણમાં આવતી હતી જયદેવે પાણી પીધું અને બારીમાંથી જોયું કે બારીમાંથી તો કોઈ ધુપ કે સુગંધને રૂમમાં દાખલ કરતા નથી ને? જેથી તે ખાત્રી કરવા બારી પાસે ગયો તો બારી પાસે કોઈ જ સુગંધ આવતી ન હતી બારી બહાર એજ ઉજજડ ખેતર દૂર ઈલેકટ્રીકનો થાંભલો અને લેમ્પ અને થોડી જગ્યામાં અજવાળુ જોયું. જયદેવે આજુબાજુમાંથી કાંઈક હશે તેમ માની વચલો રૂમ બંધ કરી ફરીથી સુઈ ગયો

સવારે રાબેતા મુજબની દીનચર્યા પુરી કરી પણ જયદેવને હવે રાત્રીની સુગંધ મગજમાંથી જતી નહોતી તેથી તેનો ઉકેલ શોધવો હતો ફોજદારી કવાર્ટરમાં વચલા ‚મ પછી લાંબુ મોટુ ફળીયું અને તે પછી પોલીસ લાઈન ચાલુ થતી હતી પોલીસ લાઈનના છેડે પોલીસ સ્ટેશન અને તે પછી લોધીકાનો મુખ્ય રસ્તો અને ચોક તથા બસ સ્ટેન્ડ આવેલ હતા એટલે કે ફોજદારી કવાર્ટરનાં દરવાજાથી ઉભા ઉભા પોલીસ લાઈનના જે છ સાત કવાર્ટર હતા તેની ઓસરી, પોલીસ સ્ટેશનની ઓસરી તથા રોડ અને તે પછી આખુ બસ સ્ટેન્ડ જોઈ શકાતું હતુ ફોજદારી કવાર્ટરનાં ફળીયા પછી લાઈનમાં પહેલુ મકાન પ્રવિણદાન ગઢવીનું આવેલ હતુ આ પ્રવિણદાન અતિ નમ્ર વિવેકી અને માતાજીનો ચાહક ભકત હતો જયદેવને મનમાં ચમકારો થયો હં માતાજીનો ભકત રાત્રે ધુપ કરતો હશે તેથી તુરત પ્રવિણ દાનને બોલાવ્યો અને તેને એકલાને જ ખાનગીમાં પૂછયું કે ઘરમાં ધુપ કરો છો? પ્રવિણદાને કહ્યું ધૂપતો નવરાત્રીમા કરીએ અત્યારે તો માતાજીને દિવા જ કરી એ છીએ ચતુર ગઢવી સમજી ગયો અને પોતાની શંકાનું નિવારણ કરવા જયદેવને બીજી રીતે પુછયું, સાહેબ ધુપની જરૂર છે? જયદેવ ને આ પ્રશ્ર્નની અપેક્ષા નહતી તાત્કાલીક શું જવાબ દેવો તે નકકી કરી શકયો નહિ. એટલે સાચી વાત કરી દીધી કે આતો રાત્રે ધુપની સુગંધ આવી હતી એટલે પુછયું તેથી ગઢવીએ કહ્યું સાહેબ ધૂપ હોય તો સંધ્યાટાણે હોય અરધી રાત્રે ન હોય અને માનો કે કદાચ હોય તો પણ હું નથી માનતો કે આવડુ મોટુ ફળીયું પસાર કર્યા પછી તમારા રૂમ સુધી હવામાં ધૂપની સુગંધ રહે હવે સુગંધ આવે તો મા‚ ઘર કયાં દૂર છે? મને જગાડ જો આપણે બંને તે કયાંથી આવે છે. તે શોધી કાઢીશું જયદેવ કહે ભલે પણ આ બાબતની કયાંય ચર્ચા કરતા નહિ.

પરંતુ તે પછી જયદેવ રાત્રીના બાજુના રૂમમાં પાણી પીવા જતો ત્યારે જે સુગંધ આવતી હતી તે બંધ થઈ ગઈ. જયદેવને બંદોબસ્ત માટે બે દિવસ બહાર ગામ જવાનું થયું બંદોબસ્ત પૂરો થતા મોડી સાંજે રીબડા પહોચ્યો એટલે હાઈવેની હોટલ ઉપર જમ્યો અને જમીને લોધીકા આવ્યો ત્યાં રાત્રીનાં મોડુ થઈ ગયું હતુ જેથી કવાર્ટર ઉપર આવીને થાકયો પાકયો સીધો સુઈ ગયો અરધી રાત્રે જયદેવ બાજુના રૂમમાં પાણી પીવા ગયો પાણી પીતા પીતા તેની નજર બારીમાં ગઈ અને બારીમાંથી અદભૂત દ્રશ્યનો નજારો જોયો જયદેવ કાંઈ બીજુ વિચારી જ ન શકયો તે આ અદ્ભૂત દ્રશ્યને જોવા જ લાગ્યો સમગ્ર બારી જાણે ચલચિત્રનો પડદો હોય તેમ તેમાં દૂર ઈલેકટ્રીકનો થાંભલો તો ખરો જ પરંતુ બાજુમાં નયન રમ્ય વૃક્ષ, વૃક્ષ નીચે સુંદર રમતા પક્ષીઓ, પાસેથી પાણીનું એક સુંદર ઝરણું પસાર થતું હતુ આજુબાજુમાં બીજા જુદા જુદા રંગબેરંગી ફૂલો વાળા છોડવા હતા અને તેની ઉપર પતંગીયા અને ભમરા પણ ઉડતા હતા. જયદેવે અચંબો પામીને લગભગ પાંચેક મીનીટ આ અદભૂત દ્રશ્ય રસપૂર્વક નીહાળ્યું. પછી તેને વાસ્તવિકતાનો એટલે કે લોધીકાના તે ઉજજડ ખેતર અને કવાર્ટરની યાદ આવતા જ તેણેનજર પોતાના શરીર ઉપર ફેરવી પોતે પૂરો જાગૃત છે કે કેમ? તે ખાત્રી કરવા જાતે જ ચીંટયો ભર્યો તો જાગૃત જ હતો અને પેલુ અદ્ભૂત દ્રશ્ય તો તેવું જ સુંદર વૃક્ષો, ફૂલવાળા છોડ, પક્ષીઓ અને ઝરણુ જાણે કાશ્મીર હોય તેમ જોઈ લ્યો. તેથી જયદેવ તે રૂમમાંથી નીકળી તે રૂમનો દરવાજો બંધ કરી પથારી વાળા રૂમમાં આવી પથારી ઉપર લંબાવી દીધું.

થોડીવાર જયદેવે પથારીમાં પડખા ફેરવ્યા નિંદર આવી નહિ પરંતુ બંદોબસ્ત કરીને થાકેલો હોય ફરીથી સૂઈ ગયો સવારે નિયત સમયે ઉઠી ગયો અને ઉઠીને પહેલુ કામ બાજુના ‚મનો દરવાજો ખોલી તેમાં જઈ બારીમાંથી જોયું તો તે જ ઉજજડ ખેતર, દૂર ધૂળીયો રસ્તો રસ્તાના સામા કિનારે ઈલેકટ્રીકનો થાંભલો અને થોરની વાડ ઉભી હતી જયદેવે તર્ક કર્યો કે રાત્રીનાં તંદ્રાઅવસ્થામાં આ થોરના ઝાડ સુંદર વૃક્ષ કલ્પી શકાય કે કેમ? પરંતુ તેનો કોઈ તાલ મેળ પડયો નહિ તેજ પ્રમાણે સુંદર રંગબેરંગી ફૂલોવાળા છોડ કલ્પી શકાય કે કેમ? તે પણ મેચ થતુ ન હતુ પરંતુ પક્ષીઓ પતંગીયા અને પાણીના ઝરણાની કલ્પના કોઈ હિસાબે તંદ્રા અવસ્થામાં હોય તો પણ મેળ પડતો ન હતો. વળી પોતાની જાતને ચોંટીયો ભરી ખાત્રી પણ કરેલ હતી બીજુ અગાઉ રાત્રીના નિયમીત રીતે પાણી પીવા આ રૂમમાં આવતો ત્યારે બારીમાંથી બહાર નજર નાખતો ત્યારે કોઈ દિવસ આવો અણસાર પણ આવેલ નહિ.

જયદેવે બચપણમાં પોતાના ગામમાં સંત દુ:ખીશ્યામ બાપુને ભૂત અને તેના ડર અંગે પ્રશ્ર્ન પુછેલ અને બાપુએ જવાબ આપેલ કે મનુષ્યને બે શરીર હોય છે. એક પંચમહાભૂતનું આ સ્થુળ શરીર અને બીજુ સુક્ષ્મ શરીર મન, બુધ્ધી અને અહંકાર (વાસના)નું બનેલુ હોય છે. પરંતુ ભૂત અને પ્રેત પાસે ફકત એક શરીર સુક્ષ્મ શરીર રૂપે એટલે કે મન બુધ્ધી અને અહંકાર (વાસના)નું જ હોય છે. સ્થુળ દેહ તેમને હોતો નથી તેથી ભૂત કે પ્રેત મનુષ્ય ને કાંઈ કરી શકે નહિ પરંતુ આભાસ પેદા કરી શકે છે જો વ્યકિત નબળા મનનો હોય તો ડરી જાય.

મનુષ્યના જીવન દરમ્યાન ના જેવા કર્મો અને કૃત્યો હોય તેવી તેના આત્માની ગતિ થાય છે. પાપી કર્મો નીચ કાર્યો અને શાસ્ત્ર નિશીધ્ધ (શાસ્ત્રમાં મનાઈ કરેલ) કર્મો કરે તો આવી ભૂત-પ્રેત પાપ યોનીમાં આત્માની ગતિ થાય. તેમાં પણ ઓછા વતા પ્રમાણમાં પાપ કર્મો હોય તો તેવા પ્રેતાત્મા જેવા કે પીચાસ ખવીસ, મામો, બાબરો, બોડીયો વિગેરે અને મહિલાઓમાં ડાકણ, પીચાસીની, ચુડેલ, ઝાપડી, શીકોતેર વિગેરે રૂપે આત્મા ગતિ કરે છે. અને પોતાના પાપ કર્મોના પરિણામ ભોગવે છે.

અને જો થોડા ઘણા સત્કર્મો કર્યા હોય તો પુન્ય કર્યા હોય તો ઈશ્ર્વર ફરી સદગતતિની તક આપી મનુષ્ય યોનીમાં જન્મ આપે છે.

જો કામનાઓ, ઈચ્છાઓ સાથે પૂન્ય કર્મો શાસ્ત્રવિહિત કર્મો, ધર્મકાર્યો કર્યા હોય તો દેવયોની મળે છે. પરંતુ પૂણ્ય પૂરા થતા ફરી દેવયોનીમાંથી મનુષ્ય યોનીમાં આવવું જ પડે છે. મનુષ્ય યોની જ સારા કે ખરાબ કર્મો કરવા એટલે કે પાપ કે પુન્ય કમાવવાની યોની છે.

આ જન્મમરણ રૂપી ચક્રમાંથી કોઈ એ છૂટયું હોય તો એટલે કે મોક્ષ મેળવવો હોય તો મનુષ્યે જીવન દરમ્યાન ‘કર્મયોગ’ એટલે કે શાસ્ત્રોમાં કરવા ના કહેલ વિહિત કર્મો નીત્યકર્મો ઈચ્છા અને કામના વગર, પરોપકાર સેવા રૂપે ઈશ્ર્વર અર્પણ કરી દેવામાં આવે તો આત્માની ગતિ ઈશ્ર્વર તરફ એટલે કે મોક્ષ તરફ થાય છે. આવુ જ્ઞાન મળેલું.

ફોજદાર જયદેવે આ જ્ઞાન રૂપી સમીકરણ આ પોતે કવાર્ટરમા જોયેલ અદભૂત નજારામાં લાગુ કરવા કોશિષ કરી તો એટલું નકકી થયું કે સુગંધ અને દ્રશ્ય સાચા ન પણ હોય તો અનુભવ તો હતો જ અને આભાસ તો હતા. અને તે આભાસ પણ કોઈ પ્રેતાત્મા કે બાદ કે કારણ ને હિસાબે જ થયો હોય. જયદેવ મનમાં ડર્યો પણ સાથે સાથે પોતાને ગૌરવ પણ થયું કે આ કારણ કે બાદ કે જે કાંઈ હોય પોતાને કાંઈ કરી શકતુ નથી. અને તેથી જયદેવનો આત્મ વિશ્ર્વાસ પણ મજબૂત થયો પણ મનમાં સંશયતો રહ્યો જ.

લોધીકામાં એક નિવૃત મોટી ઉંમરનાં ડોકટર રજબઅલી સાયાણી કે જેઓ મુંબઈની એલ.એમ.પી.ની ડીગ્રી ધરાવતા હતા અને મેડીકલ પ્રેકટીસ પણ કરતા હતા. પોતે એકલા જ લોધીકામાં રહેતા ઘર અને દવાખાનું બજારમાં સાથે જ હતા. જયદેવ અને ડો. સાયાણીને મનમેળ સારો હતો તેથી કયારેક જયદેવ ડો. સાયાણી પાસે જઈ ને બેસતો અને ડો. સાયાણી પણ સાંજના સમયે પોલીસ સ્ટેશને આવતા અને બંને રોડ ઉપર ચાલવા સાથે જતા.

એક દિવસ સાંજના ચાલતા ચાલતા જયદેવે ડોકટરને ફોજદારી કવાર્ટરની કાંઈ વાતો સાંભળેલી કે કેમ? તેમ પૂછતા ડોકટર હસીને બોલ્યા આટલા મહિને તમને ખબર પડી? જયદેવે પૂછયું સાચુ શું? ડોકટરે કહ્યું દરેકને મોઢે જુદી જુદી વાતો છે. જેને અનુભવ થયા તે કડવા જ અને ખતરનાક અનુભવ જ થયા છે. સામેથી જયદેવને પૂછયું તમને કાંઈ અનુભવ થયો ખરો? એટલે જયદેવે પોતાને થયેલ સુગંધના અનુભવ અને જોયેલ અદ્ભૂત નજારાની વાત કરી આ સાંભળીને ડોકટર સાયાણી ખુશ થઈ ગયા અને બોલ્યા તમે યાર લકકી છો બીજાને ખરાબ અનુભવો થયા તમને તો અલૌક સુગંધ આપીને કાશ્મીરનો પ્રવાસ કરાવી દીધો કોઈ ‘પાક’ જીન કે વસ્તુ લાગે છે. અને ‘પાક’ ચીજ કોઈની ઉપર રીઝી જાય તો મલામલ કરી દે! અને વધુમાં કહ્યું સાહેબ તમે ડરતા નહિ તમારી ઉપર આ ‘પાક’ વસ્તુ કુરબાન છે. જયદેવને આ વાત સાંભળી વધુ ડર લાગ્યો કેમકે ગમે તેમ તોય તે પ્રેત યોનીતો હતી જ. પ્રેત સાથે દોસ્તી કે પ્રેમ કરાય? જયદેવ હવે જ ખૂબ મુંજાયો પરંતુ હવે કવાર્ટર ખાલી કરે તો કાયદેસર નકકી થઈ જાય કે તે ડરી ગયો હવે તો ડર લાગે તો પણ સ્વમાન ખાતર પણ મકાન બદલી શકાય તેમ નહતું.

જેથી હવેથી જયદેવે રાત્રે સુતા પહેલા જ પીવાનું પાણી વચલા ‚મમાંથી પોતાના ‚મમાં જ લઈ લેતો. અને વચલા ‚મને સાંકળ મારી દરવાજો બંધ કરી દેતો. રાત્રે પેશાબ પાણી જવા માટે ઓસરીનો દરવાજો ખોલી ઘર બહાર ખૂલ્લામા જઈ આવતો. અને રાત્રે વચલા રૂમમાં કોઈ પણ સંજોગોમાં જવાનું બંધ કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.