Abtak Media Google News

૨૦ થી ૨૫ એકમોમાં પ્રેશર ડ્રોપથી કરોડોની નુકશાની: અન્ય ગેસ કંપનીનો વિકલ્પ મળે તેવી માંગ પ્રબળ

એક જ ગેસ કંપનીની મોનોપોલી શા માટે?

મોરબીના ૧૦૦૦ જેટલા સિરામિક એકમોને ગુજરાત ગેસ કંપની ગેસ સપ્લાય કરે છે જોકે એક જ કંપની હોવાથી મોનોપોલીની સ્થિતિમાં સિરામિક ઉદ્યોગને સહન કરવાનો વારો આવે છે જેથી અન્ય ગેસ કંપનીઓના વિકલ્પ ઉદ્યોગને મળે તેવી માંગ સતત કરવામાં આવી રહી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે કારણકે કોલગેસ પ્રતિબંધનો ફટકો સહન કર્યા બાદ સિરામિક એકમો નેચરલ ગેસ તરફ વળ્યા છે જોકે ગત રાત્રીના પીપળી રોડ પરના યુનિટોમાં પ્રેશર ડ્રોપની સમસ્યા સર્જાઈ હતી જેથી સિરામિક યુનિટોને કરોડોની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સિરામિક એકમોમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધનો ચુકાદો ફરમાવી દેતા સિરામિક એસોએ પણ કોલગેસ પ્રતિબંધની અમલવારીમાં સહકારની પ્રતિબદ્ધતા દાખવીને તમામ સિરામિક એકમોએ કોલગેસ વાપરવાનું બંધ કર્યું છે અને જીપીસીબી ટીમે કરેલા ચેકિંગમાં પણ તમામ કોલગેસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું કોલગેસ પ્રતિબંધ બાદ સિરામિક એકમો ફરજીયાતપણે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસ તરફ વળ્યા હતા પરંતુ સિરામિક એકમની બદકિસ્મતી કે ગેસનો વપરાશ તાત્કાલિક ધોરણે વધી જતા ગઈકાલે રાત્રીના પીપળી રોડ પર એક બે નહિ પરંતુ ૨૦ થી ૨૫ એકમોમાં પ્રેશર ડ્રોપ થયું હતું જેથી સિરામિક એકમોની કિલનમાંથી તૈયાર થતો ટાઈલ્સનો માલ ખરાબ થયો હતો અને દરેક સિરામિક એકમોને લાખોના નુકશાની સાથે કુલ કરોડોની નુકશાની એક જ રાત્રીના સહન કરવી પડી હતી અને વગર વાંકે કરોડાેની નુકશાની સહન કરવાનો વારો આવતા સિરામિક એકમોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પ્રેશર ડ્રોપની સમસ્યા જો આગામી દિવસોમાં પણ રહે તો વધુ એકમોને નુકશાની સહન કરવી પડે તેમ છે પ્રેશર ડ્રોપની સમસ્યા અંગે મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાનો સંપર્ક કરતા તેને વાતનો સ્વીકાર કરીને નુકશાની થઇ હોવાનો એકરાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.