Abtak Media Google News

મહામારી વચ્ચે ખુદ કેબિનેટ મંત્રીએ નિયમોનો ઉલાળીયા કર્યો : તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તેના ઉપર મોટો પ્રશ્ન

સામાન્ય માણસને લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ લોકો એકત્ર કરવાની છૂટ, મંત્રીએ તો અંદાજે ૧૦૦ લોકોની સભા સંબોધી નાખી!!

હાલ વૈશ્વિક મહામારીથી લોકો બચે તે માટે સરકાર દ્વારા ખાસ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને તેની અમલવારી કરાવવામાં આવી રહીં છે. ત્યારે આ જાહેરનામાના ઉલાળીયા સરકારમાં બેઠેલા મંત્રી જ બેખૌફ રીતે કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મંત્રી કુંવરજી બાવળિયાએ એક નાના એવા હોલમાં અંદાજે ૧૦૦ લોકોની ભીડ એકત્ર થયેલી હોય ત્યાં માસ્ક વગર જ સભા સંબોધી નાખી હોવાનું જણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ બોટાદના ગઢડામાં આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નાના એવા હોલમાં અંદાજે ૧૦૦ લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. તમામ લોકો એકબીજાને અડી અડીને બેઠા હોય સોશિયલ ડિસ્ટન્સના નિયમના લિરે લિરા ઉડ્યા હતા.

વધુમાં આ બેઠકમાં કુંવરજી બાવળીયાએ માસ્ક તો બાંધ્યું હતું. પણ તેઓનું માસ્ક ગળે લટકતું હતું. આમ મંત્રીએ માસ્કના નિયમનો પણ ઉલાળીયો કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.  આ વીડિયો જોઈને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ પણ પ્રવર્તયો છે. કારણકે કોઈ સામાન્ય નાગરિકને ઘરે જો લગ્ન જેવો જીવનભરનો યાદગાર પ્રસંગ હોય તો પણ માંડ ૫૦ લોકો એકત્ર કરવાની છૂટ મળે છે. જ્યારે મંત્રીએ તો ૧૦૦ જેટલા લોકોની સભા સંબોધી નાખી છે.

સામાન્ય નાગરિકો જાહેરનામાનો ભંગ કરે તો તેની સામે દંડનો દંડો ઉગામવવામાં આવે છે. ત્યારે હવે મંત્રી કુંવરજી બાવળિયા સામે બોટાદ જિલ્લાનું તંત્ર પગલાં લેશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.