Abtak Media Google News

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં આર્થિક ફટકાનો સામનો કરનાર સેક્ટરને રૂ. ૧ લાખ કરોડનું પેકેજ આપવા કામકાજ શરૂ

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં તમામ ઉદ્યોગ-ધંધાને આર્થિક ફટકાનો સામનો કરવો પડ્યો છે. તબક્કાવાર તમામ ઉદ્યોગ-ધંધાને અનલોક સ્વરુપે છૂટછાટ આપવામાં આવી હતી જ્યારે પ્રવાસન, હોટેલ અને વિમાની ઉડ્ડયન ઉદ્યોગ પર આકરા નિયંત્રણો યથાવત છે. જેના કારણે આ ઉદ્યોગોને ખૂબ મોટા ફટકાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે માંદગીના બિછાને રહેલા આ ઉદ્યોગોને ફરીવાર બેઠું કરવા તૈયારી કરી રહી છે. આ ઉદ્યોગોને આર્થિક રાહત આપવા રૂ. ૧ લાખ કરોડનું પેકેજ આપવાની તૈયારી કરાઈ રહી છે.

Advertisement

કોરોનાની બીજી લહેરમાં દેશમાં ફરી એક વખત વ્યાપાર ઉદ્યોગને પડેલા ફટકા તથા આમ આદમીને જે આર્થિક સહીતના ફટકા પડયા છે તે સામે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક આર્થિક પેકેજની તૈયારી થઈ રહી છે અને જૂનના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરવામાં આવશે.

ખાસ કરીને આ પેકેજમાં કોરોના કાળમાં સૌથી વધુ માર સહન કરનાર અને હજુ પણ જેઓ બંધ કે લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રવાસન, હોટલ, ઉદ્યોગ, વિમાની પ્રવાસન ને અગ્રતા અપાશે તેની સાથે નાની અને મધ્યમ વર્ગની કંપનીઓ માટે પણ પેકેજ હશે. હોટલ, નાગરીક ઉડ્ડયન ટુરીઝમને ગત વર્ષે પ્રથમ પેકેજમાં કોઈ રાહત આપવામાં આવી ન હતી. કોરોનાની પ્રથમ લહેરથી જ આ ઉદ્યોગ ઉપરાંત મનોરંજન ઉદ્યોગને સતત લોકડાઉન જેવી હાલતથી મોટો ફટકો પડયો છે.

બીજી લહેરમાં ભારત કોરોના હોટસ્પોટ બની ગયું છે અને ગત વર્ષે પ્રથમ લહેરમાં અને ગત વર્ષે પ્રથમ લહેરમાં ૨ લાખથી નજીકના કેસ આવ્યા હતા જે બીજી લહેરમાં ૪ લાખથી વધુ નોંધાયા છે અને જે વ્યાપક લોકડાઉનની સ્થિતિ છે તેનાથી હવે દેશમાં જીડીપી લક્ષ્યાંક પણ ઘટાડવામાં આવી રહ્યો છે. મોદી સરકાર પાસે નવું રાહત પેકેજ આપવા પુરતી નાણાકીય જોગવાઈ છે.

હાલમાં જ રીઝર્વ બેન્ક પાસે રૂા.૧ લાખ કરોડ જેવું ડીવીડન્ડ આપ્યુ છે અને સરકાર આ પેકેજમાં કરરાહત આપશે જેથી સીધો લાભ મળશે. સરકાર ધિરાણ સામે ગેરેન્ટી વધારશે. કરવેરામાં રાહત આપશે જેથી માંગ વધે. જો કે નાણા મંત્રાલય તેના પર ખૂબ જ ચૂપકીદીથી કામ કરી રહ્યું છે

નાણાંમંત્રી નિર્મલા સીતારામન કરી રહ્યા છે મોનિટરિંગ

નાણાંમંત્રી નિર્મલા સીતારમન પોતે જ કોરોના સંક્રમણ દરમિયાન આ ઉદ્યોગોને જે ફટકો પડ્યો છે તે અંગે અભ્યાસ કરી રહ્યા છે. નિર્મલા સીતારામને એક મહિના અગાઉ પણ કહ્યું હતું કે, તેઓ અર્થતંત્રનું મોનિટરિંગ પોતે જ કરી રહ્યા છે. કોરોના સંક્રમણ દરમિયાન અર્થતંત્રની પરિસ્થિતિ કફોડી ન બને તે માટે તમામ ઉપાયો કરાઈ રહ્યા છે. તેવા સમયમાં સર્વિસ સેક્ટર પૈકી હોટેલ ઉદ્યોગ, વિમાની ઉડ્ડયન અને પ્રવાસન ઉદ્યોગને જે ફટકો પડયો છે તેની અસર ખૂબ લાંબા સમય સુધી રહે તેવી શક્યતાઓ છે ત્યારે આ ઉદ્યોગો હાલ મંદગીના બિછાને હોવાથી તેને ફરીવાર બેઠું કરવા રાહત પેકેજ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક લોકોની રોજગારી છીનવાઈ છે, અનેક લોકોની આજીવિકા પણ છીનવાઈ ગઈ હોય ત્યારે હવે આ ઉદ્યોગને રાહત પેકેજ આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરી દેવામાં આવે તેવી પણ શકયતા છે.

જીએસટી, ટેક્સ તેમજ અન્ય ખર્ચમાં રાહત અપાય તેવી પ્રબળ શક્યતાઓ!!

જે રીતે આ ઉદ્યોગો ખૂબ માઠી અસરનો સામનો કરી રહ્યા છે તેવા સમયે રૂ. ૧ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવું વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે, આ રાહત કંઈ રીતે આપવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ સંભવતઃ જીએસટી, વેરા અને અન્ય ખર્ચો જેવા કે, વીજ બીલ સહિતના ખર્ચમાં રાહત આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. હાલ ઉદ્યોગકારો સરકારનો સાથ ઝંખી રહ્યા છે તેવા સમયે સરકાર પડખે આવીને ફરીવાર આ ઉદ્યોગોને બેઠું કરવા રાહત પેકેજની જાહેરાત કરનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.