Abtak Media Google News

વિવાદ ન થાય એટલે હાઈ કમાન્ડે મુખ્યમંત્રીની ખુરશી માત્ર ટેમ્પરરી ભરી ?

પાટીલે જે સ્પર્શીયું તે સોનુ બન્યું, હવે કદ મુજબ હોદ્દો મળવાના દિવસો આવી ગયા

અબતક, રાજકોટ : જે સ્પર્શીયુ, તે સોનુ બન્યું… આ કોઈ ચમત્કાર નહિ, પણ કઠોર પરિશ્રમ અને પાર્ટી પ્રત્યેની વફાદારી સાથે દીર્ઘ દ્રષ્ટિથી શક્ય બનાવનાર પાટીલ ભાઉ હવે ગુજરાતના નાથ એટલે કે મુખ્યમંત્રીની ખુરશીએ બિરાજે તો નવાઈ નહિ. હાલ જે સોગઠા ગોઠવાયા છે તેમાં મુખ્યમંત્રીની ખુરશીમાં પાટીલ ભાઉના નામનું અત્યારથી જ લેબલ લાગી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ગુજરાતમાં ભાજપના રાજકારણમાં અત્યારે ત્રણ પાવરફુલ નેતા છે. રાજકારણનું નેતૃત્વ અત્યારે આ ત્રણેય નેતાઓ દ્વારા ચાલી રહ્યું છે. એક તો પાટીલ ભાઉ, બીજા ભુપેન્દ્ર પટેલ અને ત્રીજા આનંદીબેન પટેલ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ જ્યારે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી ત્યારે બેઠકમાં મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વિજય રૂપાણીની સરકારના સમગ્ર મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં ઘણા પ્રથમ વખતના ધારાસભ્યો હતા, જેઓ હવે સરકારમાં મંત્રી છે. નવા ચહેરાને મંત્રી પદો આપવા સૌ માટે અચરજ પમાડે તેવું હતું. જો કે મુખ્યમંત્રી પદની નિમણુંક માત્ર એક વર્ષના વચગાળાના સમય માટે જ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

વિવિધ રાજ્યોના ગવર્નર તરીકે નિયુક્ત થયા પછી, એવું લાગતું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં રાજકીય વિકાસને અનુસરવા માટે ઉત્સુક નથી.  જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી, આનંદીબેન જ્યારે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે તેઓ વારંવાર રાજકીય વ્યક્તિઓ સાથે મુલાકાત કરતા જોવા મળે છે.

સૌથી નોંધપાત્ર રીતે, તેમના આશ્રિત ભૂપેન્દ્ર પટેલ હવે રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે – તે સ્પષ્ટ સંકેત છે કે રાજ્યના રાજકારણમાં તેમનો દબદબો અકબંધ છે.  જ્યારે તેણીએ 2017ની ચૂંટણીમાં ઘાટલોડિયાની વિધાનસભા બેઠક ખાલી કરી ત્યારે તેણીએ આગ્રહ કર્યો હતો કે ભૂપેન્દ્ર પટેલને આ બેઠક પરથી પાર્ટીની ટિકિટ આપવામાં આવે. એટલે આનંદીબેન પટેલ હજુ પણ પાવરફુલ રાજકારણી તરીકે કાર્યરત જ છે.

જુલાઈ 2020માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણૂક થઈ ત્યારથી પાટીલે જે સ્પર્શ કર્યો તે બધું સોનામાં ફેરવાઈ ગયું છે.  કાર્યભાર સંભાળ્યાના બે મહિનાની અંદર, પાટીલની પ્રથમ કસોટી કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યોને ભાજપની ટિકિટ પર જીતાવવા માટે હતી.  જ્યારે પરિણામો આવ્યા ત્યારે ભાજપે તમામ આઠ બેઠકો જીતી લીધી હતી.

ત્યારબાદ, પાટીલના નેતૃત્વ હેઠળ ભાજપે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં – મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં શાનદાર પ્રદર્શન કર્યું.  છેલ્લા કેટલાક મહિનાઓમાં, પાર્ટીમાં પાટીલનો દબદબો ખૂબ જ વધી ગયો છે. કેટલાક તેમને સુપર-સીએમ તરીકે પણ ગણાવે છે. એટલે હવે આવનાર સમયમાં ભુપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ મળે તો નવાઈ પામવા જેવું નથી.

નવા સીએમની પસંદગીમાં વિજયભાઇ રૂપાણીનો રોલ અહમ હશે

મુખ્યમંત્રી પદની પસંદગીમાં સૌરાષ્ટ્રનું રાજકારણને ધ્યાને રાખવું ખૂબ જરૂરી છે. નહિતર પાર્ટીને ડેમેજ થાય તે સ્પષ્ટ છે. એટલે પાટીલ આગામી મુખ્યમંત્રી તરીકે આરૂઢ થવાના છે. ત્યારે તેમની પસંદગીમાં વિજયભાઈ રૂપાણીનો રોલ પણ અહમ હોવાનો જ છે. કારણકે તેમની પસંદગીના નિર્ણયનો ઘૂંટડો સૌરાષ્ટ્રના ગળે ઉતારવા માટે વિજયભાઈ રૂપાણી મહત્વનો ભાગ ભજવવાના છે. હાલ જે સોગઠા ગોઠવાયેલ છે તે મુજબ વિજયભાઈ ફરી પાવર ગેમમાં આવી શકે છે.

પાટીલ અત્યારથી જ પોલિટિકલ અને ફિઝિકલ બન્ને હેલ્થ બનાવી રહ્યા છે!!

સી.આર. પાટીલ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી છે. આટલી મોટી જવાબદારી સાંભળવા માટે ફિટ રહેવું પણ જરૂરી છે. માટે જ પાટીલે અત્યારથી જ ફિઝિકલી હેલ્થ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેથી તેઓ સારી રીતે પોતાનું ધ્યાન ગુજરાતના વિકાસ ઉપર કેન્દ્રિત કરી શકે. જો કે પાટીલે રાજકીય હેલ્થ બનાવવાનું તો પ્રદેશ પ્રમુખનો તાજ મળતા વેંત જ શરૂ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.