Abtak Media Google News
  • મોદી રાજકોટમાં સભા પણ સંબોધશે : રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગોઠવાતું આયોજન
  • અટલ સરોવરને પણ સભા સ્થળ તરીકે પસંદ કરવા અનેક સ્થાનિક આગેવાનોનો મત
  • કલેકટરે ફરી એઇમ્સની મુલાકાત લઈ કલેકટર ઓફિસે તાબડતોબ બેઠક બોલાવી

Rajkot News

વડાપ્રધાન મોદી આગામી 25મીએ રાજકોટ આવવાના છે. તેઓ દ્વારકાથી સીધા એઇમ્સ હોસ્પિટલ હેલિકોપ્ટર મારફત આવવાના છે. ત્યારબાદ તેઓ રેસકોર્ષ ખાતે સભા સંબોધવાના છે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.24 અને 25ના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. જેમાં તેઓ દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકવાના છે. દ્વારકાથી તેઓ સીધા હેલિકોપ્ટર મારફત રાજકોટની ભાગોળે આવેલ એઇમ્સ ખાતે ઉતરશે. જ્યાં તેઓ એઇમ્સના લોકાર્પણની સાથે અન્ય રાજ્યની 4 એઇમ્સનું પણ ઇ-લોકાર્પણ કરવાના છે.

વડાપ્રધાન એઇમ્સ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી રેસકોર્ષ ખાતે પહોંચશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે. જો કે અમુક અગ્રણીઓ અટલ સરોવર ખાતે સભા યોજવાની પણ વાત મૂકી રહ્યા છે. આજે સાંજ સુધીમાં વડાપ્રધાનની સભાનું સ્થળ ફાઇનલ થઈ જશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાં ક્યાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તે પણ સાંજ સુધીમાં નક્કી કરી દેવામાં આવશે.

હાલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સવારે એઇમ્સની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચાલતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ત્યાંથી આવીને જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક કરી હતી.

વધુમાં સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સભામાં સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લાના લોકો જ સામેલ નહિ થાય. આ ત્રણ જિલ્લાના લોકોને દ્વારકા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે બાકીના જિલ્લાના લોકો રેસકોર્ષના મેદાનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.