Abtak Media Google News

લોકસભામાં ૩૨૬ માંથી ૩૨૩એ બિલને મારી મહોર

સવર્ણોની નારાજગી વિપક્ષોને પણ પોસાય તેમ ન હોય, રાજયસભામાં પણ બિલ પસાર થવાની સંભાવના

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મળેલા સંસદના શિયાળુ સત્રના આખરી દિવસોમાં મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને આર્થિક પછાત સર્વણો માટે પેકેજ લાવીને વિપક્ષોને માથા ખંજવાળતા કરી દીધા હતા.

Advertisement

દેશના સર્વણોના આર્થિક પછાત લોકોને અનામતનો લાભ આપવાની કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો લાંબા સમયની માંગ કરી રહ્યા હતા. જેથી, કોંગ્રેસ સહિતના વિપક્ષો માટે આ બિલનો વિરોધ કરવાનું પોસાઈ તેમ ન હોય ગઈકાલે લોકસભામાં બહુમતિથી આ બિલ પસાર થઈ ગયું હતુ આજે આ બિલ રાજયસભમાં રજૂ થવાનું છે. ત્યારે ત્યાં પણ બહુમતિથી પસાર થવાની સંભાવના જોવાઈ રહી છે.

મોદી સરકારને ભીડવવા કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો લાંબા સમયથી સર્વણોના આર્થિક પછાત લોકો માટે અનામત લાવવાની માંગ કરી રહ્યા હતા. તેમાં પણ મોદી સરકારે એસસી, એસટીને સરકારી નોકરીમાં બઢતી આપવાને સમર્થન આપતા સર્વણો નારાજ થયા હતા. જેની અસર તાજેતરમાં યોજાયેલી હિન્દી પટ્ટાની ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી. જેની મોદી સરકારે આ મુદે સર્વણોની નારાજગી દૂર કરવા કમર કસી હતી. જેના ભાગરૂપે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સર્વણોનો આર્થિક પછાતોને ૧૦ ટકાનું પેકેજ આપવા એક જ દિવસમાંથી ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે કેન્દ્રના અન્ય મંત્રીઓને પણ માહિતી ન આપીને ખાનગી રીતે આ ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.

જે બાદ, સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમાં આ ખરડાને મંજુરી આપીને ગઈકાલે લોકસભામાં રજૂ પણ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષો સર્વણોને અનામત અપવાની લાંબા સમયની માંગ કરી રહ્યા હોય તેમના માટે ‘ના પાડે તો નાક કપાઈ અને હા પાડે તો હાથ કપાઈ’ જેવી સ્થિતિ હોય મનેકમને આ ખરડાની તરફેણ કરી હતી જોકે, કોંગ્રેસ સહિતના વિપક્ષી પાર્ટીઓએ આ ખરડાને મોદી સરકારની ચૂંટણી લક્ષી પેકેજ ગણાવ્યું હતુ આ ખરડાનો પહેલા વિરોધ કરનારા સપાએ આ પેકેજને આવકારવાની સાથે ઓબીસી માટે રખાયેલા ૨૭ ટકા અનામતની જોગવાઈને વધારીને ૫૪ ટકા કરવાની માંગ કરી હતી. જયારે, બસપાએ પણ આ પેકેજને આવકારીને મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા લાવવા પર શંકા વ્યકત કરી હતી.

કોંગ્રેસે આ ખરડાને સંસદની સીલેકટ કમિટી પાસે મોકલવાની માંગ કરીને વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ ગઈકાલે સાંજથી લોકસભામાં થયેલી ઉગ્ર ચર્ચા વિચારણા બાદ આ ખરડાને ૩૨૬માંથી ૩૨૩ સાંસદોની બહુમતિથી મંજુરી આપવામાં આવી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપસ્થિત રહીને સવર્ણો માટે આ પેકેજ દ્વારા બધાને સમાન ન્યાયનો તેમની સરકારે વાયદો પૂર્ણ કર્યાનું જણાવીને આ પેકેજ બંધારણમાં સુધારા કરીને લાવવામાં આવ્યું હોય તેમાં અદાલતી કાયદાકીય અડચણો નહી આવે આ પેકેજનો અમલ ચાલુ વર્ષથી સરકારી કોલેજોની સાથે સાથે ખાનગી શૈક્ષણીક સંસ્થાઓમાંપણ તેનો અમલ કરાશે તેમ ઉમેયું હતુ.

લોકસભામાં આ ખરડો બહુમતિથી પસાર થયા બાદ આજે રાજયસભામાં રજૂ કરવા માટે રાજયસભાનું સત્ર એકદિવસ લંબાવવામાં આવ્યું છે. રાજયસભામાં ૨૪૬ સાંસદો છે તે બધા મતદાનમાં ભાગ લે તો આ ખરડાને પસાર કરવા સરકારને ૧૬૪ મતોની જરૂર પડે તેમ છે. ઉપરાંત સંસદના નિયમો અનુસાર આ ખરડાને પસાર કરવા માટે ઓછામાં ઓછા અડધા સભ્યો મતદાનમાં ભાગ લે એટલે કે ઓછામાં ઓછા ૧૨૩ સાંસદો મતદાનમાં ભાગ લેત જરૂરી છે. રાજયસભામાં એનડીએ પાસે બહુમતી ન હોય અનેક આશ્ચર્ય ઉભા થવાની સંભાવના છે.

લોકસભામાં કોંગ્રેસે આ ખરડાને સંસદની સિલેકટ સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી આ ખરડાનો વિરોધ કરીને સવર્ણોને નારાજ કરવાનું કોંગ્રેસ અને વિપક્ષોને પોસાઈ તેમ ના હોય આજે રાજયસભામાં આ જ વલણ અપનાવીને આ ખરડાને મંજુરી આપવાની બદલે સિલેકટ કમીટીને મોકલવાનું બહુમતિથી ઠરાવી શકે છે.તેમની સાથે ડીએમકે, એઆઈડીએમકે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ જોડાઈ શકે તેમ છે. જેથી લોકસભાની ચૂંટણી પહેલા આ ખરડો પસાર થઈને કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે.

વિદેશોમાંથી માઈગ્રેન્ટ થતા બિન મુસ્લિમ નાગરિકોને સિટીઝનશીપ આપવાનો સ્થાનિકોનો વિરોધ

પૂર્વોત્તર ભારતના રાજયોમાં બાંગ્લાદેશી મુસ્લિમ નિરાશ્રિતોના કારણે હિન્દુઓની ઘટતી વસ્તીની સમસ્યાને કાબુમાં લેવામાં બિન મુસ્લિમ સિવાયના છ વર્ષથી ભારતમાં રહેતા બિન મુસ્લિમ નિરાશ્રિતોને નાગરિકતા આપવા મોદી સરકાર સીટીઝનશીપ કાયદામાં ફેરફાર લાવી રહી છે. આ કાયદામાં ફેરફાર કરવા સામે આસામ, મેઘાલય, નાગાલેન્ડ સહિતના રાજયોમાં વિરોધ ઉભો થવા પામ્યો છે.

સ્થાનિક પાર્ટીઓએ આ કાયદાથી પોતાની વોટબેંક છીનવાઈ જવાની સંભાવના જોતા આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે જેના કારણે ત્રણ રાજયોમાં ભાજપની સરકાર પર ખતરો ઉભો થવા પામ્યો છે. આસામની ભાજપની સોનોવાલ સરકારમાં રહેલી આસામ ગણપરિષદે આમુદે સરકાર છોડવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે મેઘાલયમાં ભાજપની સાથે રહેલી નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગાલેન્ડની નેશનાલીસ્ટ ડેમોક્રેડીટ પ્રોગ્રેસીવ પાર્ટી દ્વારા પણ આ કાયદાથી સ્થાનિકોની અસ્મિતા છીનવાઈ જવાની શકયતા વ્યકત કરીને આ ખરડાનો વિરોધ કરી રહ્યું છે. જેથી આ ખરડો કાયદાનું સ્વરૂપ લે તે પહેલા પૂર્વોત્તરના ત્રણ રાજયોમાં ભાજપની સરકારો પર ખતરો ઉભો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.