Abtak Media Google News

મેટ્રો સીટીમાં દરોડા પડતા હોવાથી હવે ફ્રોડ કોલ સેન્ટરો નાના ગામડાઓમાં ધમધમવા લાગ્યા: તપાસનો ધમધમાટ, હજુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શકયતા

મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના ખૂણે ખાંચરે ધમધમતા ફ્રોડ કોલ સેન્ટર ઝડપાતા હોવાના સમાચારો માધ્યમોમાં ચમકે છે ત્યારે ગઈકાલે માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામેથી ગેરકાયદે ધમધમતું એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાં કામ કરતા એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથધરી છે. પ્રાથમિક તપાસમાં આ ચીટર ગેંગ દરરોજ બ્રિટનના નાગરીકો પાસેથી ૩૦ લાખ ખંખેરતા હોવાનું ધ્યાને આવ્યું છે.   માળીયા મી. પોલીસ મથક પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામ નજીક આવેલા એક પેટ્રોલપંપની બાજુના બિલ્ડીંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતા માળીયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. આ દરમ્યાન વિકાસ સુરેન્દ્ર ત્યાગી ઉં.વ. ૩૪, મિરેશ જયેશ શાહ ઉં.વ. ૩૬, જીતુ સબાસ્ટીન જ્યોર્જ ઉં.વ. ૩૭, નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ ઉં.વ. ૩૫, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની ઉં.વ. ૩૪, રાજેશ રૂબન ટોપનો ઉં.વ. ૩૩, આકાશ યશવંતકુમાર રાવલ ઉં.વ. ૨૭, કૌશલ કિરીટ પટેલ ઉં.વ. ૩૧ તથા રિમા દિનેશ સોલંકી ઉં.વ. ૨૮ રહે. તમામ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંની અટકાયત કરી તમામનો કોવિડ ૧૯ ટેસ્ટ કરાવવા તજવીજ આદરી છે. તમામ આરોપીઓના રિપોર્ટ આવી ગયા બાદ આરોપીઓની ધરપકડ કરી માળીયા પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીઓના રિમાન્ડ મેળવશે. આ કોલ સેન્ટર મૂળ અમદાવાદના રહેવાસી વિકાસ સુરેન્દ્ર ત્યાગીનું હોવાનું ખુલ્યું હતું. ઉપરોક્ત સ્થળે વિવિધ પ્રકારના મોબાઇલ ફોન તેમજ ૯ લેપટોપ, સર્વર સહિતના સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત આશરે રૂપિયા ૧,૭૬૦૦૦ ગણી મુદ્દામાલ તરીકે ઝપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા લેપટોપમાં જાન્યુઆરી મહિના દરમ્યાન થયેલી લેતીદેતીનો હિસાબ પણ મળ્યો છે. ઝડપાયેલા આરોપીની મોડેસ ઓપરેન્ડી જોતા સ્પષ્ટ થયું હતું કે બ્રિટનના નાગરિકોને મેસેજ કરી તમારો ટેક્ષ બાકી છે જે ભરી આપશો, નહીં તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી બ્રિટન સ્થિત બેન્કોના અલગ-અલગ એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે બ્રિટનના ચલણ પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવી લેતા હતા. આ માટે તમામ લેપટોપને જોડીને એક સર્વર પણ બનાવવામાં આવેલુ હતું. ખૂબ જ વ્યવસ્થિત રીતે ઑનલાઇન મેનેજ કરાતા આ સ્કેન્ડલમાં બ્રિટનના નાગરિકો સાથે બ્રિટનના ટોનમાં ઈંગ્લીશમાં વાતચિત કરવા માટે તાલીમબદ્ધ માણસોનો સ્ટાફ હતો. તેમજ શું વાતચીત કરવી તે અંગેની પૂરી સ્ક્રિપ્ટ પણ દરેક લેપટોપમાંથી મળી આવી હતી. ઉપરોક્ત બોગસ કોલસેન્ટર આઈડી આઈબીમ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચલાવવામાં આવતું હતું. બ્રિટનના નાગરિકોને બ્લાસ્ટિંગ કરી ટેક્સ બાકીના મેસેજ મોકલવામાં આવતા. ત્યારબાદ જે નાગરિકનો ફોન આવે તેની સાથે વાતચીત કરી તેઓને શીશામાં ઉતારવામાં આવતા અને બ્રિટન સ્થિત બેંકોના અલગ અલગ એકાઉન્ટ નંબર આપી પાઉન્ડ તેમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. અત્યાર સુધીમાં બ્રિટનના કેટલા નાગરિકો સાથે ખોટા મેસેજ અને ફોન કરીને છેતરપિંડી કરી છે તેનો આંકડો વિસ્તૃત તપાસ કર્યા બાદ જ બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.