Abtak Media Google News

ઓનલાઈન આઇ.ડી.માં તીનપત્તીનો જુગાર રમતા યુવાનને જામનગરના ચાર શખ્સોએ રૂ.28 લાખની ઉઘરાણી કરી મોરબીથી ઉપાડી જઇ માર માર્યો

મોરબીમાં રહેતા અને સિરામિક કારખાનામાં નોકરી કરતા મૂળ જામનગરના યુવાન ઓનલાઇન જુગારમાં રૂ 7 લાખ હારી જતા જામનગરના ચાર શખ્સોએ મોરબીથી તેનું અપહરણ કરી જામનગર લઈ જઈ ઢોર માર મારી રૂ.28 લાખની ઉઘરાણી કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની અને હાલમાં પરિવાર સાથે મોરબી રહી સીરામીક ફેકટરીમાં કામ કરતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી નામના 28 વર્ષીય યુવાનનું ગત તા.12મી ફેબ્રઆરીના રોજ જામનગરના મહિપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ અને નંદો નામના શખ્સોએ તેમના ઘર રવાપર રોડ સંસ્કાર હિલમાંથી અપહરણ કરી જામનગર લઈ ગયા હતા.

ત્યાર બાદ અપહરણકારો તેને તેના ગામ હડીયાણા મૂકી ગયા હતા. ત્યાર બાદ યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી યુવાન જામનગરમાં સ્કૂલબેગની દુકાન ધરાવતો હતો અને તેની દુકાનની બાજુમાં જ ઓફીસ ધરાવતા આરોપી જયપાલસિંહ ચુડાસમા સાથે પરિચય થયો હતો. દરમિયાન જયપાલસિંહ સાથેના મહિપાલસિંહ રાણાએ યુવાન હિરલભાઈને ફોન કરી વોટ્સએપમાં ઓનલાઈન તીનપતિ જુગારની આઈડી આપતા હિરલભાઈ જુગાર રમતા રૂ.7 લાખ હારી ગયો હતો.

જેથી જામનગરના આરોપીઓએ ઉઘરાણી ચાલુ કરી હતી અને રૂ.7 લાખના બદલે રૂ.28 લાખ આપવા પડશે કહી ગત તા.12 રોજ રાત્રીના સમયે મોરબી આવી આરોપી મહિપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ અને નંદો નામના શખ્સોએ ટાટા પંચ કારમાં બળજબરીથી અપહરણ કરી જામનગર લઈ ગયા હતા. જ્યાં યુવાનને રામેશ્વરનગરમાં એક રૂમમાં ગોંધી રાખી સિગારેટના ડામ આપી બેફામ માર મારી હાથ ઉપર છરી વડે ઇજા કરી હતી.

ત્યાર બાદ ફરિયાદી હિરલભાઈએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા અંતે આરોપીઓ હિરલભાઈને તેમના ગામ હડિયાણા ઉતારી ગયા હતા અને વહેલી તકે પૈસા આપવા દબાણ કર્યું હતું. સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ થયા બાદ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય અપહરણ કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.