Abtak Media Google News

માપણી સહિત ખેતીના દસ્તાવેજી કામને ઘેરી અસર

મહત્વના સામિત્વ પ્રોજેક્ટ, રીસરવે, જમીન માપણી, સીટી સર્વેમા પ્રોપર્ટી કાર્ડ અનેક કામગીરી પાંચ દિવસથી સંપૂર્ણ ઠપ્પ

 

Advertisement

ગત તા. 3 જી ઓક્ટોબરથી રાજ્યભરના લેન્ડ રેકર્ડઝ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓનો નિવેડો ન આવતા ખાસ કરીને ગ્રેડ-પે અને પગાર ધોરણમા વિસંગતતા મુદ્દે સરકારથી નારાજ થઈ હડતાળ પર ઉતરી ગયા છે. જે મુદ્દે મોરબી જીલ્લાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમા જોડાઈ કામગીરી સંપૂર્ણ ઠપ્પ કરી દેતા પાંચ દિવસથી જમીન માપણી, નકલ અરજી સહિતની પ્રજાલક્ષી કામગીરીને બ્રેક લાગતા મહત્વના સરકારી કામકાજ ખોરવાઈ જતા અરજદારોના કામને ઘેરી અસર થઈ છે. રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડઝ ડિપાર્ટમેન્ટના વર્ગ-3 કર્મચારી યુનિયને વર્ષ 2018 થી પગાર વિસંગતતા, ગ્રેડ પે સુધારવા, નવી ઉભી કરેલી એ.ડી.આઈ. પોસ્ટ રદ કરી શિરસ્તેદાર, હેડ કલાર્ક પોસ્ટ એકત્ર કરવા, ખાતાકીય પરીક્ષા સમયસર યોજવા, 50 વર્ષથી વધુ વયના કર્મચારીઓને પરીક્ષા મુક્તિ સહિતના અનેક મુદ્દે સરકાર સમક્ષ લેખિત માંગણીઓ રજુ કરી હતી.

જેમા, અમુક માંગણીઓ સ્વિકાર કર્યા બાદ મુખ્ય માંગણી ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબો સમય વિતવા છતા ન સ્વિકારાતા રાજ્યભરમા કર્મચારીઓએ ગત તા.23 સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસરવે, સ્વામિત્વ યોજના અને ગામઠાણ પ્રોજેક્ટનો પેન ડાઉન કરી બહિષ્કાર કર્યો હતો. પરંતુ ત્રણેય કામગીરી બંધ કરવા છતા નિવેડો ન આવતા ગત તા.3 જી ઓક્ટોબર થી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી રાજ્યમા સોંપો પાડી દીધો છે.

જે અંતર્ગત મોરબી જીલ્લાની ડી.આઈ.એલ.આર. કચેરી ઉપરાંત, સુપ્રિટેન્ડેન્ટ કચેરી, સીટી સર્વે કચેરી અને વાંકાનેર, હળવદની સીટી સર્વે ઓફિસના તમામ કર્મચારીઓ રાજ્ય મંડળની સુચનાથી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ હડતાલ પર ઉતરી જતા છેલ્લા પાંચ દિવસથી સરકાર ની મહત્વની કચેરીઓ કર્મચારી વગર સુમસામ ભાસી રહી છે. જેનાથી જમીન અંગેના દસ્તાવેજી કામ અર્થે આવતા અરજદારોને પાંચ પાંચ દિવસથી ડેલે હાથ દઈ પરત ફરવુ પડે છે. લેન્ડ રેકર્ડ કર્મચારીઓની હડતાળથી ખેતીની જમીન માપણી, બિનખેતી માપણી, જમીનને લગત ટીપણ, માપણી રજીસ્ટર સીમ નકશા, સીમખરડો સહિતની મહત્વની નકલ અરજીનો નિકાલ થંભી જતા જમીન લે વેચ ની રેવન્યુ રેકર્ડ પર અસર આપવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.સીટી સર્વે કચેરીમા પ્રોપર્ટી લે વેચ નોંધ, પ્રોપર્ટીકાર્ડ ની કામગીરીને બ્રેક લાગી જતા કામગીરીને ઘેરી અસર પડી છે.

શહેર લાયક ગામડાને પ્રોપર્ટી કાર્ડ આપવાની સરકારની મહત્વની યોજના, ગામઠાણ પ્રોજેક્ટ, ટંકારા અને માળીયાની હક ચોકસાઈ કામગીરી સદંતર બંધ થતાં અહીં પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરીને હાલ ડાટો લાગી ગયો છે. તથા સરકારના સામીત્વ પ્રોજેક્ટને હાલ હડતાલથી સદંતર બ્રેક લાગી ગઈ છે. જેના કારણે અરજદારો છેલ્લા પાંચ પાંચ દિવસથી ડેલે હાથ દઈ કચેરીના ધરમના ધક્કા ખાઈ પરત ફરી રહ્યા છે. ઉપરાંત, સરકારને સીધી અસર થાય એવા સરકારે ફાળવેલ જમીન માપણી, સરકારના સમય મર્યાદા વાળા સોલાર પ્રોજેક્ટ, વિન્ડફાર્મના પવન ચક્કી પ્રોજેક્ટ, નવા થર્મો સબ સ્ટેશન ફાળવણીની માપણી, કેનાલ, હાઈવે જમીન સંપાદન સહિતના અનેક કામો ઘોંચમા પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.