Abtak Media Google News
  • દરિયા કિનારો રેઢો નથી, ફરી એકવાર સુરક્ષા એજન્સીઓનો ડ્રગ્સ માફિયાઓને સ્પષ્ટ સંદેશ
  • આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસનું મોટુંઓપરેશન: બોટમાં સવાર 6 લોકોની ધરપકડ, 50 કિલો ડ્રગ્સ જપ્ત: તપાસનો ધમધમાટ

સરકાર ગુજરાતના દરિયાકાંઠાને સુરક્ષિત રાખવા ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ આજે સવારે દિલધડક ઓપરેશન ચલાવી ગુજરાતના દરિયાકાંઠેથી ઈન્ટરનેશનલ મેરીટાઇમ એરિયામાંથી એક પાકિસ્તાની બોટને પકડી પાડી છે.  આ બોટમાંથી રૂ. 350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હતો. પણ હવે આ વિસ્તારને ડ્રગ્સ માફિયા માટે દોહજખ બનાવવા સરકારે છેલ્લા ઘણા સમયથી એક્શન શરૂ કરી છે. જેના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહીને નશાના કાળા કારોબાર સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખી છે. આ દરમિયાન આજે કચ્છના દરિયાઈ સીમામાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં 350 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે.

પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું 50 કિલો ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં બોટમાંથી 50 કિલો ડ્રગ્સ સાથે 6 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટને ઝડપી લીધી છે. વધુ તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી રહી છે. તેના બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતું અને કોણે મંગાવ્યું હતું તે દિશામા તપાસ કરાશે.

એક વર્ષમાં છઠ્ઠી વખત ડ્રગ્સ પકડાયું 

પાકિસ્તાનની બોટ અને માદક દ્રવ્યોને જપ્ત કરવાની આ વર્ષની આ છઠ્ઠી કાર્યવાહી છે, જ્યારે એક મહિનાથી ઓછા સમયમાં બીજી કાર્યવાહી છે. આ પહેલા 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનની એક બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

હવે ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થવું પણ ડ્રગ્સ માફિયાઓ માટે પડકારરૂપ

ગુજરાત સરકારે દરિયાઈ માર્ગેથી થતા નશાના કાળા કારોબાર વિરુદ્ધ ઝુંબેશ છેડી છે. જેમાં અનેકવિધ ઓપરેશન કરીને ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. અધૂરામાં પૂરું ગુજરાતની સુરક્ષા એજન્સીઓ માત્ર ગુજરાતમાં જ નહીં, બીજા રાજ્યોમાં જઈને પણ કાર્યવાહી કરવામાં પાછી પાની કરતી નથી. જેથી હવે ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થવું પણ ડ્રગ્સ માફિયાઓ માટે પડકારરૂપ બન્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.