Abtak Media Google News

આરટીઆઇમા ભાંડા ફોડ થયો;રાજકીય વ્યક્તિના ઈશારે પાલિકાએ એક..બે.. દિવસ નહિ બબ્બે મહિના ગાંઠના ગોદડે આપી દેતા ચીફ ઓફિસર ચોકી ઉઠ્યા

મોરબી શહેરમાં કાયદાનું કે નીતિ નિયમોનું અસ્તિત્વ જ નહોય તેમ દરેક બાબતોમાં રાજકીય હસ્તક્ષેપથી થતા તમામ કાર્યોમાં જનસુવિધા માટેનો કોમ્યુનિટી હોલ દલા તરવાડીની વાર્તાની જેમ એક લોહાણા દાંડિયા કલાસીસ સંચાલિકાને લાખોની કમાણી કરવા મફતમાં એક..બે..કે…પાંચ..દિવસ નહિ પણ બબ્બે મહિના સુધી લ્હાણી કરવામાં આવ્યો હોવાની સ્ફોટક વિગતો માહિતી અધિકારના કાયદા દ્વારા ઉજાગર થતા કોના બાપની દિવાળી જેવા સવાલ ઉઠી રહ્યા છે.

મોરબીના શહેરીજનોને સારા કે માઠા પ્રસંગે ઉપયોગમાં આવે તે માટે પાલિકા દ્વારા બનાવવમાં આવેલો કોમ્યુનિટી હોલ તમામ કાયદા નીતિ નિયમોની ઐસી તૈસી કરી એક દાંડિયારાસ શીખવતી યુવતીને મફતમાં વાપરવા માટે આપી દેવાતા અનેક નાગરિકોના પ્રસંગો અટકી પડ્યા છે.

મોરબી પાલિકાના સતાધીશોને એક રાજકીય આગેવાને મૌખિક સૂચના આપતા છેલ્લા ઘણા સમયથી હો..હા…ગોકીરા અને દેકારો કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહેલ દાંડિયા સંચાલિકાને લ્હાણીમાં આપી દેવામાં આવ્યો છે એક એક દાંડિયા શીખવા આવનાર પાસેથી ૧૦૦૦ રૂપિયા ફી વસુલ કરતી આ મહાસાહેબા દ્વારા હાલમાં ૨૦૦થી વધી દાંડિયા શોખીનોને આ રસ ગરબાના પાથ ભણાવી રહી છે તે જોતા બે લાખથી વધુનો ધંધો પાલિકાનું બિલ્ડીંગ અને લાઈટ પાણી વાપરીને કરી લીધો છે.

સામાન્ય દિવસોમાં પાલિકા તંત્ર પ્રતિ દિવસના ૧૦૦૦ રુલિયા ભાડું વસૂલી નાગરિકોના પ્રસંગ માટે ભાડે આપે છે પરંતુ અહિતો રાજકીય આકા નો હુકમ થતા બબ્બે મહિનાથી શહેરીજનોના ભોગે એક વ્યક્તિની ખુશામત ખોરી કરવામાં આવી રહી છે.

આ મામલે મોરબીના ખ્યાતનામ એડવોકેટ કાજલ ચંડીભમરે આરટીઆઇ મારફતે સવાલો ઉઠાવી માહિતી માંગતા હાલ તો પાલિકા તંત્ર હાફળુ ફાફળુ થઈ ઢાંક પીછોળા માટે પ્રયત્નશીલ બન્યું છે.દરમિયાન કોમ્યુનિટી હોલની બબ્બે મિહના સુધી લ્હાણી કરવા મામલે પાલિકાના બિલ,પાકી પહોંચ સહિતની હકીકતો બહાર લાવવા થયેલી આરટીઆઇથી ખુદ ચીફ ઓફિસર સાગર રાડીયા ચોકી ઉઠ્યા છે. કોમ્યુનિટી હોલ અંગે આરટીઆઇ અંગે ચીફ ઓફિસર રાડીયાનો સંપર્ક સાધતા તેમણે આરટીઆઇ થઈ હોવાની વાત નો સ્વીકાર કરી એક જ વ્યક્તિને ધંધાદારી હેતુથી મફત માં હોલ આપવા અંગે  પગલાં ભરવામાં આવશે તેવું જણાવી હાલ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.