Abtak Media Google News

રાજકોટ જિલ્લા સહકારી સંઘની એક બેઠક માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. સંઘની 16 બેઠકો બિનહરીફ થઈ છે. એકમાત્ર બેઠકને બિનહરીફ કરવામાં નિષ્ફળતા મળી છે. આ બેઠક ઉપર ભાજપના મનસુખ સંખારવા અને બળવો કરનાર ડો.એન.ડી. શિલું વચ્ચે જંગ જામ્યો છે.

દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સવારે 9થી 2 વાગ્યા સુધી 114 મતદારો આપશે મતદાન: પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ 7 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે: બપોરે 3 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે

16 બેઠકો બિનહરીફ, એકમાત્ર બેઠક ઉપર ભાજપના મનસુખ સંખારવા અને બળવો કરનાર ડો.એન.ડી. શિલું વચ્ચે જંગ

રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સંઘ સાથે સંયોજિત દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ એક પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજિત થયેલી મંડળીઓના બે પ્રતિનિધિ મળી કુલ 17 બેઠક માટે 28 ડિસેમ્બરથી ફોર્મનું વિતરણ શરૂ થયું હતું. જેમાં સહકારી આગેવાનોના પ્રયાસોથી 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. એકમાત્ર બેઠક ઉપર જ જંગ જોવા મળ્યો છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ડો. એન.ડી. શીલુએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આમ કરી તેઓએ પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કર્યો હતો. તેમજ ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપ્યુ હતુ.

હવે આવતીકાલે તા. 20 જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં મતદાન પ્રક્રિયા દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સવારે 9 કલાકથી બપોરના 2 સુધી ચાલશે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 3 કલાકે દક્ષિણ મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.

આવતીકાલની ચૂંટણીમાં 114 મતદારો મતદાન કરવાના છે. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત કે.જી. ચૌધરી ફરજમાં છે. તેઓના માર્ગદર્શન હેઠળ  મામલતદાર, નાયબ મામલતદાર, ત્રણેક શિક્ષકો સહિત સાત અધિકારી અને કર્મચારીઓનો સ્ટાફ પણ ચૂંટણી ફરજમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.