Abtak Media Google News

રિલાયન્સ ફેમેલી ડેની ઉજવણીમાં મુકેશ અંબાણીએ યુવા પેઢીને સુકાન સોંપવાના આપ્યા સંકેતો

રિલાયન્સનો અર્થ થાય છે વિશ્વાસ. હવે મુકેશ અંબાણીને તેની ભાવી પેઢી ઉપર વિશ્વાસ આવી ગયો હોય, તેઓ રિલાયન્સનું સુકાન ભાવિ પેઢીને સોંપી દેવાના છે. 64 વર્ષીય અંબાણીએ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વારસાની યોજના વિશે વાત કરી ન હતી. તેમણે કહ્યું કે રિલાયન્સમાં હવે લીડરશિપમાં ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત છે. તેમાંથી આકાશ અને ઇશા જોડિયા ભાઈબહેન છે.

Advertisement

રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફેમિલી ડેની ઉજવણીમાં મુકેશ અંબાણીએ વારસાની યોજના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી વર્ષોમાં વિશ્વની સૌથી મજબૂત અને પ્રતિષ્ઠિત ભારતીય મલ્ટિનેશનલ કંપનીઓ પૈકી એક બનશે. ખાસ કરીને ક્લિન અને ગ્રીન એનર્જી સેક્ટરમાં જૂથ આગળ વધશે અને તેનો ટેલિકોમ બિઝનેસ અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચશે.

તેમણે કહ્યું કે મોટા સ્વપ્નો સાકાર કરવા અને અશક્ય લાગતા લક્ષ્યને સિદ્ધ કરવા માટે યોગ્ય લોકોની અને યોગ્ય લીડરશિપની જરૂર પડે છે. રિલાયન્સ અત્યારે લીડરશિપમાં ધરખમ પરિવર્તન લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. મારી પેઢીના સિનિયરોથી હવે નવી પેઢીના યુવા લીડર્સ તરફ લીડરશિપ જઈ રહી છે, અને આ પ્રક્રિયા ઝડપથી આગળ વધે તે મને ગમશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, મારા સહિતના તમામ સિનિયરોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અત્યંત સક્ષમ, અત્યંત પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી યુવા લીડરશિપ માટે માર્ગ ખોલવો જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સક્ષમ બનાવવા જોઈએ, તથા તેઓ સારો દેખાવ કરે ત્યારે આપણે પાછળ ખસીને તેમને વધાવવા જોઈએ.

રિલાયન્સ જૂથ અત્યારે ત્રણ વર્ટિકલ્સમાં કામ કરે છે. તેના એનર્જી બિઝેસમાં જામનગર સ્થિત ઓઈલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ સામેલ છે. તેના રિટેલ બિઝનેસમાં ફિજિકલ સ્ટોર્સ તથા જિયોમાર્ટનું ઇ-કોમર્સ યુનિટ સામેલ છે. જ્યારે તેનો ટેલિકોમ અને ડિજિટલ બિઝનેસ જિયો નામે ચાલે છે.

અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જૂથ ખાતે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરનો વિકાસ થવો જોઈએ અને તે ટકી રહેવું જોઈએ. મને વિશ્વાસ છે કે આગામી પેઢીના લીડર્સ તરીકે આકાશ, ઇશા અને અનંત રિલાયન્સને વધુ નવી ઊંચાઈ પર લઈ જશે.

પોતાના વક્તવ્યની શરૂઆતમાં ઇશાના પતિ આનંદ પિરામલ અને આકાશની પત્ની શ્લોકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાધિકાનું નામ પણ લીધું હતું જેઓ અનંતને પરણશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે આકાશ અને શ્લોકાના એક વર્ષના પુત્ર પૃથ્વીનું નામ પણ લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.