Abtak Media Google News
  • પાણી ભરવા ગયેલી મહિલાનો પગ લપસતા તેને બચાવવા પડેલા ત્રણ મહિલા અને બે પુરૂષનો પાણીએ ભોગ લીધો
  • પતિ-પત્નિ અને બે બહેન સહિત પાંચના મોતથી નાના એવા ગુંદાલા ગામમાં ઘેરા શોક: એક સાથે પાંચ અર્થી ઉઠતા હૃદય દ્રાવક  દ્રશ્ય સર્જાયા

કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી ભરવા ગયેલી મહિલાનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા એક પછી એક મળી એક જ પરીવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. પતિ-પત્નિ અને બે બહેન સહિત પાંચ વ્યક્તિના મોત નિપજતા નાના એવા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.વધુ વિગત મુજબ માંડવી નજીક આવેલ ગુંદાલા ગામેથી આવેલી નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલી સવિતાબેન દામજી દાંતણીયા નામની 32 વર્ષીય મહિલાનો પગ લપસતા તેને બચાવવા પડેલા કલ્યાણજી દામજી દાંતણીયા ઉ.વ.30, રાજુ ખીમજી દાંતણીયા ઉ.વ.30, હીરાબાઈ કલ્યાણજી દાંતણીયા ઉ.વ.25 અને રસીલાબેન દામજી દાંતણીયા સહિત પરીવારના સભ્યો ડૂબવા લાગતા આ બનાવની જાણ આસપાસના લોકોએ ફાયરબ્રિગેડ, મુંદ્રા પોલીસ અને મામલતદાર વાઘજીભાઈ ચૌધરીને જાણ કરતા તેઓ ફાયરબ્રિગેડના તરવૈયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓએ મહામહેનતે ત્રણ મહિલા અને બે પુરૂષના મૃતદેહ બહાર કાઢી પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

મુંદ્રા પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવથી મુંદ્રા વિસ્તારમાં શોકનુ મોજુ ફેલાયુ છે. કચ્છ કલેકટર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર એચ.એ.નાગોરી સહિતના સ્ટાફે બચાવ રાહતની કામગીરી હાથ ધરી હતી. નાના એવા  ગુંદાલા ગામના દંપતી  સહિત  પાંચ વ્યકિતઓ  નર્મદા કેનાલમાં  પાણીમાં ગરક થઈ જવાથી જીવ ગુમાવ્યો છે. એક જ પરિવારની પાંચ વ્યંકિતઓની  એક સાથે અર્થી ઉઠતા ગુંદાલ ગામ  હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.