Abtak Media Google News

દારૂડીયા પુત્રનાં કટકા કરીને લાશ અલગ સ્થળે ફેંકી દીધી હતી: પોલીસને સાત મહિને મળી સફળતા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મદારગઢ ગામે ૭ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ સુરેન્દ્રનગર એલસીબીએ ઉકેલી નાખ્યો છે થોરીયાળી ડેમમાંથી એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હાથ, પગ, મોઢું વગેરે અંગો કાપી નાખેલી હાલતમાં લાશ મળી હતી અને વિવિધ અંગોના ટુકડા જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા આ બનાવમાં મૃતકના માતા-પિતાએ પોતાનો યુવાન દીકરો ગુમ થયો હોવાની જાણ પોલીસમાં કરતા પોલીસે આ ગુમસુદા નોંધ આધારે યુવકની હત્યા નિપજાવનાર તેના માતા-પિતા સહીત ૪ ને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે માં-બાપ દારૂ છોડાવવા માથાકુટ કરતા હોય અને પુત્ર માનતો નહિ હોવાથી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનુ તપાસમાં જાણવા મળ્યું છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં અનડિટેકટ ગુનાઓના ભેદ ઉકેલવા એસપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડીવાયએસપી ડી.વી.બસીયા, એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ વી.આર.જાડેજા અને તેમની ટીમ વિવિધ ગુનાઓની તપાસમાં લાગી ગઈ હતી દરમિયાન ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સાયલાના થોરીયાળી ડેમમાંથી એક યુવકની નગ્ન હાલતમાં અને હાથ-પગ-મોઢું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી જે ગુનો અનડિટેકટ હોય તે ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે મથામણ શરૂ કરી હતી પ્રથમ ગુમશુદા નોંધ અંગે વિવિધ પોલીસ સ્ટેશનની વિગતો મંગાવી બાતમીદારોને એક્ટિવ કરી માહિતી મેળવતા આ લાશ સાયલાના મદારગઢ ગામના પથાભાઈ ઉર્ફે પથો સાગરભાઈ કટોસણા ઉ.વ.૩૦ હોવાનુ જાણવા મળ્યું હતુ. આ યુવક ૨૬ જાન્યુઆરીના રોજ ગુમ થયો હતો અને તેની ગુમ નોંધ ૩૦ જાન્યુઆરીના રોજ સાયલા પોલીસ સ્ટેશનમાં થયેલી હતી ઓળખ થયા બાદ ટેક્નિકલ સોર્સની મદદથી આ હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન પથાને બીજા કોઈએ નહિ પરંતુ તેના માં-બાપ-ભાઈ અને એક સાગરીત સાથે મળી હત્યા કરી હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે શંકાના દાયરામાં રહેલા મદારગઢ ગામના મૃતકના ભાઈ ઠાકરશી સાગરભાઈ કટોસણા, પિતા સાગરભાઈ સતાભાઈ કટોસણા, માતા મધુબેન સાગરભાઈ કટોસણા અને કંસાડા ગામના સાગરીત માવજીભાઈ મનુભાઈ મારુણીયાને સકંજામાં લઈ અલગ અલગ થીયરીથી સઘન પુછપરછના અંતે ચારેય આરોપીઓ ભાંગી પડયા હતા અને હત્યાની ચોંકાવનારી કબુલાત આપતા જણાવ્યું હતુ કે પથો દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને ૨૫ તારીખે રાત્રે દારૂ ઢીંચી માતા-પિતા સાથે બોલાચાલી કરી મારકુટ કરી હતી અને ૨૬ તારીખે સવારે પણ ફરીથી આવી માથાકુટ કરતો હોવાથી તમામ આરોપીઓએ પથાને લોખંડના પાઈપ, લાકડાના ધોકાથી માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદમાં લાશની ઓળખ ન થાય તે માટે છરી તથા હેન્ડ ગ્રાઈન્ડરથી માથું, બંને હાથ, બંને પગ કાપી તમામ અવશેષો કોથળામાં ભરી દીધા હતા અને હાથ-પગ-મોઢા વિનાનું ધડ જસાપર ડેમમાં નાખી દીધો હતો પોલીસે ગુમશુદા નોંધ આધારે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને માતા-પિતા-ભાઈ સહીત ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.