Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં અડધો લાખ કોથળામાં પાંચ-પાંચ કિલો મગફળી ઉમેરવી પડશે : તંત્રવાહકો મૂંઝાયા

નાફેડે ૩૦ના બદલે ૨૫ કિલો મગફળીના કોથળા સ્વીકારવાની ચોખી ના પાડી દીધી છે. જેથી તંત્ર ધંધે લાગવાનું છે તે નક્કી છે. રાજકોટ જિલ્લામાં અડધો લાખ કોથળામાં પાંચ-પાંચ કિલો મગફળી ઉમેરવી પડે તેમ હોય તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે.

સરકારે ગત ૨૬ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં ખેડૂતોની લાગણી મુજબ સરકારના પદાધિકારીની સૂચના પુરવઠા નિગમે ૩૦ના બદલે ૨૫ કિલો મગફળીના કોથળા ભરવાનું શરૂ કર્યું હતું. નાફેડે ૩૦ કિલોથી ઓછા વજનવાળા કોથળા સ્વીકારવાની ના પાડી દેતા નિગમે હવે ૨૫ કિલોવાળા કોથળામાં મગફળી ઉમેરીને ૩૦ કિલોના કરવાનું શરૂ કર્યું છે.

જે તે વખતે લેખિત મંજુરી વિના નિયમમાં બાંધછોડ કરવા બદલ સરકાર માથે વજનમાં ફરીથી ફેરફાર કરવાનો લાખો રૂપિયાનો ખર્ચ આવી પડયો છે. આવુ માત્ર રાજકોટ જિલ્લામાં જ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર પુરવઠા નિગમ મગફળી ખરીદીને નાફેડને આપે છે. નાફેડે કોથળા દિઠ ૩૦ કિલો મગફળીનો નિયમ રાખ્યો છે. રાજકોટ જિલ્લામાં નિગમે પ્રારંભિક તબક્કે ૨૫ કિલો મગફળી ભરેલ. આવી કોથળાની સંખ્યા અડધો લાખ જેટલી થાય છે. હાલ તે જિલ્લાના ૭ ગોડાઉનમાં પડી છે.

હવે ૨૫ કિલોવાળા કોથળા ખોલીને તેમાં પાંચ-પાંચ કિલો મગફળી ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સમય, શકિત અને પ્રજાના પૈસા વપરાઇ રહ્યા છે. રાજ્ય સરકાર ૨૫ કિલોવાળા મગફળીના કોથળા સ્વીકારવામાં નાફેડને સહમત ન કરાવી શકી એટલે ઘટતા વજનની પૂર્તતા કરવાની વધારાની કસરત કરવાની નોબત આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.