Abtak Media Google News

સુરત જિલ્લાની માંડવી નગરપાલિકાની પ્રશસ્ય પહેલ: ૭ હજાર જેટલા પરિવારોને સિટીઝન સ્માર્ટ કાર્ડ સેવાનો લાભ અપાશે

નગરપાલિકાના નવા વહીવટી ભવનનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય વહીવટી સંકુલ નામાભિધાન સાથે મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું

રાજ્યના શહેરો, નગરોને આધુનિક, સલામત અને ઇઝ ઓફ લિવીંગથી માણવાલાયક, રહેવાલાયક બનાવીને ઈ-સેવાઓથી ભ્રષ્ટાચારમુકત પારદર્શી વહીવટની નેમ સાકાર થઇ રહી છે.

મુખ્યમંત્રીએ સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટ કાર્ડ વ્યવસ્થાનો પ્રારંભ તેમજ નગરપાલિકાના નવા વહીવટી ભવનનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલ નામાભિધાન સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી ઈ-લોકાર્પણ કર્યુ હતું.

સાંસદ પ્રભુભાઇ વસાવા તેમજ માંડવી નગરપાલિકાના પદાધિકારીઓ-નગરસેવકો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કલેકટર ધવલ પટેલ વગેરે આ અવસરે માંડવી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓમાં માંડવીએ સિટીઝન સ્માર્ટ કાર્ડની કરેલી આ નવતર પહેલને બિરદાવી હતી.

આ સેવાનો લાભ માંડવી નગરના ૭ હજાર જેટલા પરિવારોને મળવાનો છે. તેમના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિઝીટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ સેવાઓનો વિનામૂલ્યે લાભ નાગરિકોને મળવાનો છે.

વિજયભાઇ રૂપાણીએ આવી સુરક્ષિત સેવાઓના અભિગમ માટે નગરપાલિકા તંત્રને અભિનંદન આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે છેક ગ્રામીણસ્તરના નાગરિકોને પોતાના કામકાજ માટે જિલ્લા મથકે આવવું જ ન પડે અને પંચાયત ઘરમાંથી જ જરૂરી દાખલા, પ્રમાણપત્રો મળે તે માટે ઈ સેવા સેતુની શરૂઆત કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારના ભારતનેટ સાથે ગ્રામ પંચાયતોના હાઇબેન્ડ ફ્રિકવન્સી જોડાણથી ૩પ જેટલી વિવિધ સેવાઓ ગામોમાં ઓનલાઇન મળે છે.

આગામી ડિસેમ્બર માસ સુધીમાં ૮ હજાર ગામોને આ  ઈ સેવા સેતુમાં જોડવાની તથા ઈ સેવાઓનો વ્યાપ ૩પ થી વધારી પ૧ કરવાની પણ નેમ તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે તો લોકોને કચેરી-ઓફિસોના ધક્કા જ ન ખાવા પડે અને ઘરેબેઠા જ કામ થાય તેવી પારદર્શી-ઓનલાઇન સેવાઓ વિકસાવતા જઇને ઇઝ ઓફ લીવીંગને વેગ આપ્યો છે.

તેમણે આ અંગે ઉમેર્યુ કે, રાજ્યના નગરો-શહેરોમાં મકાન બાંધકામ નકશા મંજૂરી પણ કચેરીમાં ગયા વિના ઓનલાઇન મળે તે માટે ઓડીપીએસ સિસ્ટમ પણ દેશમાં પહેલ કરીને ગુજરાતમાં શરૂ કરી છે.

વિજયભાઇ રૂપાણીએ નાના ગામોથી માંડીને મોટા શહેરો સુધી કોઇ પણ નિર્દોષ વ્યકિત, ગરીબ-ખેડૂતની જમીન ભૂમાફિયાઓ પચાવી ન પાડે તે માટે આવા માફિયાઓને સખ્ત નશ્યત કરવાના હેતુથી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પણ રાજ્યમાં કડક અમલ શરૂ થઇ ગયો છે તેની છણાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.